રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને કમિશનર સામે `ઍટમ બૉમ્બ' ફોડવાની જાહેરાત કરી હતી પણ ફિયાસ્કો થયો! આ પહેલાં સંવિધાનની નકલ હાથમાં લઈને સંવિધાન, શાસન તંત્ર, ચૂંટણી પંચ અને સરકારી તપાસ સંસ્થાઓ તથા મીડિયા પણ મોદી ભક્ત અથવા ગુલામ હોવાના આક્ષેપ કર્યા પણ ચૂંટણીમાં ફાવ્યા નહીં - આ પછી એમના નિશાન ઉપર સંસદ છે
લોકસભાના સ્પીકર ઓમ બિરલા સંસદીય કાર્યવાહીમાં
પક્ષપાત કરે છે અને શાસક પક્ષની તરફેણમાં નિર્ણય લઈ રહ્યા છે એવી ફરિયાદ - આક્ષેપના
આધારે એમનામાં અવિશ્વાસ દર્શાવતો ઠરાવ લોકસભામાં ચર્ચાયો અને નામંજૂર થયા પછી હવે ચૂંટણી
પંચના વડા - મુખ્ય કમિશનર સામે મહાભિયોગ - એમને પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવાનો
પ્રસ્તાવ લોકસભામાં રજૂ થયો છે. વિપક્ષી નેતાઓ જાણે છે કે એમનો આ પ્રસ્તાવ પણ નામંજૂર
થશે, ઊડી જશે તો પણ તેઓ શા માટે આક્રમક બની રહ્યા છે? વિપક્ષી નેતાઓ જાણે છે કે વારંવાર
ચૂંટણી થઈ તેમાં તેઓ જનતાનો વિશ્વાસ જીતી શક્યા નથી છતાં મોદી સરકાર સામે અવિશ્વાસ
વ્યક્ત કરીને એમને હટાવવાના પ્રયાસ કરી રહ્યા છે! લોકસભાના સ્પીકર સામે ઠરાવ પસાર થાય
કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે થાય - તો તે સરકારનો પરાજય ગણાય અને રાજીનામાંની માગણી
થાય. રાજીનામું આપવું પડે. આમ વિપક્ષની નજર અને લક્ષ્ય વડા પ્રધાન મોદી ઉપર જ છે!
સ્પીકર સામેનો અવિશ્વાસ ઠરાવ ઊડી જશે એ
બાબત શંકા ન હતી. શાસક પક્ષો પાસે સંખ્યાબળ છે તેથી ઠરાવ પસાર થવાની આશા જ નહોતી તેથી
જ વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિધિસર ચર્ચામાં ભાગ લીધો નહીં અને મતદાન વખતે અખિલેશ
યાદવ પણ હાજર રહ્યા નહીં. વિપક્ષી સભ્યોએ ધાંધલ કરી તેથી વિધિસર મતદાનને બદલે ધ્વનિમતથી
ઠરાવ નામંજૂર થયો! કૉંગ્રેસની ગણતરી હતી કે ભલે ઠરાવ મંજૂર થાય નહીં - છતાં ચર્ચામાં
સરકાર ઉપર પ્રહાર તો કરી શકાશે. વિપક્ષ કહી શકે `ટાઇગર અભી ઝિંદા હૈ!' વિપક્ષી એકતા
અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીનો `પ્રભાવ' બતાવી શકાય. ઠરાવ ભલે ઓમ બિરલા સામે હોય,
નિશાના ઉપર મોદી જ હોય!
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને કમિશનર સામે
`ઍટમ બૉમ્બ' ફોડવાની જાહેરાત કરી હતી પણ ફિયાસ્કો થયો! આ પહેલાં સંવિધાનની નકલ હાથમાં
લઈને સંવિધાન, શાસન તંત્ર, ચૂંટણી પંચ અને સરકારી તપાસ સંસ્થાઓ તથા મીડિયા પણ મોદી
ભક્ત અથવા ગુલામ હોવાના આક્ષેપ કર્યા પણ ચૂંટણીમાં ફાવ્યા નહીં - આ પછી એમના નિશાન
ઉપર સંસદ છે. સ્પીકર ઉપર અવિશ્વાસમાં નિષ્ફળ ગયા પણ ચર્ચાના કેન્દ્રમાં વડા પ્રધાન!
