• શનિવાર, 27 જુલાઈ, 2024

મોદીના નામે લોકમત...  

1977નું પુનરાવર્તન કરવા માગે છે શરદ પવાર

લોકસભાની ચૂંટણીનાં પરિણામ પહેલાં વિપક્ષી નેતાઓએ પોતાની જીત કરતાં મોદીની હારના અલગઅલગ આંકડા આપ્યા! મોદી અને અમિત શાહ શરૂઆતથી વિજય-જબ્બર બહુમતીનો વિશ્વાસ દર્શાવી રહ્યા હતા. અનેક આક્ષેપો, કુપ્રચાર અને નકરાં જુઠ્ઠાણાં પ્રચાર દરમિયાન જનતાએ સાંભળ્યાં છે. વિકાસ અને કલ્યાણ યોજનાઓનો લાભ લાખ્ખો-કરોડો લોકો મેળવી રહ્યા છે. દેશ-વિદેશે મોદીની કામગીરી અને ખ્યાતિ જોઈ છે - તે છતાં મોદી, અમિત શાહ અને યોગીએ તનતોડ પ્રવાસ અને પ્રચાર કરવો પડે તેના કારણમાં વિકાસ, જનકલ્યાણ અને રાષ્ટ્રહિતના બદલે માત્ર આક્ષેપબાજી થઈ - મોદી હટાઓ-નું અભિયાન ચાલ્યું તે છે. ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધી `પપ્પુ'માંથી પરિવારના નેતા બન્યા અને બેજવાબદારીથી બેફામ બન્યા ત્યારે મોદી- આક્રમક વલણ લીધી. લોકસભાની ચૂંટણી મોદીના નામે લોકમત બની ગઈ. પણ ભારતમાં લોકતંત્ર સજાગ અને જીવંત-ચેતનાશીલ છે પુરવાર થાય છે. સંસદીય લોકશાહીનો વિજય છે. વિપક્ષોના આક્ષેપ જનતાએ ઠુકરાવ્યા છે.

મોદી ત્રીજી ટર્મમાં ઝડપી સુધારા અને ભ્રષ્ટાચાર સામે વધુ આક્રમક બનશે. વિપક્ષી નેતાઓની સાત પેઢીના પાપના ચોપડા ખોલીને જનતાને બતાવશે અને હતાશ-હારેલા નેતાઓ અશાંતિ-અરાજક્તા ફેલાવે તે સામેનાં પગલાંની પાળ પણ બાંધી રાખી છે. વાત એમણે વારંવાર જાહેરમાં કરી છે. વિપક્ષને મુખ્ય ડર એક રાષ્ટ્ર - એક નેતા - એક ચૂંટણીનો છે!

વિપક્ષોનો મોરચો - માંચડો સરકાર કેવી રીતે બનાવે? જો સત્તા મળે તો - શરૂઆતમાં મૌનીબાબાને બેસાડીને પછી `સરકારની સ્થિરતા'ના નામે ફરીથી ઇતિહાસ પુનરાવર્તન કરવા માગે છે અને હવે કદાચ રાષ્ટ્રપતિપદની ઉમેદવારી કરનાર શરદ પવારનો પ્લાન સફળ થાય તો?

લોકસભાની ચૂંટણીનાં પરિણામ વિષે-હજુ પણ જો અનિશ્ચિતતા હોય તો તેનો અંત હવે આવી રહ્યો છે. પ્રચાર દરમિયાન વિજયના દાવા કરવા છતાં - શરદ પવારને ખાતરી હોવી જોઈએ, હશે તેથી એમણે નાના-મોટા તમામ પ્રાદેશિક વિપક્ષોએ કૉંગ્રેસ પક્ષમાં ભળી જવાની, વિલીન થવાની અથવા તો કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ મોરચામાં જોડાવાની હિમાયત કરી છે. હવે ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી દિશામાં હિલચાલ શરૂ થશે અને તેની આગેવાની પણ શરદ પવાર લેશે. શરદ પવારનો પ્લાન 1977માં જનતા પાર્ટી અને સરકારના ઇતિહાસનું પુનરાવર્તન કરવાનો છે. પણ 1977 અને 2024-25 વચ્ચે આસમાન-જમીનનું અંતર છે!

શરદ પવારે - આગામી બે વર્ષમાં અન્ય પક્ષો સાથે કૉંગ્રેસ, અથવા કૉંગ્રેસનો મોરચો ઊભો કરવાનો વિચાર-વ્યૂહ શા માટે વહેતો મૂક્યો? એમને ખાતરી થઈ હોવી જોઈએ કે મોદીનો વિજય અને ત્રીજી ટર્મ નિશ્ચિત છે. તેથી આગામી બે વર્ષમાં રાજકારણમાં ઊથલ-પાથલ અને પુનરુદ્ધારની તૈયારી કરવી જોઈએ. અત્યાર સુધી એવી ગણતરી હતી કે કમસે કમ - મહારાષ્ટ્રમાં તો એમની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ બહુમતી અથવા મોરચો બનાવીને સત્તા ઉપર આવશે પણ એમના પક્ષમાં ભંગાણ પડયા પછી કૉંગ્રેસનો હાથ પકડવા તૈયાર થયા છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પણ નજીકના ભવિષ્યમાં - અૉક્ટોબર-નવેમ્બરમાં થવાની શક્યતા છે. હકીકતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથોસાથ થઈ શકી હોત પણ વડા પ્રધાન મોદીનો વ્યૂહ લોકસભાની મહારાષ્ટ્ર બેઠકો-બહુમતી મેળવ્યા પછી વિધાનસભા જીતવાનો છે.

