• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સર્વોપરી કોણ : સંસદ કે સુપ્રીમ કોર્ટ?

દિલ્હી હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ બૂઝાવવા ગયેલા ફાયર બ્રિગેડને 500 રૂપિયાની ચલણી નોટો અર્ધબળેલી હાલતમાં મળી અને કોથળાઓમાં પણ નોટોના ઢગલા મળ્યા તે નાણાં ક્યાંથી આવ્યાં તેની તપાસ સુપ્રીમ કોર્ટે નીમેલી ત્રણ જજોની સમિતિ કરી રહી છે અને જસ્ટિસ વર્માને એમની મૂળ-અલાહાબાદ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં  આવ્યા છે ત્યારે ત્યાંના વકીલોએ વર્માનો બહિષ્કાર કરીને હડતાળ શરૂ કરી છે. ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના પ્રશ્ન ઉપરાંત હવે સંસદ અને સુપ્રીમ કોર્ટ - બંનેમાં સુપ્રીમ - સર્વોપરી કોણ?ની ચર્ચા - વિવાદ શરૂ થયો છે. પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ કમિટેડ - સરકારી કંઠી પહેરેલા ન્યાયમૂર્તિઓની શરૂઆત - કરી અને નિષ્ઠાવાન વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને હાંસિયામાં ધકેલીને, ઉપરવટ જઈને જુનિયરને બઢતી આપી ત્યારથી ન્યાયતંત્ર - સુપ્રીમ કોર્ટની પ્રતિષ્ઠાને ગ્રહણ લાગ્યું હતું. ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેશું - એવો આમઆદમીનો વિશ્વાસ ત્યારથી ઘવાયો છે!

રાજકીય પ્રભાવ - દબાણનો વિવાદ - સંસદ અને સુપ્રીમ કોર્ટની સત્તા બાબત પણ વર્ષોથી ચાલે છે. હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની નિમણૂક વિશેષ સમિતિ - કૉલેજિયમ દ્વારા થાય છે પણ 2014માં આ પ્રથા સુધારવા માટે સંસદમાં નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન એક્ટ - સર્વાનુમતે પસાર થયો. સુપ્રીમ કોર્ટે તેને રદ કર્યો. હવે જસ્ટિસ વર્માનો કેસ આવતાં રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ - રાજ્યસભાના અધ્યક્ષે સર્વપક્ષી બેઠક બોલાવીને કહ્યું છે કે જો 2014નો કાનૂન આજે હોત તો સ્થિતિ જુદી હોત. હવે સંસદમાં રાજકીય સહમતી - સર્વસંમતિ થાય છે કે  નહીં તે જોવાનું છે.

જસ્ટિસ વર્માએ સમજીને સમયસર રાજીનામું આપી દેવાની જરૂર હતી. અદાલતમાં એમને કામની ફાળવણી બંધ કરીને અલાહાબાદ ટ્રાન્સફર કરવાની જાહેરાત થઈ અને અન્ય ત્રણ હાઈ કોર્ટોના ન્યાયાધીશોની તપાસ સમિતિ નીમવામાં આવી તે સામે વિવાદ અને વિરોધ છે! ન્યાયાધીશની નિમણૂક અને િશસ્તભંગનો નિર્ણય પણ ન્યાયાધીશો કરે? એમના માટે ન્યાયના ધોરણ અલગ હોય? જજીસ-પ્રોટેક્શન ઍક્ટ 1935 છે અને તે હેઠળ ન્યાયાધીશના પદ ઉપર હોય તે દરમિયાન એમની સામે અન્ય કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. ન્યાયતંત્રની સ્વાયત્તતા જરૂરી છે પણ ન્યાયના ભોગેઆવો અન્યાય થઈ શકે?

