• બુધવાર, 22 માર્ચ, 2023
અમદાવાદમાં ભારતનો વળતો પ્રહાર : ગિલની સદી
|

ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતના ત્રણ વિકેટે 289 રન

અમદાવાદ, તા. 11 : અમદાવાદ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના પહેલી ઇનિંગમાં 480 રન બાદ ટીમ ઇન્ડિયાએ વળતો પ્રહાર કર્યો છે. જેમાં શુભમન ગીલની સદી અને કોહલીની અર્ધસદીની મદદથી ત્રીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે 3 વિકેટનાં નુકસાને 289 રન કરી લીધા છે. ગીલે મેચમાં 235 બોલનો સામનો કરતા 128 રન કર્યા હતા અને લિયોનની ઓવરમાં આઉટ થયો હતો જ્યારે કોહલી 59 રને અને રવીન્દ્ર જાડેજા 16 રને નોટઆઉટ પરત ફર્યા હતા. 

ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં ઉસ્માન ખ્વાજાના 180 રન અને ગ્રીનના 114 રનની મદદથી 480 રનનો વિશાળ સ્કોર કર્યો હતો જ્યારે મર્ફીએ 41 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી રવીચંદ્રન અશ્વિને 6 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના 480 રન બાદ ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. જેમાં રોહિત શર્માનાં રૂપમાં 74 રનના કુલ સ્કોરે પહેલી વિકેટ પડી હતી. રોહિત શર્માએ 35 રન કર્યા હતા. વન ડાઉન બાદ પૂજારા બેટિંગમાં આવ્યો હતો અને શુભમન ગીલ સાથે ઇનિંગને આગળ વધારી હતી. આ દરમિયાન શુભમન ગીલે સદી પૂરી કરી હતી. ગીલ 128 રનના સ્કોરે આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો જ્યારે પુજારાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ કોહલીએ બાજી સંભાળતા સારું પ્રદર્શન બતાવ્યું હતું અને દિવસ પૂરો થવા સુધીમાં 128 બોલનો સામનો કરીને 59 રન કરી લીધા હતા. બીજા છેડે રવીન્દ્ર જાડેજા 16 રને રમી રહ્યો હતો. 

ભારતીય ટીમ માટે અમદાવાદ ટેસ્ટ મેચ જીતવો ખૂબ જ જરૂરી છે. જો આ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને જીત મળશે તો વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી જશે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગના આધારે હજી પણ 192 રન પાછળ છે. કોહલી 59 રને અને જાડેજા 16 રને નોટઆઉટ છે. બન્ને વચ્ચે 44 રનની પાર્ટનરશિપ થઈ ચૂકી છે. તેવામાં જો મુકાબલો હાર કે ડ્રો ઉપર ખતમ થશે તો ભારતીય ટીમને ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવા માટે શ્રીલંકા ન્યુઝિલેન્ડ શ્રેણી ઉપર મદાર રાખવો પડશે. ઓસ્ટ્રેલિયા પહેલા જ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. 

હેડલાઇન્સ