• શુક્રવાર, 03 મે, 2024

સીએસએમટી સ્ટેશનના પુનર્વિકાસ માટે 266 વૃક્ષોનું નિકંદન  

મુંબઈ, તા. 23 : પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધનને લીધે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ને `ગ્રીન સ્ટેશન' તરીકે ઓળખાય છે. જોકે, સીએસએમટીના પુનર્વિકાસ માટે અહીંનાં વૃક્ષો તોડવામાં આવી રહ્યાં હોવાથી સ્થાનિક પરિસર ઉજ્જડ થવા લાગ્યો છે. વર્તમાનમાં સીએસએમટીથી દરરોજ 11 લાખ પ્રવાસી પ્રવાસ કરે છે. પ્રવાસીઓ માટે રેલવે સ્ટેશનમાં ઍરપોર્ટ જેવી સુવિધા ઉપલબ્ધ કરવા સીએસએમટીનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટ માટે કુલ 2450 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને ત્રણથી ચાર વર્ષમાં રિડેવલપમેન્ટનું કામ પૂર્ણ કરવાનું રેલવે વિભાગનું લક્ષ્ય છે. કામ માટે સીએસએમટીના પ્લૅટફૉર્મ નંબર 18 નજીક સંપૂર્ણ પરિસરમાં પતરાની ઊંચી દીવાલ ઊભી કરવામાં આવી છે અને કામમાં અવરોધ બની રહેલાં વૃક્ષો તોડવામાં આવી રહ્યાં છે. પરિણામે અહીં વસવાટ કરતાં પક્ષીઓનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાવાની શક્યતા છે.

સીએસએમટીના પુનર્વિકાસમાં 266 વૃક્ષ અવરોધ બની રહ્યાં છે. એમાંથી 86 વૃક્ષ કાપવામાં આવશે. તો, 180 વૃક્ષોને પુનર્રોપિત કરવામાં આવશે, એવી નોટિસ પાલિકાના વૃક્ષ પ્રાધિકરણ વિભાગે જાન્યુઆરી 2024માં લગાડી હતી. છેલ્લા કેટલાક સમયમાં 86માંથી 30 વૃક્ષ કાપવામાં આવ્યાં છે અને 186માંથી 19 વૃક્ષ પુનર્રોપિત કરવામાં આવ્યાં છે. હેરિટેજ ગલીમાંનાં વૃક્ષો પણ કાપવામાં આવશે અને અહીંની અંગ્રેજોના સમયની વરાળથી ચાલતી ક્રેન, સ્ટોન ક્રશર યંત્ર, પહેલું ઈલેક્ટ્રિક એન્જિન, હૅન્ટ ટયુબ ફાયર એન્જિન, કોંક્રિટ મિક્સર, પ્રિન્ટિંગ પ્રેસ, કર્નાક બંદરની જૂની ઈંટો વગેરે અન્યત્ર સ્થળાંતરિત કરાશે.