• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ધર્મના નામે યુદ્ધ

મુસ્લિમ ધર્માદા સંસ્થા - વકફનો વિવાદ ઘણો જૂનો છે. હવે સંસદમાં મૂળ કાયદામાં સુધારા ખરડા મંજૂર થયા છે ત્યારે રાજકીય જંગ શરૂ થયો છે. વિપક્ષો વક્ફ કાયદામાં સુધારા થયા તેનો વિરોધ કરે છે? કે મોદી સરકારનો? દેખીતું છે કે મોદી સરકાર ત્રીજી વખત સત્તામાં આવ્યા પછી કેટલાક વિપક્ષો - કૉંગ્રેસ મુખ્ય - ને ભવિષ્યમાં સત્તા મળવાની આશા નથી અને માને છે કે મોદીને હઠાવવાની છેલ્લી તક છે! વિપક્ષને ડર છે, આશંકા છે કે હવે મોદી રાજકીય જંગમાં હુકમનું પાનું - એક રાષ્ટ્ર એક ચૂંટણી કરાવશે તો વિપક્ષી નેતાઓ સત્તા વિના કુંવારા - બ્રહ્મચારી રહી જશે! ધર્મ - મઝહબી વિવાદ નથી. ધર્મના નામે રાજકીય યુદ્ધની ધમકીઓ અપાઈ રહી છે પણ ધર્મમાં દખલ નથી. ધર્મના નામે ધર્માદા સંસ્થાઓની મિલકતનો દુરુપયોગ થતો રોકવા માટે સુધારા કરવામાં આવ્યા છે. વક્ફની - અલ્લાહના નામે દાનમાં અપાયેલી સંપત્તિનો દુરુપયોગ - ભ્રષ્ટાચાર થાય અને ગરીબ - અનાથ - યતીમ લોકોને લાભ મળતો નથી તે સ્થિતિ સુધારવા માટે વ્યવસ્થા થઈ છે.

2029ની ચૂંટણી જીતવા માટે મોદી હિન્દુત્વવાદી દિશામાં આગળ વધી રહ્યા છે એવો આક્ષેપ થાય છે પણ 2014ની ચૂંટણી પહેલાં યુપીએ સરકારે રાતોરાત વક્ફ કાનૂનમાં સુધારા કરીને કેટલાક મુલ્લાઓને સોના-ચાંદીની તાસક ઉપર મોકાની પ્રૉપર્ટી સંપત્તિ લખી આપી હતી. જો 2013ના સુધારા (બગાડા) થયા હોત નહીં અને દુરુપયોગ સામે મુસ્લિમ સમાજમાં પણ અવાજ ઉઠયો હોત નહીં - તો અત્યારે સુધારા કરવાની જરૂર પડત નહીં. યુપીએ સરકારે 2013માં તુષ્ટીકરણના ભાગરૂપે નવી દિલ્હીમાં સોનાની લગડી અથવા હીરાની ખાણ જેવી 123 પ્રૉપર્ટી વક્ફ બોર્ડને લખી આપવામાં આવી! પ્રૉપર્ટીની બજાર કિંમત કરોડોમાં બોલાય છે અને તેમાંથી થતી ભાડાંની રકમના હિસાબ પણ નથી! કમાણીનો ઉપયોગ ધર્માદા - યતીમો વગેરેને મદદ આપવામાં થયાની માહિતી નથી. આવી જમીનો મહાનગર મુંબઈ, લખનઊ અને હૈદરાબાદમાં પણ વેચી નાખવામાં આવે છે. કોઈને જવાબ આપવાની ચિંતા નથી કારણ કે પૂછી કોણ શકે?

વક્ફનો ઇતિહાસ જાણવો જોઈએ. દિલ્હીમાં `સલ્તનત' યુગમાં સુલતાન મુઝુદ્દીન સામ ઘોરીએ મુલતાનમાં જામા મસ્જિદને આસપાસનાં બે ગામ ભેટ આપ્યાં અને તેનો વહીવટ શૈખુલ ઇસ્લામને સોંપ્યો. પછી દિલ્હીમાં સલ્તનત દ્વારા `વક્ફ પ્રૉપર્ટી વધતી ગઈ. 19મી સદીમાં આવી પ્રૉપર્ટીના વિવાદ વધ્યા ત્યારે બ્રિટિશ - પ્રીવી કાઉન્સિલ' (સુપ્રીમ કોર્ટ!)માં કેસ ગયા અને ત્યારના ચાર બ્રિટિશ જજોએ - વક્ફ પ્રૉપર્ટી - ગેરકાયદે ઠરાવી. બે દાયકા સુધી ચુકાદાનો અમલ થયો અને તે પછી - આઝાદી પછી 1954માં વક્ફ પ્રૉપર્ટીનાં રજિસ્ટ્રેશન, રક્ષણ અને વહીવટ માટે - સ્વતંત્ર ભારતની સંસદે કાનૂન પસાર કર્યો. 1955માં સુધારા થયા જે 2013 સુધી અમલમાં હતા. 2013માં યુપીએ સરકારે સુધારા કરીને આવી પ્રૉપર્ટીને વધુ રક્ષણ આપ્યું. દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ અને સમિતિઓ નીમવામાં આવી. બાબતના વિવાદના ચુકાદા પણ આંતરિક વ્યવસ્થામાં અપાય!

હવે એનડીએ સરકાર સંસદે મંજૂર કરેલા કાયદામાં એવી જોગવાઈ છે કે બોર્ડમાં મુસ્લિમ મહિલાઓ તથા પછાત મુસ્લિમ કોમના પ્રતિનિધિઓને સ્થાન મળશે. બે બિન-મુસ્લિમ હશે જેથી સંપત્તિનો દુરુપયોગ થઈ શકે નહીં. આમ વક્ફને `ભારતીય' સ્વરૂપ અપાશે - માત્ર મુસ્લિમ-કેન્દ્રી સંસ્થા નહીં હોય. કારણ કે ભારતમાં અન્ય કોઈ ધર્માદા સંસ્થા - અલગ ધર્મ સંપ્રદાય માટે નથી.

પ્રૉપર્ટીમાં નાણાકીય ભ્રષ્ટાચાર થાય નહીં - અને મસ્જિદ, કબ્રસ્તાન, યતીમખાના, સ્કૂલ વગેરેને લાભ મળવા જોઈએ. નવા કાયદા મુજબ નાણાકીય જવાબદારી હશે. તમામ મૅનેજરો - મુટ્ટાવલીઓએ પ્રૉપર્ટી રજિસ્ટર કરાવવાની રહેશે અને મહિનામાં પોર્ટલ ઉપર માહિતી આપવી રહેશે. આથી દેશભરમાં તમામ વક્ફ પ્રૉપર્ટીનો ડેટાબેઝ બનશે અને ભ્રષ્ટાચાર - ભાડાંની આવક, વેચાણ વગેરે પારદર્શક હશે. વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુ આવક હોય ત્યારે કાયદેસર અૉડિટ કરાવવું પડશે.

આવી પારદર્શી વ્યવસ્થાને મુસ્લિમ સમાજે આવકારીને ખરડો સંસદમાં મંજૂર થયો તેની ઉજવણી કરી છે. ઘણાં સ્થળોએ લોકોએ મોદીનો આભાર માન્યો છે! આમ જે નેતાઓ અને મુલ્લાઓએ ગેરલાભ ઉઠાવ્યો તે નારાજ થાય તે સ્વાભાવિક છે. અન્ય રાજકીય પક્ષોના નેતાઓના બળાપા સમજી શકાય છે. મુસ્લિમ મહિલાઓને તીન તલાક સામે રક્ષણ આપ્યું. ગરીબ - પક્ષમાંદા મુસ્લિમોને આશ્રય આપ્યો અને હવે વક્ફ પ્રૉપર્ટીઓમાં ભ્રષ્ટાચાર બંધ થાય - જરૂરિયાત - હોય તેમને લાભ મળી શકે - `સબ કા વિશ્વાસ' અહીં મળી રહે છે. વિપક્ષોની વોટ બૅન્ક ઉપર મોટી ધાડ પડી છે ત્યારે તેઓ વિરોધ કરીને મોદી ઉપર આક્રમક પ્રહાર કરવાના પ્રયાસ કરે છે!

