સોનાર બાંગ્લાના નવસર્જનની આશા?
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા અને હિંસાચાર સામે આપણા
દેશમાં આક્રોશ ભભૂકી ઊઠે તે સ્વાભાવિક છે. દુનિયાના ખૂણેખૂણેથી ભારતીય અને અન્ય મિત્ર
દેશોના ફસાયેલા નાગરિકોને ભારત સરકારે ઉગાર્યા છે તો બાંગ્લાદેશના હિન્દુઓને કેમ બચાવાય
નહીં? એવી ચર્ચા અને માગણી થાય છે પણ આવી ઉતાવળ થાય નહીં. વાસ્તવમાં ભારતની વિદેશ નીતિ
-િડપ્લોમસી - ચાણક્ય નીતિની કસોટી છે. અગ્નિપરીક્ષા જેવી સ્થિતિ છે. જો લશ્કરી પગલાં
ભરવામાં આવે તો લડાઈ થાય. હિન્દુસ્તાનના ભાગલા-1947માં થયા હતા તેવી કત્લેઆમ થાય. પાકિસ્તાન
આવું બને તેની રાહ જુએ છે. મુનીર ટાંગ ઊંચી બતાવવા માગે છે અને ચીનનાં વિમાનો અને શત્રો
ભારત સામે નાકામિયાબ થયાં તે પછી પાકિસ્તાનને લશ્કરી સહાય વધારી છે પણ આ દરમિયાન આશાનાં
કિરણ દેખાયાં છે. બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન ખાલેદા ઝિયાના પુત્ર - જે બીએનપી
- બાંગ્લાદેશ નેશનલ પાર્ટીના - એક્ટિંગ અધ્યક્ષ છે તે તારીક રહમાન સત્તર વર્ષના દેશવટા
પછી લંડનથી સ્વદેશ પાછા ફર્યા છે. એમના પક્ષ ઉપર કોઈ પ્રતિબંધ નથી અને યુનુસ હવે કોઈ
પ્રતિબંધ લાદે એવી શક્યતા દેખાતી નથી. ધર્મઝનૂની જમાત એ ઇસ્લામ સામે બીએનપી લડત આપી
શકે છે. ઢાકા વિમાન મથકે એમને આવકારવા લાખ્ખોની મેદની જામી હતી. તારીક રહમાને જાહેર
ઘોષણા કરી છે કે બાંગ્લાદેશનું નવસર્જન કરવું છે - સૌને સાથે લઈને - અર્થાત્ ધર્મના
ભેદભાવ ભૂલીને. હવે બારમી ફેબ્રુઆરીની ચૂંટણીમાં બીએનપી સરકાર આવે તો ભારત સાથે સંવાદ
અને સહકાર આસાન બનશે. આમાર સોનાર બાંગ્લા ફરીથી બનશે? એક નવી ઘટના છે કે યુનુસની જૂની-વચગાળાની
સરકારે જે હિન્દુ યુવકની હત્યા થઈ તેને વખોડી છે છતાં હિન્દુ યુવક ત્રાસવાદી હતો એમ
કહ્યું છે.
બીજું આપણે એ પણ જોયું છે કે અમેરિકાએ હંમેશાં પાકિસ્તાનને
મદદ કરી છે. બાંગ્લાદેશની લડાઈ વખતે સાતમા કાફલાનું કલંક અમેરિકાને હજુ ખૂંચતું હશે.
હિન્દુઓ ઉપરના અત્યાચારનો સ્પષ્ટ વિરોધ અમેરિકા અને યુરોપના દેશોએ પણ કર્યો નથી.
1971માં એકમાત્ર સોવિયેત સંઘે ભારતને ટેકો આપ્યો અને આપણે વીસ વર્ષના મૈત્રી કરાર કર્યા!
હવે લશ્કરી વિકલ્પ આસાન નથી. પચાસ વર્ષ અગાઉ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભારત
- ઇન્દિરા ગાંધીએ ભારતીય સેના મોકલી હતી અને વિપક્ષોએ પૂરો સહકાર આપ્યો હતો. અટલ બિહારી
વાયપેયીજીએ ઇન્દિરાજીને દુર્ગામાતા કહીને બિરદાવ્યાં હતાં અને આજે તો રાહુલ ગાંધી અૉપરેશન
સિંદૂર અને સર્જિકલ સ્ટ્રાઇકમાં પણ અવિશ્વાસ વ્યક્ત કરે છે! ભારતીય સેનાની સેવાનું
અવમૂલ્યન થાય છે! મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન, સિનિયર કૉંગ્રેસી નેતા પૃથ્વીરાજ
ચવ્હાણ તો કહે છે આટલી મોટી ભારતીય સેનાની જરૂર જ નથી!
