• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ફ્રૅન્ચ અૉપનમાં જોકોવિચની ધમાલ : પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ  

સ્પેનિશ ખેલાડી ડેવિડોવિચ ફોકિનાને સતત ત્રણ સેટમાં હરાવ્યો

પેરિસ, તા. 3 : વર્તમાન સમયે ખેલપ્રેમીઓ વચ્ચે ટેનિસ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ ફ્રેન્ચ ઓપનનો ક્રેઝ છવાયેલો છે. વર્તમાન સીઝનમાં ફરી એક વખત સર્બિયન પ્લેયર નોવાક જોકોવિચે ધમાકેદાર અંદાજમાં જીત મેળવી છે. વર્લ્ડ નંબર 3 જોકોવિચે મેન્સ સિંગલ્સના ત્રીજા રાઉન્ડમાં જીત નોંધાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી લીધી છે. 

જોકોવિચે ત્રીજા રાઉન્ડમાં સ્પેનિશ સ્ટાર અલેઝાંડ્રો ડેવિડોવિચ ફોકિનાને હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડના મુકાબલામાં જોકોવિચે ફોકિનાને સતત ત્રણ સેટમાં 7-6, 7-6,6-2થી હરાવ્યો હતો. ફોકિનાએ શરૂઆતના બે સેટમાં જોકોવિચને જોરદાર ટક્કર આપી હતી. જો કે એક પણ સેટ જીતી શક્યો નહોતો. ત્રીજા સેટમાં લાગ્યું હતું કે ફોકિનાએ હાર માની લીધી છે. આ જ કારણથી ત્રીજો સેટ 2-6ના મોટા અંતરથી ગુમાવી દીધો હતો જ્યારે શરૂઆતી બે સેટમાં 7-6, 7-6થી ટક્કર આપી હતી. આ બન્ને ખેલાડી વચ્ચેનો મુકાબલો 3 કલાક અને 36 મીનિટ સુધી ચાલ્યો હતો. વર્તમાન સીઝનમાં ત્રીજી સીડના જોકોવિચે હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યાં તેનો મુકાબલો પેરૂના જુઆન પાબ્લો વારિલાસ અથવા તો પોલેન્ડના હુબેર્ટ હુર્કાઝ સાથે થશે. 

વિશ્વ રેન્કિંગમાં નંબર વન જોકોવિચે બીજા રાઉન્ડમાં પણ જોરદાર જીત મેળવી હતી. તેણે ઈટાલીના માર્ટન ફેસોવિસને પણ ત્રણ સેટમાં હરાવ્યો હતો. જોકોવિચ બે વખત ફ્રેન્ચ ઓપન જીતી ચૂક્યો છે. હવે ત્રીજી વખત ખિતાબ ઉપર કબજો મેળવવાના ઈરાદાની આગળ વધી રહ્યો છે. ટેનિસ જગતમાં ઓલઓવર સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલામાં સ્પેનિશ સ્ટાર રાફેલ નાડાલ અને જોકોવિચ સંયુક્ત રીતે ટોચ ઉપર છે. બન્નેએ અત્યારસુધીમાં 22-22 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. તેવામાં જોકોવિચ ફ્રેન્ચ ઓપન જીતી લેશે તો નાડાલથી આગળ નીકળી જશે.