• શુક્રવાર, 03 મે, 2024

લોકતંત્ર હવે લોકયંત્ર બની રહ્યાં છે  

ચીન ભારતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરશે?

ચૂંટણી આવે ત્યારે નેતાઓને ધર્મ - ધ્યાન, `દાન-પુણ્ય' યાદ આવે. દેવદર્શનની સ્પર્ધા થાય. સાધુ-સંત અને ઘોરી-અઘોરી સાધકોના ચરણ સ્પર્શ થાય છે. મંત્ર-તંત્રની સહાયથી મત મેળવવાનો માર્ગ ઘણો જૂનો છે. યંત્રયુગમાં માધ્યમ - પ્રસારનાં સાધનો નીતનવાં આવી રહ્યાં છે તેથી ઉમેદવાર - નેતાઓ જોશમાં આવ્યા છે. અગાઉ અફવાઓ ફેલાવવામાં આવતી, કર્ણોપકર્ણ પ્રચાર - કુપ્રચાર થતા. હવે વૉટ્સ ઍપ હોવાથી અફ-વા વાયુ વેગથી પણ વેગવાન હોય છે!

હવે ટેક્નૉલૉજી આગળ વધી છે - મંત્ર - જાપ, પૂજા - પાઠ કરીને પૂર્વજો અને દેવદેવીઓને મનાવી લેવાને બદલે જીવાત્મા અને પ્રેતાત્માની મદદ લેવાઈ રહી છે! અદ્યતન ટેક્નૉલૉજી - AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને તેની `સાધના'થી મતદારોને ભ્રમિત કરી શકાય છે. એમના મન અને મત અવળે માર્ગે વાળી શકાય છે! વિશ્વમાં ઘણા દેશોનાં લોકતંત્ર હવે લોકયંત્ર બની રહ્યાં છે! સૌની નજર ચીન ઉપર છે. ચીન અને રશિયાના શાસકોને લોકો - મતદારોની ચિંતા - પરવા નથી કારણ કે તંત્ર અને યંત્ર એના હાથમાં છે. ચીનની મહત્ત્વાકાંક્ષા વિશ્વની એકમાત્ર મહાસત્તા બનવાની છે અને તે માટે યુદ્ધશત્ર સરંજામ ઉપરાંત હવે તરકટી ટેક્નૉલૉજીના ઉપયોગથી ઘણા દેશોમાં અરાજકતા ઊભી કરવાનો વ્યૂહ છે. દક્ષિણ કોરિયા, અમેરિકા અને ભારત ઉપર ચીનનો ડોળો છે - સ્પર્ધામાં ખમતીધર શાસકોને નિશાના ઉપર લીધા છે. બ્રિટન કહે છે કે ચીને તેના સંસદસભ્યો અને ચૂંટણી પંચ ઉપર સાયબર એટેક કરીને લોકતાંત્રિક સંસ્થાઓમાં ખળભળાટ મચાવ્યો છે. કૅનેડામાં વડા પ્રધાન ટ્રુડોને જિતાડવામાં ચીને મદદ કરી છે. ભારતવિરોધી પાકિસ્તાનીઓ અને અલગતાવાદી શીખ નેતાઓએ પણ સહાય કરી છે! ચીનના એજન્ટો વિદેશોની મહત્ત્વની માહિતી અને રિચર્સ રિપોર્ટની પણ ઉઠાંતરી કરે છે!

રશિયા કહે છે અમેરિકા અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરે છે.

અમેરિકાની વિશાળ આઈટી કંપનીઓમાં ઘૂસણખોરી કરીને ચીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઘોર દુરુપયોગ શરૂ કર્યો છે. 2023માં વિશ્વના અગ્રણી દેશોએ સમસ્યા-પડકારને પહોંચી વળવા, ગંભીર ચર્ચાવિચારણા શરૂ કરી છે.

તો હજુ શરૂઆત છે. AIના ભસ્માસુરને ઊગતો ડામવાની જરૂર સૌ કોઈ સ્વીકારે છે. ભારતમાં 97 કરોડ મતદારો છે અને સૌને ભ્રમિત કરી શકાય એમ નથી અને ભારત પણ આઈટી ક્ષેત્રમાં અગ્રેસર છે. ટેક્નૉલૉજીના ઉપયોગથી ગુજરી ગયેલા નેતાઓને જાહેરસભાઓમાં `હાજર' (સદેહે નહીં, પણ દૃશ્ય અને શ્રવણમાં) કરીને મતદારોને પ્રભાવિત કરવાની શરૂઆત થઈ રહી છે. નેતાઓનાં ભાષણ - તાત્કાલિક સ્થાનિક ભાષાઓમાં અનુવાદિત પણ થઈ રહ્યાં છે.

લાગે છે કે હવે નેતાઓની નહીં મતદારોની કસોટી છે.

