• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ઈડીની અચાનક કાર્યવાહી બદલા અને દ્વેષની ભાવનાથી કરાઈ છે : વાનખેડે  

મુંબઈ, તા. 10 : સીબીઆઈની એફઆઈઆરના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા મની લોન્ડરિંગ કેસમાં જેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તે આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેએ અગાઉ બૉમ્બે હાઈ કોર્ટમાં એફઆઈઆર સામે પડકાર ફેંક્યો હતો અને ધરપકડ સામે સંરક્ષણ મેળવ્યું હતું. હવે તેમણે ઈડીના કેસમાં પણ આવા સંરક્ષણની માગણી કરી છે.

અગાઉ સપ્તાહની શરૂઆતમાં સેડયુઅલ્ડ કાસ્ટ ઍન્ડ સેડયુઅલ્ડ ટ્રાઇબ્સ (પ્રિવેનશન અૉફ એટ્રોસીટી) ઍક્ટ હેઠળ એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ સામેની વાનખેડેની ફરિયાદની સુનાવણી કરતા દિલ્હી કોર્ટે કેવા પગલાં લેવામાં આવ્યા તેનો અહેવાલ સુપરત કરવા દિલ્હી પોલીસને જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે વાનખેડેએ ઈડી કેસમાં રાહત માગતા હાઈ કોર્ટ સમક્ષ પોતાની અરજીમાં જે બનાવો બન્યા હતા તેનો ઉલ્લેખ કર્યો હતો. અરજીમાં વાનખેડેએ જણાવ્યું હતું કે 2023માં દાખલ કરાયેલી સીબીઆઈની એફઆઈઆર અને ઈસીઆઈઆર પર ઈડીની અચાનક કાર્યવાહી બદલા અને દ્વેષની ભાવનાથી પ્રેરિત છે.

2021ના કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ પર્દાફાશ વિવાદ અને ભ્રષ્ટાચારના આરોપો બાદ એનસીબીએ સિંહની આગેવાની હેઠળ સ્પેશિયલ ઇન્ક્વાયરી ટીમ (એસઈટી)ની સ્થાપના કરી હતી જેણે વાનખેડેની આગેવાની હેઠળની ટીમ દ્વારા ક્ષતિઓ થઈ હોવાનું શોધી કાઢ્યું હતું. સીબીઆઈએ એસઈટી રિપોર્ટના આધારે વાનખેડે અને અન્યો સામે ભ્રષ્ટાચાર અને ખંડણીનો કેસ નોંધ્યો હતો. ત્યાર બાદ એનસીબીએ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન અને અન્ય પાંચને ક્લીન ચીટ આપી હતી અને કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા.