• શનિવાર, 27 એપ્રિલ, 2024

ભારતના મુરલી શ્રીશંકરનું પેરિસ ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન

8.09 મીટરની છલાંગ સાથે ત્રીજા ક્રમાંકે રહ્યો : અૉલિમ્પિક ચૅમ્પિયન ટેંટોગ્લુ પહેલા સ્થાને

નવી દિલ્હી, તા. 10 : પેરિસ ડાયમંડ લીગમાં ભારતીય એથલીટ મુરલી શ્રીશંકરે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. શ્રીશંકરે પેરિસ ડાયમંડ લીગની લાંબી કૂદ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો છે. શ્રીશંકર કોઈપણ ડાયમંડ લીગ મીટમાં ટોપ-3મા ફિનિશ કરનારો ત્રીજો ભારતીય છે. આ પહેલા ટોક્યો ઓલિમ્પિકના સ્વર્ણ પદક વિજેતા નીરજ ચોપડા અને ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડે આ સિદ્ધિ મેળવી છે. 

કોમનવેલ્થ ગેમ્સ 2022ના સિલ્વર મેડલ વિજેતા મુરલી શ્રીશંકરે પોતાના ત્રીજા પ્રયાસમાં 8.09ની સર્વશ્રેષ્ઠ છલાંગ લગાડી છે. તે ત્રીજા રાઉન્ડ બાદ ટોપ ઉપર પણ પહોંચી ગયો હતો. જો કે બાદમાં ત્રીજા સ્થાને ખસકી ગયો હતો. લાંબી કૂદ સ્પર્ધા દરમિયાન વિપરીત દિશામાંથી ઝડપી પવન ફુંકાઈ રહ્યો હતો. જેના કારણે પણ શ્રીશંકરનું પ્રદર્શન પ્રભાવિત થયું હતું. 

લાંબી કુદ સ્પર્ધામાં પહેલું સ્થાન ઓલિમ્પિક ચેમ્પિનયન મિલ્ટિયાડિસ ટેંટોગ્લુ (8.13 મીટર)એ મેળવ્યું હતું જ્યારે વિશ્વ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇમન એહમર 8.11 મીટરની છલાંગ સાથે બીજા ક્રમાંકે રહ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા મેકેલ માસો 7.83 મીટરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે છઠ્ઠા ક્રમાંકે રહ્યો હતો. શ્રીશંકર બીજી વખત ડાયમંડ લીગમાં ભાગ લઈ રહ્યો છે. આ પહેલા ગયા વર્ષે મોનાકોમાં છઠ્ઠુ સ્થાન મેળવ્યું હતું. શ્રીશંકરે શાનદાર પ્રદર્શનના કારણે સપ્ટેમ્બરમા અમેરિકામાં થનારી ડાયમંડ લિગ ફાઇનલ માટે છ અંક મેળવી લીધા છે.સાથે જ હંગેરીના બુડાપેસ્ટમાં થનારી વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ મહત્ત્વના પોઇન્ટ મળ્યા છે.