• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

`જનતાના મનના મુખ્ય પ્રધાન'ને જન્મદિનની શુભેચ્છા   

વર્ષા બંગલા પાસે અજિત પવારને શુભેચ્છા આપતાં બૅનરો

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના જન્મદિન નિમિત્તે વર્ષા બંગલા (મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન)ની બહાર એનસીપી કાર્યકર્તાઓએ તેમને જન્મદિનની શુભેચ્છા આપતા બેનર્સ મૂકયાં છે. આ બેનર્સમાં શુભેચ્છા સાથે એક વાકય લખાયું છે, જેને પગલે તે સતત ચર્ચામાં આવી ગયું છે. જનતાના મનના મુખ્ય પ્રધાન એવા આ વાકયએ રાજકીય વર્તુળોમાં કુતૂહુલ જગાવ્યું છે. બળવો કર્યા બાદ અજિત પવારે પોતાને મુખ્ય પ્રધાન બનવાની ઇચ્છા વ્યકત કર્યા બાદ તેઓ હવે નવા મુખ્ય પ્રધાન બનશે એવી ચર્ચાએ જોર પકડયું છે. તેમના સમર્થકોએ તો અજિત દાદાને રાજ્યના મુખ્ય પ્રધાન માની પણ લીધા છે એવુ ચિત્ર છે. 

જય અજિત પવારનો રાજકારણમાં પ્રવેશ? 

રાજ્યમાં યોજાનાર લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પહેલા અજિત પવારના સુપુત્ર જય અજિત પવારનો રાજકારણમાં પ્રવેશ થવાની શકયતા છે. અજિત પવારના જન્મદિને મૂકાયેલા બેનરમાં પહેલીવાર તેમની તસવીરો મુકાતા ચર્ચાએ જોર પકડયું છે. અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવારને આ અગાઉ એનસીપીમાંથી માવળ લોકસભા મતદારસંઘમાંથી ઉમેદવારી આપવામાં આવી હતી. હવે સત્તામાં ભાજપ સાથે આવેલા અજિત દાદાના નાના સુપુત્ર જય પવારને પણ રાજકારણમાં પ્રવેશ મળશે એવી ચર્ચાએ જોર પકડયું છે. એનસીપી મુંબઈ સચિવ ગણેશ આડિવરેકરે મૂકેલા હોર્ડિંગ્સમાં અજિત દાદાને જન્મદિનની શુભેચ્છા આપવામાં આવી છે. આ બેનરમાં જય પવારની તસવીર છે.