• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

ગરવો ગુજરાતી અમેરિકામાં ઝળક્યો

ચરોતરના ઋષિ પટેલે પિયરલૅન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમૅન તરીકે ઈતિહાસ રચ્યો

આણંદ, તા. 3 : ગરવા ગુજરાતી અને મૂળ ચરોતરના ઋષિ પટેલે અમેરિકાના હ્યુસ્ટનમાં પિયરલૅન્ડના પ્રથમ એશિયન કાઉન્સિલમૅન તરીકે ચૂંટણી જીતી ઈતિહાસ રચ્યો છે. ઋષિ પટેલ પિયરલૅન્ડ સિટી કાઉન્સિલમાં પોઝિશન 7 માટે ચૂંટાયા છે. પિયરલૅન્ડ સિટી કાઉન્સિલમાં સેવા આપનાર પ્રથમ એશિયન અમેરિકન તરીકે ચૂંટાયા પછી ઋષિ પટેલ કહે છે કે તેઓ બિઝનેસ ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. તેમણે 6 મેના રોજ એન્ટોનિયો જ્હોન્સન સામે ચૃંટણી જીતી હતી અને 57 ટકાથી વધુ મત મેળવ્યા હતા.  

કાઉન્સિલની પ્રાથમિકતાઓ 

ઋષિ પટેલે જણાવ્યું હતું કે પિયરલૅન્ડમાં પાણીની સલામતી પ્રાથમિકતા છે, પરંતુ નળમાંથી ઓછું પાણી આવતું હોવાથી લોકો એરિઝોનામાં પાણીની અછતનો સામનો કરવાને બદલે સ્વખર્ચે પાણી મગાવવાનું પસંદ કરે છે. તેઓ તેમનાં ભાઈ-ભાભી સાથે હ્યુસ્ટન વિસ્તારમાં અનેકવિધ હોટેલોના માલિક છે.  

ઉલ્લેખનીય છે કે ગલ્ફ કોસ્ટ વૉટર અૉથોરિટીની અમેરિકન કૅનાલમાંથી દરરોજ 10 મિલિયન ગૅલન પાણીનો પુરવઠો પૂરો પાડવા અને પાણી માટે હ્યુસ્ટન પર પિયરલૅન્ડને આધાર ન રાખવો પડે તે માટે પિયરલૅન્ડ તેની પશ્ચિમ બાજુએ એક સરફેસ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહ્યું છે. 

ઋષિ પટેલે કહ્યું કે મને નથી લાગતું કે અમારા પડકારો ખાસ છે. આ પડકારો સામાન્ય છે. મને લાગે છે કે વાશિંગ્ટન ડી.સી. મેટ્રોપોલિટન વિસ્તારમાં દરેક વ્યક્તિ કદાચ આ પડકારોનો સામનો કરી રહી છે. 

ભારતથી ટેક્સાસ સુધીની સફર  

ઋષિ પટેલ જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમનાં માતા-પિતા સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા હતા. તેમનો પરિવાર સાઉથ કેરોલિનામાં સ્થાયી થયો હતો જ્યાં પરિવારના સભ્યો મૉમ ઍન્ડ પોપ મોટેલનું સંચાલન કરતા હતા. ઋષિના પિતા બિપીનભાઈ પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને હાલમાં ચારુસેટ  યુનિવર્સિટી અને શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ (ચાંગા, ગુજરાત, ભારત)ના ઇન્ટરનલ ઓડિટર છે.  

ઋષિ પટેલે એકાઉન્ટિગમાં બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં તેમની અંડરગ્રૅજ્યુએટ ડિગ્રી અને યુનિવર્સિટી અૉફ સાઉથ કેરોલિનામાંથી ટેક્સેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. તેઓ પિતા બિપીનભાઈના પગલે ચાલીને સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટની ડિગ્રી ધરાવે છે. તેમણે એકાઉન્ટિંગ ફર્મ પ્રાઇસ વૉટર હાઉસ કૂપર્સમાં બે વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું. 

ઋષિ પટેલે જણાવ્યું હતું કે તેમની બહેન અને સાળાએ તેમને પોતાની સાથે પિયરલૅન્ડમાં હોટેલ સ્થાપવા અને તેનું સંચાલન કરવા સમજાવ્યા હતા. 2001માં ઋષિ પટેલ પિયરલૅન્ડમાં રહેવા ગયા. તેમની પ્રથમ હોટેલ હેમ્પટન ઇન બાય હિલ્ટન  2003માં પિયરલૅન્ડમાં વેસ્ટ બ્રોડવે વિસ્તારમાં શરૂ થઈ.  

ચૂંટણીમાં ઝંપલાવ્યું   

પિયરલૅન્ડ ચેમ્બર અૉફ કૉમર્સના સભ્ય બન્યા બાદ તેમને પ્રજાના સેવાકીય કાર્યો કરવાની પ્રેરણા મળી હતી.  

ઋષિ પટેલે કહ્યું કે મારી પાસે એક મહાન માર્ગદર્શક અને મિત્ર મિસિસ કેરોલ હતા, જેઓ ચેમ્બરના પ્રમુખ હતા. તેમણે મને કહ્યું કે તમે કા તો શાંત રહો અથવા તો રાજકારણમાં જોડાઈ જાવ. ત્યારે મેં નક્કી કર્યું કે, માત્ર ફરિયાદ કરવાને બદલે હું જુદી જુદી સેવાઓમાં સામેલ થઈશ. 

જેમના થકી ઋષિ પટેલને પિયરલૅન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ કૉર્પોરેશન અને હૉસ્પિટલો જેવાં વિવિધ ગ્રુપોના બોર્ડમાં સેવા આપવાની પ્રેરણા મળી.