• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

રાંચી ટેસ્ટ : બીજા દિવસે ઇંગ્લૅન્ડનો દબદબો, જુરેલ અને કુલદીપે બાજી સંભાળી  

બીજા દિવસના અંત સુધીમાં ભારતના સાત વિકેટે 219 : ઇંગ્લૅન્ડથી હજી 134 રન પાછળ, જયસ્વાલના 73 રન

રાંચી, તા. 24 : ઇંગ્લેન્ડ સામેના ચોથા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. બીજા દિવસની રમત પૂરી રીતે ઇંગ્લેન્ડનાં નામે રહી હતી. સ્ટમ્પસ સુધીમાં ઇંગ્લેન્ડે 219 રને ભારતની સાત વિકેટ લઈ લીધી હતી. ભારત હજી પણ ઇંગ્લેન્ડથી 134 રન પાછળ છે. ભારત માટે માત્ર યશસ્વી જયસ્વાલ ક્રીઝ ઉપર ટકી શક્યો હતો અને 73 રને આઉટ થયો હતો. યશસ્વી ઉપરાંત કોઈપણ ભારતીય ખેલાડી ઇંગ્લિશ ખેલાડીઓનો સામનો કરી શક્યા નહોતા. ઇંગ્લેન્ડના 353 રનના જવાબમાં ભારતની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પહેલા સેશનમાં કેપ્ટન રોહિત શર્મા બે રને અને બીજા સેશનમાં ગિલ 38 રને, રજત પાટીદાર 17 રને અને રવીન્દ્ર જાડેજા 12 રને આઉટ થયા હતા. અંતિમ સેશનમાં યશસવી જયસ્વાલ 73, સરફરાઝ ખાન 14 અને રવિચંદ્રન અશ્વિન એક રને આઉટ થયા હતા.  બીજા દિવસના અંતે ધ્રુવ જુરેલ 30 રને અને કુલદીપ યાદવ 17 રને નોટઆઉટ પરત ફર્યા હતા. 

ઇંગ્લેન્ડ તરફથી ઓફ સ્પિનર શોએબ બશીરે ચાર વિકેટ લીધી હતી. પહેલા ઇંગ્લેન્ડની ઇનિંગનું આકર્ષણ જો રૂટની સદી રહી હતી. જે 122 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 67 રન આપીને ચાર વિકેટ લીધી હતી. મેચમાં ભારતની શરૂઆત સારી રહી નહોતી અને ત્રીજી ઓવરમાં રોહિતની વિકેટ ગુમાવી હતી. જયસ્વાલે ગિલ સાથે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરીને ભારતીય ઇનિંગ સુધારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે 44 રનની અંદર ત્રણ વિકેટ પડી જતા ભારત ફરીથી બેકફૂટ ઉપર આવી ગયું હતું. મેચમાં પાટીદાર ફરીથી તકનો ફાયદો ઉઠાવવામાં અસફળ રહ્યો હતો. જાડેજાએ ટોમ હાર્ટલીના બોલે સતત બે છગ્ગા ફટકાર્યા હતા. જો કે બશીરે પછીની ઓવરમાં કેચ આઉટ કરાવ્યો હતો. 

ઇંગ્લેન્ડે બીજા દિવસે પહેલી ઇનિંગ સાત વિકેટના નુકસાને 302 રનથી આગળ વધારી હતી. જાડેજાએ પહેલા સત્રમાં બાકીની ત્રણ વિકેટ લઈને ભારતને વાપસી કરાવી હતી. રોબિન્સને કારકિર્દીની પહેલી અર્ધસદી કરી વિકેટ ઈનામમાં આપી દીધી હતી. તેણે રૂટ સાથે આઠમી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. પહેલા દિવસે ઇંગ્લેન્ડે લંચ સુધીમાં 112 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે રૂટ અને રોબિન્સનસને ઇંગ્લેન્ડને વાપસી કરાવી હતી. બીજા દિવસે જાડેજાએ પહેલા રૂટ રોબિન્સનની ભાગીદારી તોડી હતી. બાદમાં જાડેજાએ શોએબ બશિર અને એન્ડરસનને ખાતું પણ ખોલવા દીધું નહોતું.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.