શરદ પવાર પણ લોકસભા કરતાં વિધાનસભા ઉપર વધુ ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવા માગે છે અને આગામી બે મહિનામાં કૉંગ્રેસી મોરચાની ભૂમિ મજબૂત કરવા માગે છે. બારામતીમાં એમનાં પુત્રી સુપ્રિયા કેવી બહુમતી મેળવે છે તે જોઈને આગળ વધશે. શરદ પવાર રાજકીય શતરંજના ખેલાડી છે. એમને પુત્રી સુપ્રિયાના રાજકીય ભવિષ્યની ચિંતા છે. એમની નજર અન્ય પ્રાદેશિક પક્ષો ઉપર પણ છે - લગભગ તમામ પક્ષોમાં પરિવારવાદની બીજી-પેઢીના હાથમાં પોતપોતાના પક્ષની સત્તા છે. જૂની પેઢીને કૉંગ્રેસ સામે વિરોધ હતો તેથી ત્રીજા વિકલ્પના પ્રયાસ થયા હતા. નવી પેઢીને કૉંગ્રેસ સાથેના ભૂતકાળ કરતાં ભવિષ્યમાં રસ છે. ભ્રષ્ટાચારના આરોપની કાર્યવાહી માથાં ઉપર તોળાઈ રહી છે તેથી તમામ - નવા - બીજી પેઢીના નેતાઓ એકતા જાળવશે. મમતા બેનરજી અને અખિલેશ યાદવ જેવા નેતાઓ - જેમણે પોતાની શક્તિ પુરવાર કરી છે તેઓ - કૉંગ્રેસમાં વિલીન થવાને બદલે મોરચામાં પગ રાખશે. શરદ પવાર કહે છે : ઉદ્ધવ ઠાકરે મારી સાથે સહમત છે. અર્થાત્ કૉંગ્રેસમાં ભળવા તૈયાર છે? લોકસભાનાં પરિણામ જોયાં પછી નક્કી કરશે.

1977નું પુનરાવર્તન કરવાનો પ્લાન છે પણ ઘણા - બીજી પેઢીના નેતાઓ ઇતિહાસ જાણતા નહીં હોય! 1977 પહેલાં 1975ની ઈમર્જન્સી હતી. ઓગણીસ મહિના સુધી લોકશાહી અને લોકસભા બંદીવાન હતી. તમામ નાના-મોટા રાજકીય નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા હતા. મોરારજીભાઈને હરિયાણામાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા હતા. અખબારો - (ત્યારે સોશિયલ મીડિયા નહોતા) ઉપર સેન્સરશિપ હતી. અૉલ ઇન્ડિયા રેડિયો અને ટીવી ઉપર ઇન્દિરા દર્શન હતાં. ઈમર્જન્સી સત્તા પકડી રાખવા માટે હતી. વિપક્ષોએ ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીના ભ્રષ્ટાચાર - રાજકીય અને નાણાકીય - સામે અભિયાન શરૂ કર્યું હતું. 1977ની ચૂંટણીમાં રાયબરેલી-અમેઠીની બેઠકો ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીએ ગુમાવ્યા પછી સત્તા છોડવા તૈયાર નહોતાં - તેનો વિરોધ કરનારા નેતા લોકતંત્ર અને સંવિધાનના રક્ષણ માટે લડતા હતા. આજે વિપક્ષી નેતાઓ માત્ર ભ્રષ્ટાચાર બચાવવા માગે છે - અને ટીવી મીડિયામાં લોકોએ કરોડો રૂપિયાના ડુંગરા નજરે જોયા છે!

શરદ પવાર 1977ની વાત કરે છે - ઊંધી ગણતરી, ઊલટા ચશ્માં છે. અલબત્ત, બીજી પેઢીના નેતાઓની જેમ નાગરિકો-મતદારોની પણ બીજી-ત્રીજી પેઢી છે. એમણે ઈમર્જન્સીના અત્યાચાર જોયા નથી પણ આજના ભ્રષ્ટાચારીઓને તો જોયા છે તેથી 1977માં ઇન્દિરા ગાંધી સામે જનતા સરકાર અને જનતા પક્ષ હતો તેની સરખામણી મોદી સામે ઇન્ડિ મોરચાની થઈ શકે નહીં. 1977માં વિપક્ષી જનતા મોરચાના નેતાઓ જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપલાની, મોરારજીભાઈ દેસાઈ વગેરે ધુરંધરો હતા. આજે - `શરદ પવાર, લાલુ યાદવ વગેરે'.

