• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

વિન્ડિઝનો ઝંઝાવાતી બૉલર જોસેફ આઇપીએલમાં લખનઉ ટીમમાં સામેલ  

નવી દિલ્હી, તા.10: વેસ્ટ ઇન્ડિઝના યુવા ફાસ્ટ બોલર શમર જોસેફ આઇપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. હજુ એક મહિનાની ઇન્ટરનેશનલ કેરિયર ધરાવનાર કેરેબિયન ફાસ્ટ બોલરને લખનઉની ટીમમાં ઇંગ્લેન્ડના માર્ક વૂડનાં સ્થાને સામેલ કરવામાં આવ્યો છે. આઇપીએલનાં ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સ ફ્રેંચાઇઝીએ માર્ક વૂડને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે શમર જોસેફ 3 કરોડમાં લખનઉ ટીમનો હિસ્સો બન્યો છે. 24 વર્ષીય જોસેફે ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં કાતિલ દેખાવ કર્યો હતો. ડેબ્યૂ સિરીઝમાં તેણે 13 વિકેટ લીધી હતી. બીજા ટેસ્ટમાં તેણે બીજા દાવમાં 7 વિકેટ ઝડપીને વેસ્ટ ઇન્ડિઝને ઓસ્ટ્રેલિયાની ધરતી પર 27 વર્ષ બાદ ટેસ્ટ વિજય અપાવ્યો હતો. ગાબાના મેદાન પર ઓસ્ટ્રેલિયાની ટીમ 216 રનના વિજય લક્ષ્ય સામે 207 રનમાં ઢેર થઈ હતી. આથી વિન્ડિઝનો 8 રને રોમાંચક વિજય થયો હતો.