• શુક્રવાર, 03 મે, 2024

જુહુમાં ગેરકાયદે સિમેન્ટ પ્લાન્ટથી થતાં પ્રદૂષણને કારણે રહેવાસીઓ પરેશાન

મુંબઈ, તા. 11 : જુહુમાં સાત એકરના મોકાના ખુલ્લા પ્લોટના કેટલાક ભાગમાં `ગેરકાયદે' સિમેન્ટ પ્લાન્ટ પ્રદૂષણનું મુખ્ય સ્રોત બની ગયું છે અને સ્થાનિક લોકો આ પ્રદૂષણને કારણે પરેશાન થઈ રહ્યા છે. આ પ્લોટ પર ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ શરૂ કરવા તેને પોતાના હસ્તક લીધો હતો. બીલ્ડરે તેનો એક ભાગ કોમર્શિયલ હેતુ માટે આપી દીધો હતો. બૉમ્બે હાઈ કોર્ટે તેના પર સ્ટે આપ્યાના એક વર્ષ બાદ મ્હાડાએ તેનો `દસ્તાવેલી કબજો' લઈ લીધો હતો. રહેવાસીઓ એવો આરોપ મૂકી રહ્યા છે કે ત્યાં હવે ગેરકાયદે સિમેન્ટ પ્લાન્ટ ઊભો થઈ ગયો છે, જે પ્રદૂષણનું મુખ્ય સ્રોત બની ગયો છે. 

ભાજપના વિધાનસભ્ય અમિત સાટમ કે જેઓ આ રહેવાસીઓની આગેવાની લઈ રહ્યા છે તેમણે મ્હાડાના વાઈસ ચૅરમૅન અને ચીફ અૉફિસર મિલિંદ બોરીકરને પત્ર પાઠવ્યો હતો અને એવી માગણી કરી હતી કે ઋતુભંરા કૉલેજની સામેના આ પ્લોટને ભાડા પર આપનારા બીલ્ડર સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવા મ્હાડાએ હાઈ કોર્ટમાં જવું જોઈએ.

`જોકે હાલ તેની સામે અરજી કરાઈ છે અને આ બાબતમાં સ્ટે અપાયો છે, પરંતુ બીલ્ડરે આ પ્લોટ પર રાજકીય ગુંડાઓને તહેનાત કર્યા છે અને સિમેન્ટ, લાદીઓ અને બાંધકામની અન્ય સામગ્રીને રાખવા આ પ્લોટ ભાડા પર આપી દીધો છે અને તેમાંથી તે નફો રળી રહ્યો છે. તેણે ગેરકાયદે બાંધકામ પણ કર્યું છે. આ કોર્ટની અવમાનના છે અને સ્ટેના હુકમનો ભંગ છે.'

જે પ્લોટનો દસ્તાવેજી કબજો મ્હાડા પાસે હોય ત્યાં ગેરકાયદે સિમેન્ટ પ્લાન્ટ કેવી રીતે ઊભો થઈ શકે? એવો સવાલ કરવામાં આવી રહ્યો છે.