પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી વિપક્ષી રાજકારણ વેરવિખેર થઈ રહ્યું હોય એવી સ્થિતિ છે. ચૂંટણીમાં હાર-જીત સ્વાભાવિક હોય અને સ્વીકાર્ય હોવી જોઈએ. પણ વિપક્ષોની એકતામાં મોટું ભંગાણ પડયું છે. કૉંગ્રેસની આગેવાની હેઠળ `ઇન્ડિ-મોરચો' ઊભો થયો હતો પણ આ `માંચડા'ના પાયા હચમચી ગયા છે. હવે તેને સ્થિર કરવાના - અને એકતા બતાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તે કેવા સફળ થશે તે જોવાનું છે. અલબત્ત, વિપક્ષી એકતાની કસોટી 2029માં થશે અને ત્યાં સુધી સૌને ભેગા રાખવાનો સમય રાહુલ ગાંધીને મળશે પણ તે પહેલાં સંસદની કાર્યવાહીમાં ભાજપ-એનડીએનું સંખ્યાબળ લગભગ બહુમતીમાં હશે અને મહિલા આરક્ષણ તથા સંસદીય બેઠકોના સીમાંકનને લગતા ખરડા પસાર થઈ શકે છે - જેનો પૂરો લાભ ભાજપ-એનડીએને ચૂંટણીમાં મળશે. ટૂંકમાં - કૉંગ્રેસનો ઇન્ડિ મોરચો મોદી સરકારના વિરોધમાં આંદોલનો કરશે ત્યારે ભાજપ-એનડીએ અર્થતંત્ર અને રાજતંત્રમાં સુધારા કરીને વધુ લોકપ્રિયતા અંકે કરશે. અત્યારની રાજકીય સ્થિતિ હવે 2029માં બદલાશે, ત્યાં સુધી અરાજકતા અને સ્થિરતા વચ્ચે ઘર્ષણ ચાલ્યા કરશે.
વિપક્ષની છાવણીમાં ઊથલપાથલની
શરૂઆત તામિલનાડુથી થઈ. ડીએમકેનો પરાભવ દેખાયા પછી કૉંગ્રેસ - રાહુલ ગાંધીએ રાતોરાત
- ઓવરનાઇટ, ડીએમકેનો સાથ છોડીને અભિનેતામાંથી નેતા બનેલા જોસેફ વિજયન સાથે સમજૂતી કરી
લીધી. આ મૈત્રી કરાર - લીવ ઇન રિલેશનશિપ - માત્ર રાજ્ય સરકારમાં સત્તાની ભાગીદારી પૂરતી
નથી. રાહુલ ગાંધીની નજર માત્ર લોકસભા ઉપર છે. તામિલનાડુમાં જોસેફ વિજયનના નામની બોલબાલા
છે, એમના નામે વોટ પડે છે તેથી કૉંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો મળશે - એવી
ગણતરી મુખ્ય છે.
રાહુલ ગાંધીએ આ મહત્ત્વનો
નિર્ણય લેવા પહેલાં ઇન્ડિ મોરચાના કોઈ નેતાને વિશ્વાસમાં લીધા નહીં. અલબત્ત, આ નિર્ણય
કૉંગ્રેસનો, કૉંગ્રેસ માટે જ છે તે વાત સાચી, પણ ઇન્ડિ મોરચાના એક મજબૂત પાયાને તોડવામાં
આવ્યો તેની અવળી અસર વિપક્ષી મોરચા ઉપર, તેની શક્તિ ઉપર પડી છે! આ ઘટનામાં નોંધપાત્ર
બાબત એ છે કે ડીએમકેનો સર્વોચ્ચ નેતા - પૂર્વ મુખ્ય પ્રધાન એમકે સ્ટાલીને કૉંગ્રેસ
સાથેના સંબંધ કાપી નાખ્યા છે. લોકસભામાં તેમના સભ્યોએ કૉંગ્રેસથી દૂરની બેઠકો માગી,
મેળવી છે!
મમતા બેનરજીના પરાભવ
પછી - એમની વિનંતી સ્વીકારીને ઇન્ડિ મોરચાની બેઠક બોલાવાઈ તેમાં 23 વિપક્ષોની હાજરી
હતી. ડીએમકે અને `આપ' ગેરહાજર - રાહુલ ગાંધીના નવા મિત્ર - જોસેફ વિજયન પણ હાજર ન હતા.
એમને મોરચામાં જોડાવાનું આમંત્રણ અપાયું હતું કે નહીં તે બાબત કોઈ સ્પષ્ટતા નથી. આ
સમય ગાળામાં મુખ્ય પ્રધાન વિજયન નવી દિલ્હી આવ્યા અને વડા પ્રધાનની શુભેચ્છા મુલાકાત
લીધી અને પછી સોનિયાજીને પણ મળ્યા હતા.