આપણા - સ્વદેશી વિપક્ષો જ્યારે ભારત અને ભારત સરકારમાં
અવિશ્વાસનું વાતાવરણ ઊભું કરતા હોય ત્યારે શું કહેવું? ગાઝામાં કત્લેઆમ થતી હોય ત્યારે
આવા નેતાઓ આંસુ સારે અને બાંગ્લાદેશમાં હિન્દુ-દલિતની હત્યા થાય, જીવતા સળગાવાય ત્યારે
એક આંસુ પણ પડે નહીં, હોઠ ફફડે નહીં ત્યારે શું કહેવું? હકીકતમાં અત્યારે ભારત સરકાર
જ નહીં, ભારતની કસોટી છે. પાડોશી રાજ્યની બરબાદી થઈ રહી છે ત્યારે આક્રમણ કરીને તેને
ચીન અને પાકિસ્તાનની બગલમાં ધકેલી દેવાની ભૂલ થાય? કે ચૂંટણી થાય તો નવી સરકાર સાથે
સંવાદ - સમજૂતીના પ્રયાસ કરવા? બાંગ્લાદેશમાં આપણા વ્યાપાર-ઉદ્યોગ પણ છે - તેનો વિચાર
કરવો જોઈએ - અને ત્યાં સુધી હિન્દુઓની રક્ષા - સલામતી માટે દબાણ કરવું જોઈએ.
આપણે હસીનાને વિશ્વાસ - આશ્રય આપ્યા પછી દુશ્મનોના
હવાલે કરાય નહીં. તેથી બારમી ફેબ્રુ.ની ચૂંટણીનાં પરિણામની રાહ જોવી મુનાસીબ છે અને
જે પણ સરકાર આવે તેની સાથે સારા સંબંધ - સંવાદ કરી શકાય. યુનુસને હાંસિયામાં રાખીને
નવી સરકાર સાથે સમજૂતી કરીને હસીનાને યુરોપ કે પશ્ચિમ એશિયામાં રાજ્યાશ્રય અપાવી શકાય.
બાંગ્લાદેશને આપણા વ્યાપાર - ઉદ્યોગની મદદ મળે છે તેથી આર્થિક હિત પણ જળવાય તે જરૂરી
છે.
બાંગ્લાદેશમાં જાણે ભારત સામે જંગ શરૂ થઈ હોય એમ લાગે
છે. પચાસ વર્ષ પહેલાં પાકિસ્તાની અત્યાચાર અને જુલ્મથી આઝાદ થવા માટે શેખ મુજીબુર રહેમાનની
‘મુક્તિબાહિની’ને લશ્કરી સહાય કરીને ભારતે આઝાદી અપાવી. મઝહબ
- ધર્મના ધોરણે હિન્દુસ્તાનના ભાગલા પડÎા પછી પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન ધર્મના આધારે
સાથે રહી શક્યા નહીં તે સાબિત થયું. પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનના બંગાળીઓને દુશ્મન-ગુલામ
ગણ્યા હતા અને ભારતે સહાનુભૂતિથી મદદ આપી - માત્ર હિન્દુ નહીં, બંગાળી મુસ્લિમોને આઝાદી
અપાવી અને લાખ્ખો બાંગ્લાદેશીઓ જીવ બચાવવા ભારત આવ્યા. ભારતમાં આશ્રય અને સલામતી મળી
હતી. અલબત્ત, વખત જતાં ‘ઘરજમાઈ’ ભારે પડÎા પણ પાકિસ્તાની સરમુખત્યાર
અને સૂબાઓનાં નાક કપાયાં. 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ શત્રો નીચે મૂકીને, ઘૂંટણિયે
પડીને શરણાગતિ માગી. ભારતે આપી. આઝાદી જંગમાં ભારતને ડરાવવા માટે પ્રેસિડન્ટ રિચાર્ડ
નિક્સને અમેરિકી નૌકાદળના સાતમા કાફલાનાં યુદ્ધ જહાજો મોકલ્યાં હતાં પણ લીલા તોરણે
અને વીલા મોઢે પાછાં ફર્યાં હતાં.
પાકિસ્તાની ખેરખાંઓના ઇતિહાસમાં આ નામોશી ધોઈ નાખવાની
ચળ - ભારતના હાથે માર ખાનારા મુનીરને હતી. એણે ટ્રમ્પના પગ પકડÎા, ચીનના હાથ પકડÎા
અને ભારત સાથે વેર વાળવા બાંગ્લાદેશમાં ‘ઘૂસણખોરી’ કરી. બાંગ્લાદેશની
યુવાપેઢીને પચાસ વર્ષ પહેલાંના આઝાદી જંગ અને ભારતની આઝાદીનું ભાન જ નથી. ઇતિહાસ ભણાવ્યા
- ભણ્યા નથી તેથી આજે ભારતને દુશ્મન ગણે છે. મુનીર ઇસ્લામના નામે મુસ્લિમ દેશોની એકતા
બતાવવા માગે છે તેમાં બાંગ્લાદેશને બકરો બનાવ્યો છે.