લોકસભાની ચૂંટણીમાં પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મતદારોને `પ્રત્યક્ષ દર્શન' આપે અને ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અત્યારે હાજર થઈને દેશની રાજકીય સ્થિતિ અંગે પ્રશ્નો પુછાય તેના જવાબ આપે તો કેવું લાગે? (અલબત્ત 1962માં ચીની આક્રમણ બાબત સવાલ પૂછવાની મંજૂરી નહીં મળે!) `અગર આજ ગાંધીજી ઔર નેહરુ જિંદા હોતે' એવાં નામ સાથે અભિયાન શરૂ થાય, - ગાંધીજી તથા નેહરુના મૂળ અવાજ સાથે પ્રગટ થાય અને મોદી શાસન બાબત એમના અભિપ્રાય આપે તો?

આવું અભિયાન - આર્ટિફિશિયલ ટેક્નૉલૉજીના આધારે શરૂ કરવાની તૈયારી થઈ રહી છે. રાહુલ ગાંધીના ભાષણનો અનુવાદ અન્ય ભારતીય ભાષાઓમાં - સાથોસાથ - થાય અને વૉટ્સ ઍપ ઉપર પ્રસારિત થાય એવી વ્યવસ્થા થઈ રહી છે. ભાજપ અને મોદી પણ આવી ટેક્નૉલૉજીમાં પાછળ નથી! મોદીનાં ભાષણોનો અનુવાદ બંગાળી, કન્નડ, તામિલ, તેલુગુ, પંજાબી, મરાઠી, ઉડિયા અને મલયાલમ ભાષામાં થઈ રહ્યો છે.

ગયા વર્ષે તેલંગણા વિધાનસભાની ચૂંટણી વખતે આવી `તરકટી' ટેક્નૉલૉજીનો ઉપયોગ કૉંગ્રેસ દ્વારા ભારત રાષ્ટ્ર સમિતિ વિરુદ્ધ મોટા પાયે થયો હોવાનો આક્ષેપ હતો. તત્કાલીન મુખ્ય પ્રધાનના ડૉક્ટર પુત્ર `હાજર' થઈને કહે છે. મારા પિતાની ભ્રષ્ટ સરકારને મત આપતા નહીં. આવી રીતે તૈયાર થયેલા બે `ડીપ ફેઇક' વીડિયો વાયરલ થયા હતા - એકમાં મોદી ગરબા રમે છે અને બીજામાં મધ્યપ્રદેશના કમલનાથ મતદારોને ધમકાવી રહ્યા છે કે ભાજપને વોટ આપ્યા તો ખેર નથી!

ચૂંટણીની પ્રામાણિકતા અને પારદર્શિતા જાળવી રાખવાના પ્રયાસ થાય છે અને આમ છતાં દેશી-વિદેશી હાથ વિક્ષેપ કરતા હોવાનો ઇતિહાસ આપણે જોયો છે! હવે ચૂંટણી પ્રચાર અને પ્રક્રિયામાં અદ્યતન ટેક્નૉલૉજીના હસ્તક્ષેપનો પ્રવેશ થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI - વાસ્તવમાં અપ્રામાણિક, અનૈતિક ઇન્ટેલિજન્સ છે. વિશ્વભરમાં લોકતાંત્રિક દેશોમાં જનાદેશ અવળે પાટે ચડાવી દેવામાં, અરાજકતા ઊભી કરવા માટે - વિકાસના બદલે વિનાશક શક્તિ - ભસ્માસુરની જેમ અત્યારે વ્યાપક બની રહી છે. તાજેતરમાં અમેરિકન કંપની માઇક્રોસોફ્ટના અહેવાલમાં જણાવાયું છે કે ભારત, દક્ષિણ કોરિયા અને અમેરિકાની ચૂંટણીમાં ચીન AIનો ઉપયોગ પોતાનાં હિત માટે કરશે. અલબત્ત - પરિણામ ઉપર અસર થવાની શક્યતા ઓછી છે છતાં ભવિષ્યમાં ટેક્નૉલૉજીનો દુરુપયોગ વધુ વ્યાપક બનવાની પૂરી શક્યતા છે તેથી કાનૂની દીવાલ ઊભી કરવાની વિચારણા ભારત સહિત અન્ય દેશોમાં થઈ રહી છે.

ટેક્નૉલૉજીનો ઉપયોગ ખોટી માહિતી ઊભી કરીને તેનો પ્રચાર કરવા માટે થાય છે - અને મતદારો-નાં મન અને મત અલગ માર્ગે વાળવામાં આવે છે. માટે ઓડિયો-વીડિયો - દૃશ્ય અને શ્રવણ - બંનેનો ઉપયોગ થાય છે. આંખ અને કાન - બંને સાથે ધોખાધડી થાય છે! અસત્ય - જુઠ્ઠાણાંનો જોરદાર આક્રમક પ્રચાર થાય છે. અત્યાર સુધીમાં ઘણા દેશોમાં પ્રયોગ થયા છે અને જન-મત અલગ માર્ગે વાળીને સત્તા પરિવર્તન થયાં છે!!