ટ્રમ્પે રશિયન તેલ ખરીદવાની છૂટ કેવી રીતે આપી? મોદીએ શરણાગતિ સ્વીકારી?! હવે ફરી ફરીને
પાછા મુખ્ય ચૂંટણી કમિશનર ઉપર આવ્યા છે! ચૂંટણીમાં પરાજય બદલ રાહુલજી નહીં, ચૂંટણી
કમિશનર જવાબદાર છે એવો સંદેશો જનતાને આપવો છે. કૉંગ્રેસ કાર્યકરો અને વિપક્ષી ભાગીદારોને
પણ ખાતરી કરાવવી છે!
ભારતીય ચૂંટણી અને સંસદના ઈતિહાસમાં આ
પ્રથમ વખત મુખ્ય ચૂંટણી કમિશનરને પદભ્રષ્ટ કરવા માટે વિરોધપક્ષોએ ઠરાવ રજૂ કર્યો છે.
લોકસભાના સ્પીકર સામે પક્ષપાતનો આક્ષેપ અને અવિશ્વાસનો ઠરાવ હતો. ચૂંટણી કમિશનર ઉપર
પણ પક્ષપાત સહિત આક્ષેપો મૂકીને મહાભિયોગ - પદ ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ છે. પ્રસ્તાવ
આખરી તબક્કામાં નામંજૂર થશે પણ ચર્ચા થાય ત્યારે ચૂંટણી પંચ અને વડા પ્રધાન ઉપર આક્ષેપો
તો થશે.
ભૂતકાળમાં વર્ષ- 1991માં ચૂંટણી કમિશનર
ટી એન શેષન અને 2006માં નવીન ચાવલા ઉપર સંસદમાં વિરોધ પક્ષોએ પસ્તાળ પાડી હતી પણ આ
વખતે મર્યાદા ઓળંગીને પ્રસ્તાવ લાવી રહ્યા છે. જનતાનો વિશ્વાસ મેળવી શક્યા નહીં તેથી
હવે સંવિધાનની લોકતાંત્રિક સંસ્થાઓ અને સરકાર સામે અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર સામેના `આક્રમણ'માં
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની આગેવાની છે. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીઓની
ફેરતપાસ - ચકાસણીમાં ઘણી મોટી સંખ્યામાં નામ પકડાયાં અને રદ કરવામાં આવ્યાં તેથી મમતા
ધૂંધવાઈ રહ્યાં છે. સુધારેલી યાદીના આધારે એમને બહુમતી મળવાની આશા દેખાતી નથી. સુપ્રીમ
કોર્ટે એમની કેટલીક ફરિયાદ સ્વીકારીને પંચને સૂચના આપી હતી પણ મમતાજીએ કેન્દ્ર સરકાર
સામે જંગ છેડયો છે. એમના માટે તો રાજકીય ભવિષ્યનો સવાલ છે.
અત્યારે સંસદમાં ચાલતા વિવાદ અને સત્તાના
સંગ્રામમાં રાજકીય શતરંજ છે. સ્પીકર સામેના ઠરાવમાં મમતાનો સહકાર મેળવાયો અને હવે ચૂંટણી
કમિશનર સામે `ઇન્ડિ' મોરચાને મમતાજીનો ટેકો મળ્યો છે!
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ - ઈમ્પિચમેન્ટની
કાર્યવાહી આસાન નથી. સુપ્રીમ કોર્ટના કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ સામે કામ ચલાવવાની જે પ્રક્રિયા
છે તે અહીં લાગુ પડે છે અને તેનો પ્રબંધ સંવિધાનમાં છે.
વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક
15મી માર્ચ 2024માં થઈ છે અને 19મી ફેબ્રુઆરી 2025ના રોજ એમણે કાર્યભાર સંભાળ્યો છે.
2029ના જાન્યુઆરી સુધી તેઓ જવાબદારી સંભાળશે પણ એમને દૂર કરવાની કાર્યવાહી મમતા બેનરજીએ
શરૂ કરી છે. ચૂંટણીમાં મતદારોની યાદીમાં જે કાપકૂપ થઈ ગેરકાયદે મતદાર બની બેઠેલા `ઘર
જમાઈઓ'નાં નામ રદ કરવામાં આવ્યાં તે સામે વિરોધ છે.
