• રવિવાર, 01 માર્ચ, 2026

શાંતિ અને સલામતી માટે નવાં સંગઠન

ભારત, ઇઝરાયલ, ગ્રીસ, સાયપ્રસ અને કેટલાક આરબ દેશોનું ગ્રુપ બન્યું છે. ભારત મધ્યપૂર્વનો ઇકોનોમિક કોરિડોર બનાવશે. સલામતી ઉપરાંત વ્યાપાર - વિકાસ પણ થશે. પાકિસ્તાની આતંકવાદ અને ચીનની સહાયથી આક્રમણ કરવાની પેરવી સામે ભારતે મજબૂત પાળ બાંધી છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ અૉર્ગેનાઇઝેશન, ટ્રેડ અૉર્ગેનાઇઝેશન ઠઝઘ - જેવી વૈશ્વિક સંસ્થાઓ નિક્રિય અને નબળી બનાવી દીધી છે. યુનાઇટેડ નેશન્સને પણ નબળું બનાવીને આપખુદી ચલાવી રહ્યા છે. વિશ્વનો નક્શો જાણે બદલવા માગે છે. `માઇટ ઇઝ રાઇટ' - જીસકી લાઠી ઉસકી ભૈંસ જેવો ઘાટ છે. શાંતિ અને સંવાદ એક માત્ર માર્ગ વિશ્વ સમક્ષ છે. અત્યારે પશ્ચિમ એશિયામાં સ્ફોટક સ્થિતિ છે ત્યારે પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા સાથે ભારતની સલામતી સંકળાયેલી છે તેથી ઇઝરાયલ અને યુએઈ સાથે હાલ મિલાવ્યા છે.

ભારતે દાયકાઓથી ઈરાન અને પર્સિયા વચ્ચે, શીયા-સુન્ની વચ્ચે તથા ઈરાન અને ઇઝરાયલ તથા સાઉદી અરેબિયા વચ્ચે સમતુલા જાળવી છે પણ હવે સમય - સંજોગ અનુસાર સુધારા થઈ રહ્યા છે. પાકિસ્તાની આતંકનો જવાબ આપવા ભારતે પગલાં ભર્યાં ત્યારે ચીને પાકિસ્તાનને મદદ કરી - તુર્કી પણ તેની સાથે જોડાયું અને ટ્રમ્પે તો છડેચોક મુનીરને થાબડયા અને ટ્રમ્પની સૂચના મુજબ સાઉદીએ પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર કર્યા. ઇઝરાયલે - કદાચ ભૂલથી - કતાર ઉપર હુમલો કર્યો તેથી સાઉદીએ ભારતના વિરોધમાં પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યા છે. હકીકતમાં સાઉદી સાથે આપણા સંબંધ ઘણા સારા રહ્યા છે, પણ પાકિસ્તાનનાં અણુશત્રો માટે નાણાં સાઉદી પૂરાં પાડે છે.

આ દરમિયાન સુદાન અને યમનના પ્રશ્ને સાઉદીના સંબંધ યુએઈ સાથે વણસ્યા. યુએઈના શાસકે ભારતની મુલાકાત લીધી અને સંરક્ષણ સમજૂતી થઈ છે. અત્યારે ઇન્ડિયા, ઇઝરાયલ અને યુએઈનો નવો `મોરચો' છે. અમેરિકા અને ચીન બંને પોતાના વ્યૂહ અજમાવી રહ્યા છે ત્યારે પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે ભારત સક્રિય છે. ભારતે યુએઈ અને ઇઝરાયલ સાથે સંબંધ વધુ ગાઢ બનાવ્યા છે. દ્વિપક્ષી કરારથી આગળ વધી રહ્યા છે. સાઉદી અરેબિયાને સ્પષ્ટ સંદેશ છે કે પાકિસ્તાનને અંકુશમાં રાખવાનો અને ચીનની વગ વધે નહીં તે જોવાનો અમારો નિરધાર છે.