કહેવાય છે કે કાયદાના હાથ લાંબા છે - ગમે ત્યાં પહોંચી શકે. પણ ન્યાયતંત્રને લક્ષ્મણ રેખાનું રક્ષણ છે? અલબત્ત કોઈ પણ ન્યાયમૂર્તિને સંસદમાં ઇમ્પીચમેન્ટ - મહાઅભિયોગ ચલાવીને સજા કરી શકાય પણ આ પ્રક્રિયા આસાન નથી. આ માટેના પ્રસ્તાવ ઉપર 50 સભ્યોની સહી હોવી જોઇએ અથવા લોકસભાગૃહના 100 સભ્યોની સહી હોય તે પછી ત્રણ સભ્યો - સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ અને ત્રીજા પ્રખર કાનૂની નિષ્ણાત-ની સમિતિ તપાસ કરીને સંસદને અહેવાલ આપે. બહુમતીથી પસાર થાય તો સજા થાય. ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ઘવાય તેવાં કૃત્ય માટે સજા થઈ શકે.

2014ના કાયદાને સોળ રાજ્યોની વિધાનસભાઓએ સમર્થન આપ્યું હતું અને 15 ડિસેમ્બરે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી. દસ મહિના પછી અૉક્ટો. 2015માં સુપ્રીમ કોર્ટે કાનૂન રદ કર્યો હતો. હવે જસ્ટિસ વર્માના કેસ પછી સંસદમાં આ કાનૂન ફરીથી લાવવાની ચર્ચા થઈ રહી છે તેથી સર્વોપરી કોણ? નો વિવાદ પણ થઈ રહ્યો છે. ન્યાયતંત્રની સ્વાયત્તતા ઉપર સરકારી-રાજકીય તરાપ પડવાની આશંકા રહે છે. અલબત્ત ઇન્દિરા ગાંધીએ કમિટેડ સરકાર - નેતાને વફાદાર ન્યાયતંત્રનો આગ્રહ રાખ્યો હતો અને પ્રયાસ પણ ર્ક્યો હતો. મોરારજીભાઈ દેસાઈની જનતા સરકાર આવ્યા પછી સ્વાયત્ત- (સરકારના અંકુશ વિના-) ન્યાયતંત્રની આશા જાગી હતી. હવે ન્યાયતંત્રની સ્વાયત્તતા જોખમમાં આવી શકે?

વાસ્તવમાં ન્યાયાધીશો અને ન્યાય વચ્ચે લક્ષ્મણરેખા નહીં, પણ ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે લક્ષ્મણરેખા હોવી જોઈએ. ન્યાયતંત્રની એકાઉન્ટેબિલિટી’- હોવી જોઈએ. જો સવાલદારી અને જવાબદારી હોય નહીં તો ન્યાયતંત્રનો અર્થ નથી. આ સાથે ન્યાયતંત્રની નિષ્ઠાને યોગ્ય રક્ષણ પણ અનિવાર્ય છે.

ન્યાયતંત્રની નિષ્ઠા અને પ્રતિષ્ઠાનું પ્રમાણ માત્ર નેતાઓના હાથમાં નહીં - આમઆદમીની નજરમાં હોય છે. આજે આમઆદમી માટે સુપ્રીમ કોર્ટ કરતાં નીચલી અદાલતો વધુ મહત્ત્વની છે. હજ્જારો-લાખ્ખો કેસ તારીખ પે તારીખમાં અટવાયા છે. નીચલી અદાલતોની હાલત જેમણે જોઈ હોય અને ભોગવી હોય એમને પૂછો. હજી પણ જ્યાં કૉમ્પ્યુટર સિસ્ટમ નથી અને બેસવાના બાંકડા (ખુરસી!) પણ નથી. આ હાલત સુધરશે?

ફરિયાદી-અરજદારો પણ જાણે છે કે નાણાં ન્યાય તોળે છે! વકીલોની ફી ઉપરાંત સેટલમેન્ટ નહીં સેટિંગનું મહત્ત્વ સમજાય છે. આ સંદર્ભમાં વર્માનો કેસ જાહેરમાં આવ્યા પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ છે : વકીલોને ફી શા માટે આપવી? જજને જ સાધી લેવા!

વર્ષો પહેલાં પ્રાથમિક શાળાના પાઠÎપુસ્તકમાં એક વાર્તા હતી - ઘણા વરિષ્ઠ વાચકોને યાદ હશે...

