• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

બ્રિજભૂષણ સામે વધુ ચાર સાક્ષી

જાતીય આરોપમાં ઘેરાયેલા સાંસદની મુશ્કેલી વધી : વાતચીત માટે કેન્દ્રએ ચાર પ્રધાનોની કમિટી બનાવી

નવી દિલ્હી, તા. 3 :  જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા રેસાલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસને આ કેસમાં 4 સાક્ષી મળ્યા છે, જેમણે બ્રિજભૂષણ પર લાગેલા આરોપોને સમર્થન આપ્યું છે, જેમાં એક ઓલિમ્પિયન, કોમનવેલ્થ ગોલ્ડ મેડલિસ્ટ, ઇન્ટરનેશનલ રેફરી અને રાજ્ય સ્તરના કોચનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર પહેલવાનો સાથે વાત કરવા ચાર પ્રધાનની કમિટી બનાવી રહી છે, જે ટીમ વાતચીત કરશે.

આ તમામ એ 125 સાક્ષીઓમાં સામેલ છે, જેમને આ કેસમાં સામેલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ આરોપોવાળી જગ્યા હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને કર્ણાટકના ચાર રાજ્યમાં તેની તપાસ કરી રહી છે,  સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપોને સમર્થન આપનારા સાક્ષીઓ ઓલિમ્પિયન અને કોમનવેલ્થ ગોલ્ડ મેડલ વિજેતા બંને મહિલા કુસ્તીબાજ છે. 

ફરિયાદ કરનારાઓમાંની એક મહિલા કુસ્તીબાજના કોચે દિલ્હી પોલીસની એસઆઈટીને જણાવ્યું હતું કે, બ્રિજભૂષણે સેક્સ્યુઅલ ફેવર માટે પૂછ્યું હોવાની ઘટનાના છ કલાક પછી તેને ફોન પર જણાવવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય રેફરીઓએ કહ્યું કે, જ્યારે તેઓ ટૂર્નામેન્ટ માટે ભારત અથવા વિદેશ જતા હતા, ત્યારે તેઓ આ સમસ્યા વિશે મહિલા કુસ્તીબાજો પાસેથી સાંભળતા હતા. 

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર કુસ્તીબાજોની પાંચ માગણી સ્વીકારવા તૈયાર છે, જેમાં લખનઉથી પટિયાલા સુધીનો મહિલા કુસ્તી શિબિર, આરોપી કોચને હટાવવા, રેસાલિંગ ફેડરેશનને સસ્પેન્ડ કરવા, કુસ્તીબાજો સામે દાખલ કરાયેલા રમખાણોના કેસ પાછા ખેંચવા અને મહિલા કુસ્તીની કમાન મહિલાને સોંપવાનો સમાવેશ થાય છે.  જોકે, સરકાર બ્રિજભૂષણની ધરપકડ અને ફેડરેશનમાંથી સંપૂર્ણ હકાલપટ્ટીની શરત માટે સંમત નથી.

સરકારનું કહેવું છે કે, કુસ્તીબાજોની તપાસ કોઈ પણ એજન્સી દ્વારા કરાવી શકાય છે, પરંતુ તેઓ બ્રિજભૂષણની ધરપકડનો સીધો આદેશ આપી શકતા નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવા માટે સરકારની શરત એ છે કે, કુસ્તીબાજો હડતાળ છોડીને રમતમાં પાછા ફરે.