લોકસભાનાં પરિણામ ઇન્ડિ મોરચાની તરફેણમાં આવે - ચમત્કાર થાય તો વડા પ્રધાન કોણ બને? આવા પ્રશ્નના જવાબમાં પણ 1977 આગળ ધરવામાં આવે છે : પ્રથમ પ્રાધાન્ય ઇન્દિરાની જેમ મોદી હટાવો - 1977માં કૉંગ્રેસનો પરાભવ પછી તમામ પક્ષોએ ભેગા થઈને જનતા પાર્ટી - અને પછી જનતા સરકાર બનાવી હતી. તેવી રીતે વડા પ્રધાનનું નામ અગાઉથી જાહેર કરવાની જરૂર નથી એમ પવાર અને ખડગે પણ કહે છે! 1977માં જનતા પક્ષની બહુમતી પછી વડા પ્રધાન પદ માટે મોરારજીભાઈની પસંદગી જયપ્રકાશજી અને આચાર્ય કૃપલાનીજીએ તમામ ચૂંટાયેલા સભ્યોના અભિપ્રાય જાણ્યા પછી કરી હતી. લોકતંત્ર હતું.

પણ શરદ પવારની દલીલ છે - મોરારજીભાઈ સૌને સાથે રાખતા હતા જ્યારે રાહુલ ગાંધીમાં `મોટો ગુણ' છે કે તેઓ અન્ય નેતાઓને સાથે રાખે છે તેથી બધા ખુશ છે. `મોટા ગુણ' પાછળ ગણતરી છે. અન્ય નેતાઓને ખાતરી કરાવવા માટે કૉંગ્રેસે 543 સભ્યોની લોકસભા માટે માત્ર 328 ઉમેદવાર ઊભા રાખ્યા. અલબત્ત્ - અસમર્થવાન ભવંત સાધુ? અશક્તિ ગુણ બને છે?

જનતા પક્ષની નવી આવૃત્તિમાં પાત્રોની અદલા-બદલી થશે. દરમિયાન મોદીએ પવારને સલાહ આપી છે કે કૉંગ્રેસ સાથે જોડાઈને ચાર દિવસમાં રાજકીય મૃત્યુને બદલે છાતી ઠોકીને અજિતદાદા અને એકનાથ સાથે જોડાઈને આવો - તમારા બધાં સપનાં પૂરાં થશે... મોદીએ આવી `સલાહ' આપી? કે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને ઉદ્ધવ સેનાના કાર્યકરો - નેતાઓને ચેતવ્યા છે? પરિણામ આવ્યાં પછી અજિતદાદા - એકનાથ શિંદે સાથે ઊજળું ભવિષ્ય દેખાય તો વધુ સભ્યો જોડાઈ શકે છે!

---

ચૂંટણી પહેલાં અને દરમિયાન ઘણા વિપક્ષી નેતાઓ ભાજપમાં જોડાયા ત્યારે સ્વાભાવિક ટીકા થતી હતી કે ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે તફાવત ક્યાં છે? બધા સરખા છે! પણ મોદીનો વ્યૂહ ભ્રષ્ટાચારીઓને ભેટવાનો નહોતો - કૉંગ્રેસ અને અન્ય વિપક્ષ - મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાને તોડવાનો હતો. શરદ પવારે જે રીતે ભાજપ - શિવસેના સરકાર તોડી અને ઉદ્ધવ ઠાકરેને ખેંચી લીધા - તેવી રીતે મોદીએ જવાબ આપ્યો. કૉંગ્રેસ મુક્ત - (ગાંધી પરિવાર મુક્ત રાજકારણ) માટે વ્યૂહ કારગત નીવડયો. હવે શરદ પવાર `જનતા સરકાર'નાં સપનાં બતાવે ત્યારે મોદી કહે છે : જૂની ક્રીપ્ટઝ નવી ફિલ્મમાં?

વિપક્ષી નેતાઓને મૂળ ડર છે કે અત્યારે એક રાષ્ટ્ર - એક નેતામાંથી આખરે મોદી એક રાષ્ટ્ર એક ચૂંટણી કરાવીને બાજી મારી જશે. ભૂતકાળમાં ઇન્દિરા ઇઝ ઇન્ડિયા - કહીને ઇન્દિરાના નામે પથ્થરા પણ જીતી - તરી જશે એમ કહેવાતું - કરાતું હતું. એમના નામે વોટ પડતા હતા પણ આખરે 1977માં ઇમર્જન્સીના અત્યાચાર અને ભ્રષ્ટાચારના કારણે બાજી પલટાઈ હતી.

આજે મોદીના નામ અને કામના કારણે વોટ પડે છે. સત્તા માટે કે સેવા માટે? ભ્રષ્ટાચારીઓ નેતા બની બેઠા હતા - હવે જેલમાં છે અને મોદી 2047 સ્વતંત્ર ભારતની શતાબ્દી ઊજવીને વિશ્વમાં ભારતનું શ્રેષ્ઠ સ્થાન બનાવવા અને બતાવવા માગે છે. કાર્ય માટે ઇશ્વરી સંકેત - આદેશ છે - એમ સ્વીકારે છે.