• રવિવાર, 29 જાન્યુઆરી, 2023
ટીમ ઇન્ડિયાનો ઘરઆંગણે સતત 12 ટી-20 શ્રેણી જીતનો રેકર્ડ 
|

રાજકોટ તા.7: પહેલા સૂર્યકુમાર યાદવની 9 છકકાથી અણનમ-આતશી સદી અને બાદમાં બોલરોના સહિયારા શાનદાર દેખાવથી ત્રીજા અને નિર્ણાયક ટી-20 મેચમા શ્રીલંકા વિરૂધ્ધ ભારતનો 91 રને સરળ વિજય થયો હતો. રાજકોટના મેચની જીતથી ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચની શ્રેણી 2-1થી કબજે કરી છે. ભારતના 20 ઓવરમાં 5 વિકેટે 228 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ 16.4 ઓવરમાં 137 રનમાં ડૂલ થઇ ગઇ હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકા સામે સતત પાંચમી ટી-20 સિરીઝ જીતી છે. જયારે ભારતે સરજમીં પર સતત 12 શ્રેણી કબજે કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. 

રાજકોટ માટે આજનો મેચ સૂર્યકુમાર યાદવની 360 ડિગ્રી બેટિંગને લીધે પૈસા વસૂલ મેચ બની રહ્યો હતો. સૂર્યાએ 51 દડામાં 9 છકકા અને 7 છકકાથી 112 રનની અણનમ ઇનિંગ રમીને રાજકોટના મેદાનમાં રન રમખાણ સજર્યું હતું. લંકાના તમામ બોલરો ટી-20ના આ નંબર વન બેટધર સામે સૂર્ય નમસ્કારની સ્થિતિમાં મુકાઇ ગયા હતા. બાદમાં 229 રનના મુશ્કેલ વિજય લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમનો 137 રનમાં ધબડકો થયો હતો. 23-23 રન મેન્ડિસે અને કપ્તાન શનાકાએ કર્યાં હતા. ભારત તરફથી અર્શદિપે 3 અને કપ્તાન હાર્દિક અને ચહલે 2-2 વિકેટ લીધી હતી. ટી-20 ફોર્મેટના દુનિયાના નંબર વન બેટર અને 360 ડિગ્રી ફટકાબાજ સૂર્યકુમાર યાદવની 9 છક્કાથી આતશી-અણનમ 112 રનની અદ્ભુત ઇનિંગથી શ્રીલંકા વિરુદ્ધના ત્રીજા અને નિર્ણાયક ટી-20 મેચમાં ભારતે 5 વિકેટે 228 રનનો મોટો સ્કોર નોંધાવ્યો છે. સૂર્યકુમારના તાપમાં શ્રીલંકાના તમામ બોલરો દાઝી ગયા હતા. તેણે 51 દડાની ઇનિંગમાં 7 ચોક્કાની સાથે 9 છક્કા ફટકારીને તેની ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલ સદી કરી હતી. સૂર્યકુમાર અને શુભમન ગિલ વચ્ચે ત્રીજી વિકેટમાં 53 દડામાં 111 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. શુભમને 46 અને રાહુલ ત્રિપાઠીએ 35 રનની આક્રમક ઇનિંગ રમી હતી.