આવા કેસમાં ફરિયાદ થાય છે અને એફઆઈઆર પણ નોંધવામાં આવે છે - પછી શું? ટેક્નૉલૉજીનો આવો ઉપયોગ મનોરંજન માટે નથી - પણ મતદાતાઓને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવા માટે થાય છે!

બાંગ્લાદેશમાં આવા એક બનાવટી, તરકટી વીડિયોમાં વિપક્ષી નેતા તારીક રહેમાનના અવાજમાં એવી સૂચના આપવામાં આવી કે ગાઝામાં ઇઝરાયલી હુમલા વિષે આપણે ચૂપ રહેવાનું છે જેથી અમેરિકા રાજી રહે. તારીક રહેમાનની પાર્ટી આક્રમક ઇસ્લામી પાર્ટી છે અને આવું નિવેદન - એમના નામે અને મોઢે ચઢાવીને એમની પ્રતિષ્ઠાને નુકસાન કરવામાં આવ્યું.

ઘણા નેતાઓ પોતાના `ડીપ ફેઇક' તૈયાર કરાવે છે. ન્યૂ યૉર્કના મેયરે સ્પેનિશ અને મંદારીન ભાષામાં ભાષણો તૈયાર કરાવ્યાં - જાણે તેઓ પોતે બોલતા હોય! દિલ્હીના ભાજપી નેતા મનોજ તિવારીએ હરિયાણવી અને ઇંગ્લિશ નહીં જાણતા હોવા છતાં - પોતાના અવાજમાં ભાષણ કર્યાં!

ચેન્નઈસ્થિત AI કંપનીએ હાલમાં કરુણાનિધિનો ડીપ ફેઇક બનાવ્યો છે. ઓરિજીનલ કાળા ચશ્માં અને ખભા ઉપર પીળા રંગની શૉલ સાથે કરુણાનિધિ પ્રગટ થયા - વર્ષ 2018માં અવસાન પામેલા તમિળ નેતાનો જાણે પુનર્જન્મ થયો! ડીએમકેના કાર્યકરોને સંબોધી રહ્યા છે - લાઇવ જાણે જીવતા, જાગતા! હવે ઘણા નેતાઓ આવી વીડિયો ક્લીપ માગી રહ્યા છે. કરુણાનિધિ એમના પુત્ર - સ્ટાલિન - અને પૌત્ર ઉપરાંત ટી. આર. બાલુને બોલાવીને પીઠ થાબડે છે!

સેન્થીલ નાયગમ નામના યુવાને કરુણાનિધિનો લાઇવ વીડિયો બનાવ્યો તે પછી 200 ઇન્કાવરીઝ મળી છે. સેન્થીલ કહે છે કામ માત્ર ગણતરીના કલાકોમાં થઈ જાય છે અને ખર્ચ પણ ઓછો પાંચ લાખ રૂપિયા એક મિનિટદીઠ છે. પણ જૂના નેતાઓને ફરીથી જીવંત કરવાનો અર્થ શું? જવાબ છે - જૂના મતદાતાઓ સંબંધ જાળવે અને નવા-યુવા મતદાતા આકર્ષાય. કરુણાનિધિના નામથી જાણતા હોય પણ જીવંત મળે ત્યારે તેની વધુ અસર હોય!

આર્જેન્ટિનામાં હાલમાં ચૂંટણી થઈ અને પરિણામ આવ્યાં પછી ભારે તોફાન થયાં. નવેમ્બર 2023ની પ્રમુખની ચૂંટણી પહેલાં એક વિપક્ષી ઉમેદવાર જવીઅર મિલેઇએ પ્રતિસ્પર્ધી ઉમેદવારને ચીની લશ્કરના યુનિફૉર્મમાં બતાવ્યા અને હરાવ્યા! મિલેઈ આજે પ્રમુખ બની ગયા છે!

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને હાથકડી પહેરાવીને પોલીસ લઈ જાય છે અને પ્રમુખ બાયડન હૉસ્પિટલની પથારીમાં સૂતા છે એવા વીડિયો વાયરલ થયા છે. બીબીસીના જણાવવા મુજબ પ્રમુખ બાયડન ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂને ચલણી નોટોનાં બંડલ આપી રહ્યાં છે અને ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા છે - રશિયાના પુતિન સાથે - એવા વીડિયો ફરી રહ્યા છે! અગાઉ `િવદેશી હાથ'ની દખલગીરી હતી હવે મતદાતાઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ભોગ બનશે? કે પછી દુનિયાભરમાં લોકતંત્ર - `લોકયંત્ર' આર્ટિફિશિયલ બનાવટી બની જશે?