વડા પ્રધાન મોદીએ ઇઝરાયલની બે દિવસની મુલાકાતમાં ઘણા મહત્ત્વના કરાર કર્યા છે. સંરક્ષણ, સ્પેસ, ટેક્નૉલૉજી વગેરે. નોંધપાત્ર છે કે ભારતે 2014થી 2024ના ગાળામાં સંરક્ષણ જરૂરિયાતોના 38 ટકા શત્ર સામાન આયાત - ઇઝરાયલથી ખરીદ કર્યો છે.

ભારત, ઇઝરાયલ, ગ્રીસ, સાયપ્રસ અને કેટલાક આરબ દેશોનું ગ્રુપ બન્યું છે. ભારત મધ્યપૂર્વનો ઇકોનોમિક કોરિડોર બનાવશે. સલામતી ઉપરાંત વ્યાપાર - વિકાસ પણ થશે. પાકિસ્તાની આતંકવાદ અને ચીનની સહાયથી આક્રમણ કરવાની પેરવી સામે ભારતે મજબૂત પાળ બાંધી છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને `ફરીથી મહાન' બનાવવા માટે ટેરિફ આક્રમણ શરૂ કર્યું. યુક્રેન ઉપર રશિયન આક્રમણ બંધ કરાવવા રશિયન ક્રૂડતેલની ખરીદી બંધ કરવા ભારત ઉપર દબાણ શરૂ કર્યું. આ દરમિયાન ઈરાનમાં સત્તાપલટો કરાવવા અને અણુશક્તિનો વ્યાપ બંધ કરાવવા માટે આક્રમણ તોળાઈ રહ્યું છે. વિશ્વશાંતિ ઉપર ગંભીર જોખમ છે - તેની શરૂઆત `હમાસ' દ્વારા ઇઝરાયલ ઉપર અચાનક આતંકી આક્રમણ કરીને નાગરિકોની કત્લેઆમ પછી થઈ છે. ઇઝરાયલે આતંકનો જબરદસ્ત જવાબ આપ્યો અને અમેરિકાએ પણ ધાક-ધમકી શરૂ કરી. આ સંજોગોમાં ભારતે આપત્તિને અવસર બનાવીને વિશ્વમાં નવા સંબંધ - શરૂ કર્યા. વ્યાપાર - ક્ષેત્રે તો નવી દિશાઓ ખોલી અને આતંકવાદને ખતમ કરવા માટે આગેવાની લીધી. વિશ્વમાં ભૌગોલિક રાજકારણ બદલાઈ રહ્યું છે તેમાં ભારત અને ઇઝરાયલ અગ્રણી ભાગ ભજવે છે. આતંકવાદ બાબત બેવડાં ધોરણ નહીં ચલાવી લેવાય અને સંગ્રામ પહેલાં સંવાદનું મહત્ત્વ શાંતિ અને સલામતી માટે નવાં સંગઠન અને સંબંધ વિકસી રહ્યાં છે.

આતંકવાદ અને ડાબેરી - માઓવાદી અંતિમવાદનો પ્રતિકાર થઈ શકે છે, થઈ રહ્યો છે. ભારતીય સેના - સુરક્ષા દળો સક્ષમ છે. હિંસા અને અહિંસા બંને ઉપાય અજમાવાયા છે પણ આતંકવિરોધી સાવધાનીમાં પણ ભારતે પહેલ કરી છે. અૉપરેશન સિંદૂર પછી સંસદીય પ્રતિનિધિમંડળો વિદેશોમાં મોકલીને ભૂમિકા તૈયાર કરી. આ પછી હવે લોકસભાના સ્પીકરે વિશ્વના 64 જેટલા દેશો સાથે `મૈત્રી ગ્રુપ' બનાવ્યાં છે. સંસદનાં બંને ગૃહોના અગિયાર સભ્યોનું એક એવા ગ્રુપ બનાવ્યાં છે. આ સભ્યો વિદેશોમાં સંપર્ક સાધીને વિશ્વની સમસ્યાઓ બાબત વિચાર વિનિમય કરશે. ભારતનાં દૃષ્ટિબિંદુ સમજાવશે. આતંકવાદ પ્રથમ વિષય છે તે પછી શાંતિ અને વિકાસ ઉપર ભાર મુકાશે. `િવશ્વગુરુ' કહો કે ના કહો - પણ આ દિશામાં આવો પ્રયાસ - વસુધૈવ કુટુમ્બકમ્ - કરનાર ભારત પ્રથમ દેશ છે.