ત્રીજી ટર્મમાં મોદી - ભાજપને 240 બેઠકો મળી હોવાના ટોણાં મારે છે અને નાઈડુ, નીતિનને ઉશ્કેરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા. સોનિયાજી કહે છે મોદી સમાજમાં ભાગલા પાડે છે! પણ કેરળના ચર્ચ - ખ્રિસ્તી ગુરુઓ મોદીના કાયદાને આવકારે છે! ભાગલા કોણ પાડે છે? વિપક્ષો કહે છે હવે ખ્રિસ્તી, જૈન, પારસી સૌના વારા આવશે!   

+ + +

ઇન્દિરા ગાંધીએ કૉંગ્રેસના ભવ્ય ભંગાણ પછી સત્તાની સાઠમારીમાં પૂર્વ રાજવીઓનાં સાલિયાણાં રદ કર્યાં. માટે સંવિધાનમાં સુધારા કર્યા હતા. બૅન્કોનું રાષ્ટ્રીયકરણ કરીને, લોન મેળા યોજીને ગરીબ - મધ્યમ વર્ગના બેલી બનીને સત્તા મેળવી હતી.

મોદીએ મુસ્લિમ મહિલાઓ અને ગરીબો - પછાતોના લાભાર્થે વક્ફમાં સુધારા કર્યા છે: એમના વોટ લેવા સાથે સામાજિક ન્યાય છે અને `સબ કા વિશ્વાસ'ની પુષ્ટિ થાય છે.

વક્ફ કાયદામાં સુધારા ખરડાનો અભ્યાસ - સમીક્ષા કરવા માટે નીમાયેલી સંસદીય સંયુક્ત સમિતિના રિપોર્ટ મુજબ દિલ્હીમાં કુતુબમિનાર હુમાયુની કબર ઉપર વક્ફનો દાવો છે. દિલ્હીમાં 72, કર્ણાટકમાં 59, ગુજરાતમાં 57, ઉત્તર પ્રદેશમાં 37, મહારાષ્ટ્રમાં 14 મળીને દેશભરમાં કુલ 254 સંપત્તિઓ ઉપર દાવો છે અને 5220 કેસમાં કાનૂની વિવાદ છે.

હવે કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ અને સનાતન ધર્મને કૅન્સર કહેનારા ડીએમકે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલીને કાનૂની અને રાજકીય મોરચા ખોલવાની ધમકી આપી છે! બાળાસાહેબ ઠાકરેના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે પણ ગ્રુપ સાથે જોડાયા છે. મુંબઈ સુધરાઈની ચૂંટણી જીતવા માટે મુસ્લિમ વોટ બૅન્કમાં ખાતું ખોલવાનો વ્યૂહ છે. આમ છતાં ઓડિશાના બિજુ જનતા દળના સભ્યો તથા સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે બાકે બિહારી મંદિરની ભૂમિ વક્ફ બોર્ડને આપવાનું કાવતરું કર્યું હતું - બાર એકર જમીન કબ્રસ્તાન માટે આપવા મથુરાના ડિસ્ટ્રિક્ટ મૅનેજરને સત્તાવાર પત્ર લખાયો હતો. માટે સરકારી દસ્તાવેજોમાં નંબર પણ બદલી નાખ્યા - 108ને બદલે 1081!

હવે નવા કાનૂન હેઠળ પછાત વર્ગની તથા સાંસ્કૃતિક રક્ષણ હેઠળની રાષ્ટ્રીય સંપત્તિ ઉપર કોઈ દાવો નહીં કરી શકાય.

હવે એનડીએ સરકાર સંસદે મંજૂર કરેલા કાયદામાં એવી જોગવાઈ છે કે બોર્ડમાં મુસ્લિમ મહિલાઓ તથા પછાત મુસ્લિમ કોમના પ્રતિનિધિઓને સ્થાન મળશે. બે બિન-મુસ્લિમ હશે જેથી સંપત્તિનો દુરુપયોગ થઈ શકે નહીં. આમ વક્ફને `ભારતીય' સ્વરૂપ અપાશે