વિપક્ષોની સંખ્યા અને શક્તિ ક્ષીણ થઈ છે
સંસદના
વર્ષાસત્રમાં વિપક્ષો મોદી સરકાર સામે આક્રમક તો બનશે પણ હવે તેની સંખ્યા અને શક્તિ ક્ષીણ થઈ છે. સંસદની બહાર ઉચ્ચપરીક્ષાનાં પેપર ફૂટયાનો મુદ્દો અને હવે અયોધ્યાના દેવદ્રવ્યની ચોરી-લૂંટનો મુદ્દો હાથવગો છે. ભાજપના હિન્દુત્વ અને ભ્રષ્ટાચારના મુદ્દા વિપક્ષના હાથમાં છે. સંસદસભ્યો-નેતાઓની સંખ્યા પૂરતી નહીં હોવાથી સરકાર સામેનાં આવેદનમાં સમાજના અગ્રણીઓનાં નામ જોડીને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને સુપ્રત થયું છે. હવે આ મુદ્દા સંસદમાં ઉઠાવાશે ત્યારે સરકાર રાષ્ટ્રવાદ ઉપર ભાર મૂકશે. આર્થિક વિકાસ માટે કેટલાક મહત્ત્વના સુધારા ખરડા રજૂ થનાર છે. તે ઉપરાંત ‘રાષ્ટ્રગાન’
- ‘વંદે
માતરમ’નું અપમાન - અવહેલના કરનારને યોગ્ય સજા મળે તેવી જોગવાઈ કરનાર છે. ગયા વર્ષે અૉગસ્ટમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહે એક ખરડો રજૂ કર્યો હતો તેમાં એવી જોગવાઈ છે કે વડા પ્રધાન, મુખ્ય પ્રધાનો અથવા કોઈપણ પ્રધાનની ધરપકડ થઈ હોય અને ગુનો પાંચ વર્ષના જેલવાસ યોગ્ય હોય તો, અને સતત 30 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા હોય તો તેઓ હોદ્દા ઉપર ચાલુ રહી શકે નહીં - કેજરીવાલે જેલમાં બેઠા સરકાર ચલાવી હતી તેવું થઈ શકે નહીં! આવા કિસ્સામાં રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ આદેશ આપશે. રાજકારણને અપરાધીકરણથી બચાવવા અને સંવિધાનની નૈતિકતાના હિતમાં આ ખરડો રજૂ થયો હતો તે હવે ફરીથી હાથ ધરાય એવી આશા હતી પણ અચાનક સંબંધિત સંસદીય સમિતિના અધ્યક્ષે કહ્યું છે કે આ વિષયમાં હજુ ચર્ચાવિચારણા થઈ રહી છે તેથી વર્ષાસત્રમાં મંજૂર થવાની શક્યતા નથી. હકીકતમાં વિરોધ પક્ષો શંકા વ્યક્ત કરે છે કે આ ખરડો પસાર થાય તો વિપક્ષી મુખ્ય પ્રધાનો સામે તેનો ઉપયોગ થઈ શકશે. આવી શંકા દૂર કરવા માટે, તથા સીમાંકન ખરડો પસાર કરાવવા માટે વિપક્ષી ટેકાની જરૂર છે. તેથી મુખ્ય પ્રધાનોને ‘બરતરફ’ કરવાનો ખરડો અત્યારે ખોરંભે છે.
આવતીકાલ
- સોમવારથી
સંસદનું વર્ષાસત્ર શરૂ થઈ રહ્યું છે. સમગ્ર દેશવાસીઓ વર્ષાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સંસદનું વર્ષાસત્ર ગાજવીજ સાથે શરૂ થશે પણ કેવું ફળદાયી નીવડશે તે જોવાનું છે. આ અગાઉ બજેટ સત્રમાં મોદી સરકારના પ્રસ્તાવ - મહિલાઓ માટે સંસદ અને વિધાનસભાઓમાં અનામત બેઠકો અને લોકસભાની સભ્ય સંખ્યામાં વધારો કરવાનો ખરડો નામંજૂર થયો હતો. લોકસભામાં અત્યારે 543 બેઠકો છે તે વધારીને 850 થઈ શકે. આ ખરડા નામંજૂર થયા કારણ કે સરકારને બે તૃતીયાંશ બહુમતી મળી નહીં. હવે સંવિધાનની જોગવાઈમાં સુધારો કરવા માટે ‘હાજર રહેલા’ સભ્યોમાં બે તૃતીયાંશ બહુમતી હોય તો જ ખરડા પસાર થાય તેથી આવી બહુમતી મળવાની ખાતરી થાય તો જ સરકાર ફરીથી ખરડા લાવશે.