બાંગ્લાદેશમાં 1975માં શેખ મુજીબુર - ત્યાંના રાષ્ટ્રપિતા-ની
હત્યા થઈ તે પછી એમની પુત્રી હસીનાએ જનમત મેળવીને શાસન કર્યું. આ દરમિયાન બીજા લશ્કરી
સરમુખત્યાર મોહમ્મદ ઇરશાદનાં વિધવા-પત્ની ખાલેદા ઝિયાનું શાસન હતું અત્યારે ખાલેદા
બીમાર છે અને તેનો પુત્ર દેશવટો ભોગવે છે. હવે તે બાંગ્લાદેશમાં પાછો આવ્યો છે પણ એમનો
ગજ વાગે એમ નથી. બાંગ્લાદેશની યુવા પેઢીએ પચાસ વર્ષમાં ક્યારેય લોકતંત્રની આઝાદી ભોગવી
નથી અને ચૂંટણીમાં મતાધિકાર મળ્યો નથી. તેથી ઉકળાટ અને અરાજકતા વધી છે. હવે જમાત એ
ઇસ્લામી અને પાકિસ્તાની આઇએસઆઇની ઉશ્કેરણી છે. ભારતે દર વખતે કહ્યું છે કે ચૂંટણી બાંગ્લાદેશનો
આંતરિક મામલો છે. આ વખતે ભારતે કહ્યું છે કે બાંગ્લાદેશમાં, મુક્ત, પ્રામાણિક અને સર્વસમાવિષ્ટ
રીતે ચૂંટણી થાય તો તે વિશ્વસનીય ગણાશે - હકીકતમાં આટલાં વર્ષોમાં ભારતે બાંગ્લાદેશ
આવામી લીગ - હસીનાના પક્ષનું સમર્થન કર્યું છે. હવે મોહમ્મદ યુનુસે આવામી લીગ અને તેની
છાત્ર પાંખને પ્રતિબંધિત ઘોષિત કરી છે - તેથી ચૂંટણીમાં ભાગ લઈ શકે નહીં - આથી જ ભારતે
‘મુક્ત - સર્વસમાવેશી’ ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો છે જે મોહમ્મદ
યુનુસને પસંદ નથી. એમને હસીના સાથે દુશ્મની છે. કારણ કે હસીનાએ એમને દૂર રાખ્યા હતા
- લગભગ દેશવટો. તેથી આવામી લીગ ઉપર પ્રતિબંધ મૂકીને વેર વાળે છે.
આ સંજોગોનો લાભ પાકિસ્તાને ઉઠાવ્યો છે - જમાત-એ-ઇસ્લામી
કટ્ટર ઝનૂનવાદી પક્ષને ફાયદો છે. યુવા નેતાઓનું બળ મળ્યું છે. યુવાનોનો વિરોધ અને બળવો
હસીના સામે છે. ભારતે હસીનાને આશ્રય આપ્યો તેથી ભારત દુશ્મન બન્યું છે અને હિન્દુઓ
ઉપર અત્યાચાર થઈ રહ્યા છે.
શેખ હસીનાને મોતની સજા ફરમાવાઈ છે અને બાંગ્લાદેશની
સરકાર કહે છે હસીના અમને સોંપો પણ ભારત સરકાર આશ્રિતને મોતના હવાલે કરવા તૈયાર નથી.
હસીના સામે બળવો કરનારા વિદ્યાર્થી નેતા શરીફ ઓસ્માન હાદીની હત્યા થઈ. હત્યારા આવામી
લીગના માણસો હોવાની અને સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશ્યા હોવાની અફવા હતી પણ હાદીના
ભાઈએ હત્યા બદલ યુનુસ અને વર્તમાન સરકારને જવાબદાર ગણાવ્યા છે. હત્યારાને ફાંસીની સજા
નહીં થાય તો યુનુસ માટે બાંગ્લાદેશમાં રહેવું ભારે પડશે એવી ધમકી પણ આપી છે. હવે પવન
જોઈને યુનુસે પણ પીઠ ફેરવી છે. હાદીને શહીદ ગણાવ્યા છે - જાહેર કર્યા છે. આમ કરીને
બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર યુનુસ - ‘રાજકીય’ સ્થાન મેળવવા
માગે છે. જમાતે-ઇસ્લામને પણ રાજી રાખે છે અને તેને બહુમતી મળે એવું વલણ છે!
આ સંજોગોમાં 12મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશમાં ચૂંટણી છે તે પાર પડે છે કે હિંસાચારના બહાને ચૂંટણી મુલતવી રાખીને ‘સલાહકાર’ હવે ‘સરકાર’ બનશે? આવી અંધાધૂંધી અને અરાજકતામાં હિન્દુઓને નિશાન બનાવીને કોમવાદી રંગ આપવામાં આવ્યો છે. હસીના સામે બળવો થયો ત્યારે પણ હિન્દુવિરોધી હિંસાચાર થયો હતો પણ તેની સાથે આવામી લીગના નેતાઓ - સમર્થકો સૌ હિંસાનો ભોગ બન્યા હતા. આ પછી સેક્યુલર ટોપી પહેરીને લશ્કરી અફસરો સાથે યુનુસે હિન્દુ મંદિરોની મુલાકાત લઈને સલામતીની ખાતરી આપી હતી. હવે હાદીની હત્યા પછી હિન્દુઓને રક્ષણ આપવાની વાતો હવામાં ઊડી ગઈ!