• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

મે મહિનામાં યુપીઆઈના વ્યવહારો નવા રેકોર્ડ લેવલે પહોંચ્યા  

કુલ 14.30 લાખ કરોડનાં કામકાજ થયાં 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : અૉનલાઇન પેમેન્ટનો વ્યાપ સતત વધી રહ્યો છે. એને પગલે અૉનલાઇન પેમેન્ટના વ્યવહારો મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ વધી રહ્યા છે. મે મહિનામાં યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ)ના કુલ વ્યવહારો વધીને નવા રેકોર્ડ લેવલે પહોંચ્યા છે.

મે, 2023માં મૂલ્યની દૃષ્ટિએ યુપીઆઈના વ્યવહારો વધીને રૂા. 14.30 લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ 9.41 અબજ વ્યવહારો થયા હતા. એપ્રિલ, 2023ની સરખામણીએ મૂલ્યની દૃષ્ટિએ કામકાજમાં બે ટકા અને સંખ્યાની દૃષ્ટિએ 6 ટકાનો વધારો થયો છે. એપ્રિલ, 2023માં યુપીઆઈ દ્વારા રૂા. 14.07 લાખ કરોડના મૂલ્યના 8.89 અબજ વ્યવહારો થયા હતા. મે મહિનાના છેલ્લા 10 દિવસમાં રૂા. 3.96 લાખ કરોડનાં કામકાજ થયાં હતાં.

એનપીસીઆઈ (નેશનલ પેમેન્ટ કૉર્પોરેશન અૉફ ઇન્ડિયા)ના રિપોર્ટ મુજબ મે, 2022ની સરખામણીએ મે, 2023માં યુપીઆઈના ટ્રાન્ઝેક્શન મૂલ્યની દૃષ્ટિએ 37 ટકા અને સંખ્યાની દૃષ્ટિએ 58 ટકા વધ્યા છે. સરકાર બધા જ પ્રકારના ટૅક્સનું કલેક્શન ડિજિટલ પેમેન્ટ હેઠળ લાવવા માગે છે. માર્ચ, 2023માં રૂા. 14.10 લાખ કરોડનું મૂલ્ય ધરાવતા 8.68 અબજ ટ્રાન્ઝેક્શન્સ ડિજિટલ પેમેન્ટ દ્વારા થયા હતા.

આઈએમપીએસ હેઠળ રૂા. 5.26 લાખ કરોડના વ્યવહારો થયા આઈએમપીએસ (ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ) હેઠળ મે, 2023માં રૂા. 5.26 લાખ કરોડના મૂલ્યના 50 કરોડ વ્યવહારો થયા હતા. માર્ચ, 2023માં રૂા. 5.46 લાખ કરોડના મૂલ્યના 49.70 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. મે, 2023માં ફાસ્ટેગના રૂા. 5437 કરોડનાં કામકાજ થયાં હતાં. એપ્રિલમાં રૂા. 5149 કરોડના વ્યવહારો થયા હતા. આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમમાં એપ્રિલ, 2023માં રૂા. 29,649 કરોડના અને મેમાં રૂા. 28,037 કરોડના વ્યવહારો થયા હતા.