• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

તુમારશાહીથી અટકેલા બગીચાનાં કાર્યો વિધાનસભ્યના પત્ર બાદ ફરી શરૂ થયાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : સરકારી અમલદારોની તુમારશાહીના એક ઉત્તમ કેસમાં જુહુ બીચ નજીક બે બગીચા અને કોળી સમુદાયની મઢુલીના નૂતનીકરણ અને પુનર્વસન માટેના પ્રસ્તાવો માર્ચ મહિનાથી મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ અૉથોરિટીમાં અટવાઈ ગયા હતા પરંતુ એમસીઝેડએમએની કાર્યપદ્ધતિની તપાસ કરાવવાની માગણી કરતો પત્ર ભાજપના વિધાનસભ્ય અમીત સાટમે મુખ્ય પ્રધાન શિંદેને પાઠવ્યાના કલાકો બાદ આ કાર્યો ફરીથી શરૂ કરવાની પરવાનગીઓ આપી દેવામાં આવી હતી. નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારને પણ પાઠવેલા આ પત્રમાં સાટમે એવો આરોપ મૂક્યો હતો કે, રાજ્યનો પર્યાવરણ વિભાગ આપખુદશાહીથી કામ કરે છે.

સાટમે જણાવ્યું હતું કે, માર્ચમાં એમસીઝેડએમએની મંજૂરી માટે જાહેર કાર્યોના ત્રણ પ્રસ્તાવો મોકલવામાં આવ્યા હતા. 

પર્યાવરણ વિભાગ અને ખાસ કરીને પર્યાવરણ સચિવ પ્રવિણ દરાડેની આપખુદશાહી અને બદઈરાદા તરફ હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું, એમ પત્રમાં સાટમે જણાવ્યું હતું.

17 માર્ચના જે પ્રસ્તાવ સુપરત કરાયો હતો તે તરંગ સોસાયટીની પાછળ જુહુ બીચની લગોલગ બગીચો બનાવવાને લગતો હતો. 21 માર્ચના અપાયેલો પ્રસ્તાવ જુહુ કોલીવાડા ખાતે કાકા બાપટીસ્ટા ગાર્ડનને લગતો હતો. 21 માર્ચના જ બીજો એક પ્રસ્તાવ સુપરત કરાયો હતો તે જુહુ કોલીવાડા ખાતે કોળી સમુદાય માટેની ખુલ્લી મઢુલીને લગતો હતો, એમ સાટમે તેમના પત્રમાં જણાવ્યું હતું.

પર્યાવરણ વિભાગ છેલ્લા આઠ મહિનાથી આ પ્રસ્તાવોને રખડાવી રહ્યો હતો.

સાટમે દાવો કર્યો હતો કે, તેમના પત્ર બાદ થોડા કલાકમાં જ પરવાનગીઓ આપી દેવાઈ હતી.