• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

આજે અૉસ્ટ્રેલિયા સામે બીજી ટી-20 : બૉલરો પાસે સારા પ્રદર્શનની આશા  

પહેલી મૅચમાં રન લૂંટાવ્યા બાદ હવે ભારતીય બૉલરોએ વિવિધતા બતાવવી પડશે

નવી દિલ્હી, તા. 25 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટી20 મેચની શ્રેણીનો બીજો મેચ રવિવારે ગ્રીનફિલ્ડ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ, તિરુવનંતપુરમમાં રમાવાનો છે. પહેલા મેચમાં ભારતીય ટીમે બે વિકેટે જીત મેળવી હતી. જ્યારે હવે બીજા મેચમાં ભારતીય યુવા બોલરો ઓછા રન આપવાની મહેનત કરશે. ભારતે વિશાખાપટ્ટનમમાં પહેલો મેચ જીતીને શ્રેણીમાં 1-0થી બઢત મેળવી લીધી છે. આ મેચમાં ઝડપી બોલર મુકેશ કુમારને છોડીને બાકીના ભારતીલય બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઉપર અંકુશ મૂકી શક્યા નહોતા. તેવામાં તિરુવનંતપુરમની પીચ અને સ્થિતિ વધારે અલગ નથી. એટલે ભારતીય બોલરોએ સારુ પ્રદર્શન કરવું પડશે.

પહેલા મેચમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્રમશ: 10.25 અને 12.50ની રનરેટની રન આપ્યા હતા. જ્યારે સ્પિનર રવિ બિશ્નોઈએ 13.50 પ્રતિ ઓવરની સરેરાશથી રન આપ્યા હતા. ટી20 પ્રારુપમાં સામાન્ય રીતે બોલરો માટે વધારે તક નથી હોતી પણ ત્રણેયની બોલિંગમાં વિવિધતાનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. તેવામાં જો શ્રેણીમાં વધારે સરસાઈ મેળવવી હોય તો બોલરોએ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. મુકેશ કુમારે પોતાની વિવિધતાના કારણે અંતિમ ઓવરોમાં ઓછા રન આપ્યા હતા. તેવામાં બીજા બોલરોએ પણ મુકેશ કુમારના પગલે ચાલવું પડશે. કારણ કે બીજા મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પલટવાર કરવા માગશે. 

સ્પિનર બિશ્નોઈએ સમજવું પડશે કે તે માત્ર ગુગલી ઉપર નિર્ભર રહી શકે નહી. કારણ કે બેટ્સમેન તેની બોલિંગ સમજી શકે છે. તેવામાં બોલિંગમાં બદલાવ કરવો પડશે. હાલમાં જ વનડે વિશ્વકપમાં ભારતીય ટીમનો હિસ્સો બનેલા પ્રસિદ્ધ કૃષ્ણાએ નેટ ઉપર શિર્ષ ખેલાડીઓને જોયા છે પણ તેની બોલિંગમાં કોઈ નવીન બાબત જોવા મળી નથી. બેટિંગમાં કેપ્ટન સુર્યકુમાર યાદવ, ઈશાન કિશન, રિંકુ સિંહ અને યશસ્વી જયસ્વાલે સારું પ્રદર્શન કર્યું છે. તેમજ પહેલા મેચમાં રનઆઉટ થયેલો ઋતુરાજ ગાયકવાડ પણ સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. 

બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે જોશ ઈગ્લિશે સદી કરીને ટી20 વિશ્વકપ માટે પુરતી તૈયારી કરી છે. સ્ટીવ સ્મિથે ઈનિંગની સારી શરૂઆત માટે મોકલવાનો નિર્ણય યોગ્ય રહ્યો નથી. તેણે 41 બોલમાં 52 રન કર્યા હતા પણ તે પીચ ઉપર સહજ દેખાયો નહોતો. બોલરોમાં જેસન બેહરેનડોર્ફને છોડીને કોઈ અન્ય પ્રભાવી રહ્યા નથી. તેવામાં લેગ સ્પિનર એડમ જમ્પાને તનધીર સંઘાની જગ્યાએ ઉતારવામાં આવી શકે છે.