• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

કેરળમાં `નિપાહ' ના ચાર કેસ 

કોઝિકોડમાં શાળા-કૉલેજો બંધ : સંક્રમિતોના સંપર્કમાં આવ્યા 1008 લોકો

કોઝિકોડ, તા.16 : કેરળમાં નિપાહ વાયરસના પ્રસારે ચિંતા વધારી છે. નિપાહથી સંક્રમિતોના સંપર્કમાં અત્યાર સુધીમાં 1008 લોકો આવ્યાનું અને તેમાં 327 સ્વાસ્થ્ય કર્મીઓ હોવાનો ખુલાસો થતાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત કોઝિકોડમાં 24મી સુધી શાળા-કોલેજો, ટયૂશન કલાસ બંધ કરી દેવામાં આવી છે.

કોઝિકોડમાં નિપાહ વાયરસથી સંક્રમિત વધુ એક વ્યક્તિ મળી આવી છે. જે સાથે સક્રિય કેસની સંખ્યા 4 થઈ છે. નિપાહ વાયરસથી સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકો અંગે તપાસ કરતાં આંક 1000ને વટાવી ગયો છે. કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીના જયોર્જે કહ્યંy કે તેમાં 327 સ્વાસ્થ્ય કર્મીઓ છે. જિલ્લા બહાર સંક્રમિતોના સંપર્કમાં 29 લોકો આવ્યા છે. કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મલપ્પુરમમાં 22, વાયનાડમાં 1 અને કન્નૂર તથા ત્રિશૂરમાં 3-3 લોકોની ઓળખ મળી હતી.

સ્વાસ્થ્યપ્રધાને આશંકા વ્યક્ત કરી કે સંખ્યા હજૂ વધી શકે છે. કોઝિકોડમાં નિપાહ વાયરસથી 30 ઓગસ્ટે પહેલું અને 11 સપ્ટેમ્બરે બીજુ મૃત્યુ થયું હતું. 30મીએ મૃતકના અંતિમ સંસ્કારમાં 17 લોકો સામેલ થયા હતા. જે દરેકને આઈસોલેશનમાં રખાયા છે. સંક્રમિતોમાં એક 9 વર્ષનો બાળક સામેલ હોવાનું સ્વાસ્થ્ય વિભાગે જાહેર કર્યું છે. બાળક આઈસીયુમાં સારવાર હેઠળ છે.