ભારતીય સંવિધાન - રાજ્ય બંધારણની કલમ
324 (5) અનુસાર સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને હટાવવા માટે જે જોગવાઈઓ છે તે લાગુ પડે
છે. સૌપ્રથમ તો લોકસભાના 120 અને રાજ્યસભા 50 સભ્યોએ નોટિસ ઉપર સહી કરી હોવી જોઇએ.
આ નોટિસમાં વિપક્ષોએ સાત મુખ્ય આક્ષેપ કર્યા છે જેમાં સ્પષ્ટ ભેદભાવ રખાયા હોવાનો અને
રાજ્ય સરકારની કામગીરીમાં દખલ કરાતો હોવાનો આક્ષેપ મુખ્ય છે. આવી નોટિસ મળ્યા પછી સ્પીકર
- અથવા રાજ્યસભાના અધ્યક્ષ નક્કી કરે કે નોટિસ સ્વીકારવી કે નહીં. સ્વીકાર્યા, દાખલ
થયા પછી સ્પીકર ત્રણ સભ્યોની વિશેષ તપાસ સમિતિ નીચે તેમાં સુપ્રીમ કોર્ટના એક જજ, કોઈ
પણ હાઈ કોર્ટના એક ચીફ જસ્ટિસ અને એક કાયદાનિષ્ણાતનો સમાવેશ થાય છે. ફરિયાદો - આક્ષેપોની
તપાસ કરીને અહેવાલ આપે તે લોકસભા / રાજ્યસભામાં સુપ્રત થાય, ચર્ચા થાય અને પછી રાષ્ટ્રપતિજીને
અહેવાલ મોકલી આપવામાં આવે.
આમ આ પ્રક્રિયા લાંબી છે અને સાવધાની અનિવાર્ય
છે. રાષ્ટ્રપતિને મોકલતા પહેલાં ગૃહમાં હાજર રહેલા સભ્યોમાંથી બે તૃતિયાંશ સભ્યોનું
સમર્થન મળે તો જ ઠરાવ પસાર થયો ગણાય.
આ પ્રક્રિયા શરૂ થયા પછી મહિનાઓ નીકળી
જાય અને ત્યાં સુધીમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડ્ડુચેરીમાં ચૂંટણી
પ્રક્રિયા પૂરી થઈ હશે. મુખ્ય ચૂંટણી કમિશનર આ રાજ્યોમાં ચૂંટણીની તારીખ - કાર્યક્રમ
જાહેર કરે, આચારસંહિતા લાગુ પડે તે પહેલાં - સમય જોઈને સંસદમાં મહાભિયોગની નોટિસ આપવામાં
આવી છે! મમતા બેનરજી સાથે કૉંગ્રેસ અને અન્ય પક્ષો જોડાયા છે પણ બીજુ જનતા દળ, બીઆરએસ
અને વાયએસઆર કૉંગ્રેસ અલગ રહ્યા છે. આમ આદમી પાર્ટીના સભ્યોમાં મતભેદ છે. તમામ સભ્યોએ
ટેકો આપ્યો નથી અને ઓવૈસીનો સંપર્ક - સમર્થન માગવામાં આવ્યું નથી.
પણ વિપક્ષો - રાહુલ ગાંધી હોય કે મમતા
બેનરજીને વિપક્ષી એકતા બતાવ્યાનો અને મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત મોદી સરકાર ઉપર આક્રમક
પ્રહાર કર્યાનો સંતોષ મળશે પણ આ રીતે જનતાનો વિશ્વાસ મેળવી શકશે? સંસદીય લોકશાહીના
સ્તંભો ઉપર આક્ષેપોનો કાદવ ઉછાળવાનું વિપક્ષો ટાળી શક્યા હોત, ટીકા કરો, ભૂલ બતાવો,
કાન પકડો પણ નાક અને મસ્તક કાપવાના પ્રયાસ - નિષ્ફળ હોય તો પણ સંસદીય લોકશાહી માટે
લાંછનરૂપ છે. જનતાએ વિરોધપક્ષોમાં અવિશ્વાસ દર્શાવ્યા પછી વિરોધપક્ષો લોકતંત્ર અને
સરકારમાં અવિશ્વાસ પ્રદર્શિત કરવા માગે છે!