આગલા
સત્રમાં 352 સભ્યોનો ટેકો જરૂરી હતો પણ માત્ર 298 સભ્યોનું સમર્થન હોવાથી ખરડા ના મંજૂર થયા હતા અને આ પછી વડા પ્રધાન મોદીએ મહિલાઓને -
અને રાષ્ટ્રને ખાતરી આપી હતી - વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંસદમાં આ ખરડા મંજૂર થશે જ.ઐઐઐઓને ન્યાય મળશે જ. જરૂરી બહુમતી માટે વિપક્ષના સભ્યોને ‘સમજાવવાના’ પ્રયાસ શરૂ થયા અને રાજકીય સંજોગો બદલાયા તેની સાથે સંબંધ પણ બદલાયા. તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં. શાસકપક્ષ ડીએમકેનો પરાજય થયો તેથી રાહુલ ગાંધીની કૉંગ્રેસે ડીએમકેનો સાથ છોડીને મુખ્ય પ્રધાન વિજયનના પક્ષ સાથે હાથ મિલાવ્યા. ડીએમકેએ કૉંગ્રેસ સાથેના દાયકા જૂના સંબંધ તોડયા અને લોકસભામાં અલગ, કૉંગ્રેસી મોરચાથી અલગ બેઠકો માગી - કૉંગ્રેસના ઈડી મોરચાના મહત્ત્વના ભાગીદાર અલગ થયા અને કૉંગ્રેસને સમર્થન નહીં આપવાનો નિરધાર કર્યો. ડીએમકેના બાવીસ સભ્યો હવે મોદી સરકારને સમર્થન આપશે એવી ગણના છે. આવી જ રીતે બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાં વધુ મોટું ભંગાણ પડÎું છે તેના 28માંથી 20 સભ્યો ભાજપને સમર્થન આપે છે. શિવસેના - શિંદે સેનાના આઠ સભ્યો હવે ભાજપ સાથે છે.
અત્યારે
ભાજપના સમર્થનમાં કુલ 319 સભ્યો હોવાની ગણતરી છે. શરદ પવારના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષનું સમર્થન મળે તો કુલ 327 થાય તો પણ ખરડા પસાર કરવા માટે 33 સભ્યોના વોટ ખૂટે છે :
રાજ્યસભામાં પ્રોબ્લેમ તો છે. 245 બેઠકોમાં અત્યારે - વર્તમાન 242 સભ્યો છે - 24મી જુલાઈએ બંગાળની ત્રણ બેઠકોની પેટાચૂંટણી છે જે એનડીએને મળી શકે છે. ગૃહમાં વોટ માટે 164 સભ્યો જરૂરી છે તેથી શરદ પવારનો ટેકો મળે તો એનડીએ પાસે 156 થાય છે. હવે કેટલા સભ્યો ‘ગેરહાજર’ રહે છે તેના આધારે હાજર સભ્યોમાં બહુમતી ગણી શકાય.
મહિલા
આરક્ષણનો ખરડો આ સત્રમાં પસાર થાય નહીં તો સરકાર 2029ની ચૂંટણી પહેલાં ફરી વખત પ્રયાસ કરશે. આ મુદ્દો વિપક્ષને ભારે પડશે.
બજેટ
સત્રમાં ડીએમકેના સભ્યોની માગ હતી કે લોકસભાના ચૂંટણી ક્ષેત્રોનું સીમાંકન નવેસરથી નક્કી કરવામાં દક્ષિણનાં રાજ્યોને વસ્તીના આધારે અન્યાય થાય નહીં તે જરૂરી છે. તમામ રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યામાં એક સરખો વધારો થવો જોઈએ. દક્ષિણનાં રાજ્યોમાં વસ્તી નિયંત્રણ સફળતાપૂર્વક પાર પડÎું છે તેથી લોકસભાની બેઠકો નક્કી કરવામાં અન્યાય નહીં થવો જોઈએ. ગૃહપ્રધાને ડીએમકેને ખાતરી આપી હતી કે જરૂરી ખુલાસો લેખિત હશે - આમ છતાં કૉંગ્રેસના મોરચામાં હોવાથી ડીએમકેએ વિરોધ કર્યો હતો! હવે
સંજોગો-
સંબંધ બદલાયા છે અને ખરડામાં જરૂરી સુધારા થઈ શકશે.