આ અગાઉ અમેરિકા, યુકે, રશિયા, જર્મની, ફ્રાન્સ, ઇઝરાયલ તથા ઈરાન સાથે આવાં મૈત્રીજૂથ બનાવાયાં છે. આપણો આશય શાંતિ સામેના ખતરા ઊગતા ડામવાનો છે. રાષ્ટ્રહિત માટે ડિપ્લોમસીનો માર્ગ શ્રેષ્ઠ છે. યુક્રેનના સમાધાન માટે પણ ભારતે સંગ્રામ પહેલાં સંવાદની હિમાયત કરી છે.

ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળોની આગેવાની વિપક્ષી નેતાઓને પણ સોંપવામાં આવી છે. શશી થરૂર, પી. ચિદમ્બરમ્, કે. સી. વેણુગોપાલન, મનીષ તિવારી, ડીએમકેના કે. કનીમોઝી, અખિલેશ યાદવ, `આપ'ના સંજયસિંહ તથા ઓવૈસીનો સમાવેશ થાય છે. પ્રિયંકા વડરા ગાંધી અખિલેશ યાદવના ગ્રુપમાં નિમાયાં છે!

દરમિયાન કેન્દ્ર સરકારે આતંકવાદ વિરોધી નીતિ `પ્રહાર' જાહેર કરી છે. આ નીતિ સાથે વ્યૂહ - સ્ટ્રેટેજી છે. અત્યાર સુધી આતંકવાદનો શિકાર આપણે એકલા જ હતા અને વિશ્વના દેશો માત્ર નિવેદનો બહાર પાડીને સહાનુભૂતિ વ્યક્ત કરતા હતા. સિંદૂર અૉપરેશન પછી ભારતે વિશ્વના અગ્રણી દેશોમાં ભારતીય સંસદસભ્યોનાં પ્રતિનિધિમંડળો મોકલી અસરકારક રજૂઆત કરીને દુનિયાને જગાડી છે. સાવધાન કર્યા પછી સૌનો સાથ-સહકાર મેળવવાના પ્રયાસ શરૂ થયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વૉર શરૂ કર્યા પછી વિશ્વમાં એકમાત્ર મહાસત્તા અને પોતે મહાનાયક હોવાનું બતાવી રહ્યા છે ત્યારથી વિશ્વનું ભૌગોલિક રાજકારણ પલટાઈ ગયું છે. વ્યાપાર ટેરિફના માર્ગ પછી હવે સશત્ર આક્રમણના માર્ગે છે. ભારતે વ્યાપાર માટે વિકલ્પ શોધી લીધા. અનેક દેશો સાથે દ્વિપક્ષી કરાર કરી લીધા છે પણ ટ્રમ્પે શાંતિ પુરસ્કાર મળવાની આશાએ પાકિસ્તાનના લશ્કરી - ફિલ્ડ માર્શલ મુનીરને મદદ કરીને ભારત સામે પડકાર ઊભો કર્યો પણ અત્યારે પાકિસ્તાનની દશા છે - અફઘાન અને પઠાણ કોમે આંતરવિગ્રહ શરૂ કર્યો છે : પણ પાકિસ્તાનમાં લોકશાહી અને લોકોને બચાવવાની ચિંતા ટ્રમ્પને નથી! મુનીર તો બાંગ્લાદેશને ઉશ્કેરીને ભારત સામે બદલો લેવા માગે છે પણ તેની બાજી ઊંધી વળી છે. બાંગ્લાદેશ ભારત સાથે સંબંધ સુધારવા માગે છે. શ્રીલંકા પણ ભારત સાથે મૈત્રીસંબંધ રાખવા માગે છે : પણ પાકિસ્તાન સામે ભારત સાવધાન છે. વિશ્વના 64 દેશો સાથે મૈત્રી જૂથના વ્યૂહ પાકિસ્તાનને `વૉર્નિંગ' છે.