ઇન્ડિ મોરચાની બેઠકમાં
ડીએમકેની `બાદબાકી' અને બહિષ્કારની ચર્ચા થઈ અને રાહુલ ગાંધીની ટીકા પણ થઈ. ડીએમકેને
મનાવી લેવાનું સૂચન થયું પણ આવી શક્યતા દેખાતી નથી. અન્ય ભાગીદાર પક્ષો - રાષ્ટ્રીય
જનતા દળના તેજસ્વી યાદવ અને સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ રાહુલ ગાંધીની ટીકામાં જોડાયા.
ડાબેરી નેતાઓ અને રાહુલ ગાંધી વચ્ચે ટપાટપી થઈ. ચૂંટણી પ્રચારમાં રાહુલ ગાંધીએ રાજ્યમાં
ડાબેરી મોરચા વિરુદ્ધ પ્રચાર કરીને મુખ્ય પ્રધાન ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા.
તે બદલ સખત નારાજી વ્યક્ત થઈ.
હકીકતમાં ઇન્ડિ મોરચાના
અન્ય - નાના-મોટા પક્ષોને કૉંગ્રેસમાં વિશ્વાસ રહ્યો નથી. ગમે તેનો ભોગ લઈ શકાય. વારો
આવી શકે એવી શંકા વ્યક્ત થાય છે છતાં સૌ સ્વીકારે છે કે કૉંગ્રેસના કારણે સૌ ભેગા થાય
છે! તેના વિના એકતા શક્ય નથી.
તામિલનાડુ પછી પશ્ચિમ
બંગાળમાં પણ મોટાં ગાબડાં પડયાં છે. લોકસભા અને રાજ્યસભામાં પણ આમ આદમી પાર્ટી પછી
ડીએમકે અને તૃણમૂલ કૉંગ્રેસમાં મોટાં ભંગાણ પડયાં છે. આ તમામ સભ્યો ભાજપ-એનડીએમાં હજુ
જોડાયા નથી પણ સરકારને ટેકો આપવા તૈયાર છે. તૃણમૂલ કૉંગ્રેસના ભંગાણ પછી 28માંથી
20 સભ્યો હવે ચૂંટણી પંચને અરજી કરીને પક્ષના નામ અને નિશાન ઉપર દાવો કરીને - શિવસેનાની
જેમ માન્યતા, સ્થાન મેળવવા માગે છે.
એક વાત મહત્ત્વની છે
કે બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસે સત્તા ગુમાવી છે પણ તેના નામ ઉપર 80 સભ્યો વિધાનસભામાં
ચૂંટાયા છે તે ભુલાય નહીં. રાજ્યમાં લગભગ 41 ટકા વોટ મળ્યા છે તે નાનીસૂની સંખ્યા નથી.
તેથી કૉંગ્રેસને હજુ આશા છે કે લોકસભામાં કામ આવશે.
લોકસભાની ચૂંટણી
2029માં થશે પણ તે પહેલાં સંસદમાં સંખ્યાબળ બદલાયાં છે. તૃણમૂલના વીસ સભ્યો ઉપરાંત
લોકસભામાં ડીએમકેના 22 સભ્યો છે `આપ'ના સાત મળીને એનડીએની સંખ્યા વધીને 313 થાય છે.
રાજ્યસભામાં પણ આરામદાયક બહુમતી થાય છે. તેથી મહત્ત્વના ઠરાવ આસાનીથી મંજૂર થઈ શકશે.
વર્ષાસત્રમાં મહિલા આરક્ષણ અને લોકસભાની બેઠક સંખ્યા 530થી વધારીને 830 કરવા માટે ઠરાવને
મંજૂરી મળશે એવી ગણતરી છે.
એનડીએની સામે ઇન્ડિ બ્લૉકની
સંખ્યા લોકસભામાં 200થી પણ ઘટી રહી છે. આ સંજોગોમાં મોરચાના ભાગીદાર પક્ષો ચિંતિત છે.
ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ, કેરલમ, કર્ણાટક અને તેલંગણા
દક્ષિણમાં બચ્યાં છે ત્યારે આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હશે ત્યારે ઇન્ડિ મોરચો
અકબંધ રહેશે? હવે નવો વિચાર અને વ્યૂહ વાયરલ થયા છે કે મમતા બેનરજી - એમના તૃણમૂલ કૉંગ્રેસ
પક્ષને માતૃ સંસ્થા કૉંગ્રેસમાં વિલીન કરે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના શરદ પવારે કૉંગ્રેસના
એકીકરણની શરૂઆત કરવી જોઈએ એવી માગણી છે. અલબત્ત, આ પ્રક્રિયામાં `જૂના-નવાનો' ગજગ્રાહ
કેવી રીતે શાંત થશે? રાહુલ ગાંધીને વિધિસર વડા પ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાનું સૂચન
પણ છે જેથી 1969 પહેલાંની કૉંગ્રેસ બની શકે!