એક નાની અદાલતમાં ગરીબ માણસે આજીજી કરી કે સાહેબ મારી પાસે વકીલ નથી, સાક્ષી નથી - મારું ખેતર- ઘર બચાવો... ત્યારે ન્યાયાધીશે કહ્યું - મારી પાસે તારા 100 સાક્ષી છે - એમ કહીને એમણે ટેબલ ઉપર એકસો રૂપિયા ઠાલવ્યા... આ રકમ મને ગઈકાલે જ આપવામાં આવી છે પણ હું આ રૂપિયાને તમારા સાક્ષી ગણું છું - એમ કહીને ચુકાદો આપ્યો.

ન્યાયતંત્ર ઉપર નાણાંનો પ્રભાવ નવો નથી, પણ ન્યાયાધીશો નવાછે!                                                     

ન્યાયતંત્રની નિષ્ઠા અને પ્રતિષ્ઠાનું પ્રમાણ માત્ર નેતાઓના હાથમાં નહીં આમઆદમીની નજરમાં હોય છે. આજે આમઆદમી માટે સુપ્રીમ કોર્ટ કરતાં નીચલી અદાલતો વધુ મહત્ત્વની છે

આપણાં ચૂંટણી વચનો અને રાજકારણમાં નાણાંશાહીની બોલબાલા છે. ભૂતકાળમાં લોકસભામાં કરન્સી નોટોની છોળ ઊડી હતી તે યાદ છે? તપાસ થઈ! કોણ પકડાયું? કોને સજા થઈ? હર્ષદ મહેતાની સૂટકેસ અને નરસિંહ રાવની ઘટના યાદ છે?

લોકસભામાં અવિશ્વાસ ઠરાવની ચર્ચા ચાલતી હતી - (22મી જુલાઈ - મંગળવાર - 2008) ભાજપના ત્રણ નાયબ નેતા વી. કે. (વિજયકુમાર) મલ્હોત્રા ઠરાવ ઉપર બોલી રહ્યા હતા ત્યારે ત્રણ સભ્યો - અશોક આરગણ, ફાગનસિંહ કુલસ્તે અને મહાવીર ભાગોરાએ ઊભા થઈને ચલણી નોટોનાં બંડલ - ઊંચા હાથ કરીને ગૃહમાં બતાવ્યાં ત્યારે ઘડીભર સર્વે સ્તબ્ધ થઈ ગયા. શું ચાલે છે તેનો અંદાજ આવ્યો નહીં. ગૃહમાં સ્પીકર સોમનાથ ચેટરજીની ગેરહાજરીમાં નાયબ સ્પીકર ચરણજિતસિંઘ અટવાલ અધ્યક્ષસ્થાને હતા અને હો-હા મચી ગઈ. ભાજપના સભ્યો ગૃહમાં સ્પીકરના આસન સુધી ધસી આવ્યા - ત્રણે સભ્યો હાથમાં હજાર - હજારની નોટ બતાવીને કાંઈ બોલી રહ્યા હતા, પણ શબ્દો ઘોંઘાટમાં દબાઈ જતા હતા - કેટલાક ગૃહમાં ઉપર પ્રેસ ગેલરીમાં બેઠેલા પત્રકારો પણ વિચારતા હતા કે - આ સભ્યો શું કહેવા માગે છે? એક સભ્યના એક કરોડ? કે એક સભ્યના ત્રણ કરોડ?- કૉંગ્રેસી સભ્યો પણ મેદાનમાં આવી ગયા - કોના પૈસા છે? ભાજપના સભ્યો કહેતા હતા કે કૉંગ્રેસે વોટ માટે નોટનાં બંડલ આપ્યાં છે - પ્રવીણ રાષ્ટ્રપાલ અને લાલસિંહ પણ મેદાનમાં હતા.

લોકસભાના ટેબલ ઉપર ચલણી નોટોના થોકડા પડે - એવું આ પ્રથમ વખત બન્યું. કેટલાક સભ્યો નાણાં વ્યવહારથી અપાત્ર - ગેરલાયક ઠરીને બરતરફ થયા છે, પણ આજનો પ્રસંગ સંસદીય ઈતિહાસનું કલંક ગણાશે.