• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

માનવઅધિકાર પંચના આદેશોની અવગણના

મુંબઈ, તા. 2 : માનવઅધિકાર પંચે આપેલા વળતરના આદેશો તરફ સરકાર દુર્લક્ષ કરી રહી છે. જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં પંચે વળતરની 21 સૂચનાઓ સરકારને મોકલી છે. પરંતુ એમાંથી ફક્ત ત્રણ આદેશોમાં વળતર આપવામાં આવ્યું છે. પંચના આદેશ આરોપી પ્રત્યે પોલીસનું ગેરવર્તન, મૂળભૂત સુવિધાઓ તરફ સ્થાનિક સંસ્થાઓની લાપરવાહી, માનવઅધિકારોનું ઉલ્લંઘન, તબીબી બેદરકારી, જરૂરી કાયદાકીય કાર્યવાહી ન કરવી જેવી બાબતો માટે બહાર પાડવામાં આવે છે. માનવ અધિકાર કાયદાની જોગવાઈઓ હેઠળ વળતરના આદેશ આપવામાં આવે છે. આ આદેશ બહાર પાડયા બાદ આયોગના વહીવટી તંત્ર દ્વારા ચીફ સેક્રેટરીને પત્ર મોકલવામાં આવે છે. પત્ર પર કોઈ કાર્યવાહી ન થાય તો છ મહિના બાદ ફરીથી પત્ર મોકલવામાં આવે છે. 

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ ઘણાને વર્ષો બાદ વળતર મળે છે. સરકારને આયોગના આદેશ યોગ્ય ન જણાય તો બૉમ્બે હાઈ કોર્ટમાં અપીલ કરવાનો અધિકાર હોય છે. પરંતુ સરકાર આ અધિકારનો ઉપયોગ કરવાને બદલે ચૂપચાપ બેસી રહે છે. માનવઅધિકાર પંચનો આદેશ ફરજિયાત નહીં, પરંતુ ભલામણ હોય છે. આથી અધિકારીઓને આદેશની અવગણનાનો કોઈ ડર હોતો નથી. માનવઅધિકારોના તજજ્ઞ ઍડવોકેટ સિદ્ધ વિદ્યા જણાવે છે કે પીડિત વ્યક્તિને વળતરની રકમ આયોગના કાર્યાલયમાં મળી જાય તો ઘણું સારું થાય. વળતર માટે તેમની પાસે મંત્રાલયના ધક્કા ખાવાની અપેક્ષા ન કરી શકાય. વળતરની ચૂકવણી બાબતે સરકારની નિક્રિયતા આયોગની શાખને પણ હાનિ પહોંચાડે છે. સરકારે આયોગના આદેશનો સ્વીકાર કરવો જોઈએ અથવા તો એને પડકારવો જોઈએ.