• શુક્રવાર, 26 એપ્રિલ, 2024

વૅકેશન અને નવાં આકર્ષણોથી ભાયખલા ઝૂ ખાતે પર્યટકોની સંખ્યા વધી  

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 27: ઉનાળાના વૅકેશન અને નવાં આકર્ષણોને લઈને ભાયખલા ઝૂ તરીકે જાણીતા વીરમાતા જીજાબાઈ ભોસલે બોટનીકલ ઉદ્યાન ખાતે સહેલાણીઓની સંખ્યામાં ઝડપી વધારો થયો છે. એપ્રિલ અને મે (23 મે સુધી) પ્રત્યેક મહિનામાં ત્રણ લાખથી વધુ લોકોએ આ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

ઝૂના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, એપ્રિલ મહિનામાં 3.08 લાખ સહેલાણીઓએ અને મેમાં અત્યાર સુધીમાં 3.38 લાખ લોકોએ ઝૂની મુલાકાત લીધી હતી. માર્ચ મહિનાથી જ મુલાકાતીઓની સંખ્યા વધતી રહી છે. માર્ચમાં 1.78 લાખ અને ફેબ્રુઆરીમાં 2.32 લાખ લોકો ઝૂની મુલાકાતે આવ્યા હતા. ઝૂના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઉનાળું વૅકેશન અને વાઘનાં બચ્ચાં, પેંગ્વિનનાં બચ્ચાં તેમ જ અંડરવૉટર (પાણીની નીચે) મગરમચ્છ દર્શન ગૅલરી જેવાં નવાં આકર્ષણોને કારણે લોકોનો ધસારો થઈ રહ્યો છે.

ઝૂના ડાયરેક્ટર ડૉ. સંજય ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, નવા મગરમચ્છો, ઘડિયાલ અને અંડરવૉટર ગૅલરી તેમ જ વાઘનાં બચ્ચાંએ આકર્ષણ ઊભું કર્યું છે. ઝૂના સત્તાવાળાઓને મેના પ્રથમ 23 દિવસમાં રૂપિયા 1.29 કરોડની અને એપ્રિલમાં રૂપિયા 1.25 કરોડની આવક થઈ હતી.

7 મેના ભાયખલા ઝૂમાં એશિયાની પ્રથમ એવી અંડરવૉટર ક્રોકોડાયલ ઍન્ડ ઘડિયાલ વ્યૂઈંગ ગૅલરી ખુલ્લી મૂકવામાં આવી હતી.