• શનિવાર, 20 એપ્રિલ, 2024

`લોકશાહીનું મંદિર' આજે થશે રાષ્ટ્રને અર્પણ  

આનંદ વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા.27: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકશાહીના મંદિર સમાન નવનિર્મિત સંસદ ભવન રાષ્ટ્રને અર્પણ કરશે. અત્યાધુનિક સુવિધાઓથી અને ભારતના ભવ્ય-વૈભવી વારસાના સંગમ સમાન સંસદ ભવનનું લોકાર્પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કરાવવાની માગણી સાથે કેટલાક વિપક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. નવનિર્મિત સંસદ ભવન વિકાસની ગતિ વેગવાન બનાવશે અને ભારતવાસીઓનું સશક્તીકરણ કરશે એવી ઈચ્છા વડા પ્રધાન મોદીએ વ્યક્ત કરી છે.

લોકસભાના સભાગૃહની ક્ષમતા હવે વધારીને 888 બેઠકો જેટલી કરવામાં આવી છે. તેમાંનું આર્ટવર્ક આપણા રાષ્ટ્રીય પક્ષી મોર જેવું આર્ટવર્ક કરવામાં આવ્યું છે. લોકસભાના ગૃહમાંનુ નિર્માણ સત્તા અને પૂજ્ય ભાવનું પ્રતિબિંબ પડે એ રીતે કરવામાં આવ્યું છે. લોકસભાની બાજુમાં રાજ્યસભાનું ગૃહ બનાવવામાં આવ્યું છે. તેની બેઠકોની ક્ષમતા 384 છે. તેના કમિટી રૂમમાં ચર્ચાઓ બહેતર રીતે થઈ શકે એ માટે આત્યાધુનિક અૉડિયો વિઝ્યુઅલ સિસ્ટમ બેસાડવામાં આવી છે. આ સંસદ ભવનમાંની લાઈબ્રેરીમાં સાંસદોને વિવિધ માહિતી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવી ઈમારત પર્યાવરણને અનુકૂળ બને એ રીતે બાંધવામાં આવી છે. તેને `ગ્રીન બિલ્ડિંગ' માટે પ્લેટિનમ રેટિંગ મળ્યું છે. આ ભવ્ય ઈમારત દિવ્યાંગો માટે અનુકૂળ છે. તેમાં પહોંચવાનું બધાને સરળ બને એવી વ્યવસ્થા રાખવામાં આવી છે.

સવારે 7.15 વાગે મોદી પૂજા કરશે

આવતી કાલનાં ઉદ્ઘાટનનાં કાર્યક્રમ ઉપર નજર કરવામાં આવે તો સવારે 7.1પ કલાકે પીએમ મોદી પૂજા માટે પહોંચી જશે. 7.30 કલાકે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે પંડાલમાં પૂજા શરૂ થશે. સવારે નવ વાગ્યે લોકસભા ચેમ્બરમાં કાર્યક્રમ થશે અને પછી 9.30 કલાકે સંસદની લોબીમાં પ્રાર્થનાસભા યોજાશે. બપોરે બાર વાગ્યે વડા પ્રધાન સંસદ પહોંચશે અને 12.07 વાગ્યે રાષ્ટ્રગીતથી નવું ભવન ગુંજી ઉઠશે. ત્યારબાદ 12.110 કલાકે રાજ્યસભાનાં ઉપસભાપતિ દ્વારા નવા સંસદમાં સ્વાગત પ્રવચન આપવામાં આવશે. પછી 12.17 વાગ્યે સંસદ ઉપર બનેલી બે ફિલ્મો પ્રદર્શિત કરાશે. ત્યાર પછીનાં ક્રમમાં 12.29 કલાકે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો સંદેશ અને પછી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો સંદેશો વાંચવામાં આવશે. 12.43 વાગ્યે લોકસભા સ્પીકર ઓમ બિરલા ભાષણ કરશે અને એક વાગ્યે વડા પ્રધાન મોદી આ ઐતિહાસિક અવસરની યાદગીરીમાં 75 રૂપિયાનો ખાસ સિક્કો અને સ્ટેમ્પ જારી કરશે. ત્યારબાદ વડા પ્રધાન મોદી સંબોધન કરશે અને આખરે લોકસભા સચિવ જનરલ દ્વારા ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરાશે. 

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.