• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

મોરિસના સિક્યોરિટી ગાર્ડના પોલીસ રિમાન્ડ મંજૂર  

મુંબઈ, તા. 10 : ઠાકરે જૂથના ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની હત્યા પ્રકરણમાં આરોપી મોરિસ નોરાન્હા દ્વારા જે પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું. એનું લાયસન્સ ધરાવના મોરિસના બૉડીગાર્ડ અમરેન્દ્ર મિશ્રાની ધરપકડ બાદ એને શનિવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એની બે દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરવામાં આવી છે. આરોપી મોરિસે જેલમાંથી છૂટયા બાદ અભિષેકની હત્યાની યોજના બનાવી હતી. તેથી તેણે ગનનું લાયસન્સ ધરાવતાં અમરેન્દ્ર મિશ્રાને પોતાની સુરક્ષા માટે રોક્યો હતો. વળી શરત હતી કે એની લાયસન્સવાળી ગન હંમેશાં અૉફિસના ડ્રૉઅરમાં રહેશે.  અમરેન્દ્ર પાસે ગનનું લાયસન્સ હતું. જોકે, લાયસન્સ ઉત્તર પ્રદેશનું છે. એણે મુંબઈ આવીને વિશે પોલીસને જાણ કરી નહોતી. બૉડીગાર્ડે મામલે આરોપી સાથે કોઈ રૂપિયાની લેવડદેવડ કરી છે કે નહીં પોલીસ જાણવા માગે છે.  

દહિસરમાં દફનાવવા સામે વિરોધ

અભિષેક ઘોસાળકરની હત્યા કરી આરોપી મોરિસ નોરાન્હાએ પોતે પણ આત્મહત્યા કરી હતી. શુક્રવારે ઘોસાળકરની અંતિમયાત્રામાં તો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, પરંતુ મોરિસના અંતિમસંસ્કાર દહિસરના ચર્ચની નજીક આવેલા કબ્રસ્તાનમાં કરવા સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો, લેડી અૉફ ઇમેક્યુલેટ કેસેપ્સન ચર્ચના ફાધરે મોરિસના મૃતદેહને ચર્ચ પરિસરમાં દફન કરવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જેને લીધે મહાલક્ષ્મીના કબ્રસ્તાનમાં એની દફનવિધિ કરવામાં આવી હતી.