સેક્યુલરવાદનો નવો અવતાર!
સત્તા - ચૂંટણીના રાજકારણમાં ફરીથી કોમવાદ
હાવિ થઈ રહ્યો છે. વંદે માતરમના વિરોધથી `બાબરી મસ્જિદ' સુધી. બિહારમાં મતદારયાદીની
ફેર-ઘનિષ્ઠ તપાસ શરૂ થઈ તેનો વિરોધ થયો. રાહુલ ગાંધીએ વોટ-ચોરીના આક્ષેપ કર્યા અને
પત્રકારોને બોલાવીને ઍટમબૉમ્બ અને હાઈડ્રોજન બૉમ્બ ફોડયા!
સસદના શીતકાલીન સત્રમાં વંદે માતરમ્ અને
ચૂંટણી સુધારાની ચર્ચા દરમિયાન ભાષણોમાં ધ્વનિ હતો પણ પ્રકાશ નહીં. આ બંને વિષય ભાજપ
માટે રાષ્ટ્રવાદ અને લોકતંત્રના પ્રાણ સમાન છે. ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા અને વિપક્ષી
વક્તાઓએ જીભ કચડીને, પેટ ચોળીને શૂળ ઊભું કર્યું અને પછી ગૃહપ્રધાન અમિત શાહે જ્યારે
વિપક્ષને જવાબ આપવાની શરૂઆત કરી ત્યારે સભાત્યાગ કરી ગયા અને અમિત શાહે ટકોર કરી કે
હું તો દેશમાંથી ઘૂસણખોરોની હકાલપટ્ટીની વાત કરું છું ત્યારે આ લોકો ગૃહમાંથી કેમ પલાયન
થયા?!
યોગાનુયોગ `વંદે માતરમ્' - ફિલ્મ આનંદમઠનું
ગીત જેની ગૂંજ અને ગાન દેશભરમાં લોકપ્રિય અને લોકશક્તિ થઈ હતી - તેનાં 150 વર્ષનો ઉત્સવ
ઉત્સાહથી ઊજવાવો જોઇએ તેના બદલે વિરોધ અને વિવાદ જગાવીને કૉંગ્રેસના નેતાઓએ - વંદે
માતરમ્ પ્રત્યેના પૂર્વગ્રહ અને અણગમાની કબૂલાત કરી છે. રાષ્ટ્રપ્રેમના ગીતને વધાવી
લેવાથી કૉંગ્રેસની પ્રતિષ્ઠા સુધારવાની એક તક ગુમાવી! આઝાદી પછી આ ગીત સામે અણગમો વ્યક્ત
કરીને જન ગણ મન - નો સ્વીકાર રાષ્ટ્રગીત તરીકે થયો તે નેહરુના આગ્રહનું પરિણામ હતું
એવા ભાજપના આક્ષેપ પછી ચર્ચા નેહરુના નામ તરફ વળી ગઈ અને નરેન્દ્રભાઈ તથા અમિતભાઈને
મોકો મળ્યો. વડા પ્રધાનપદ માટે સરદાર વલ્લભભાઈ પટેલ શ્રેષ્ઠ - સર્વોત્તમ હોવા છતાં
નેહરુ આગળ (આડા?) આવ્યા - ઇતિહાસનાં આ પાનાં ફરીથી ખૂલ્યાં, કૉંગ્રેસની પરિપક્વતાનો
અભાવ અને ભાજપની સમયસૂચકતાનો પુરાવો જોવા મળ્યો! પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી
ગાજે છે ત્યારે `વંદે માતરમ્'નો મુદ્દો ઊછાળવામાં આવ્યો છે એવી ફરિયાદ - આક્ષેપ કૉંગ્રેસે
કર્યો પણ રાજકીય સંજોગ હોવા છતાં વંદે માતરમ્ની જયંતી અને જય જયકારની અવગણના કેમ થાય?
ભાજપ - મોદી અને અમિત શાહની આ સમયસૂચકતા છે! હકીકતમાં `આનંદમઠ' ફિલ્મ આપણા માનનીય સભ્યો
- નેતાઓને બતાવવી જોઇએ - જો હૃદય અથવા વિચાર પરિવર્તન થાય તો!
બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં બાબરી મસ્જિદને
મુદ્દો બનાવાય અને રાજ્યમાં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ નિર્માણ માટે ઘોષણા અને ભૂમિપૂજન
થાય તો તેના જવાબમાં વંદે માતરમ્ ગાજે તેમાં ખોટું શું છે? મુસ્લિમોને પણ ધર્મની અને
મસ્જિદ બાંધવાની પણ સ્વતંત્રતા છે - ત્યારે `બાબરી' નામ આપવાનો આગ્રહ શા માટે? નમાઝ
પઢવા માટે, કે વોટ મેળવવા માટે? અને સાઉદી અરબથી મૌલવી આવ્યા હોવાની જાહેરાત થઈ પછી
ખબર પડી કે આ `નકલી'ની વ્યવસ્થા - માટે ઉત્તર પ્રદેશની એક મદરેસાના શિક્ષકની પસંદગી
થઈ હતી! મમતા બેનરજીએ એમના પક્ષના વિધાનસભ્ય હુમાયુ કબીરને સસ્પેન્ડ કર્યા છે! રાજકારણ
ઉપરથી પરદો ઊઠયા પછી પર્દાફાશ અને માહિતી મળશે પણ આ દરમિયાન કોલકાતામાં લાખ્ખો લોકોએ
મેદાનમાં ગીતાપાઠ કર્યા ત્યાં કોઈ ફેરિયો નૉન-વૅજ ખાદ્યપદાર્થો સાથે પકડાયો. લોકોએ
માર્યો તેનો બચાવ મમતાએ કર્યો કે - આ બંગાળ છે, ઉત્તર પ્રદેશ નહીં!
સત્તા - ચૂંટણીના રાજકારણમાં ફરીથી કોમવાદ
હાવિ થઈ રહ્યો છે. વંદે માતરમ્ના વિરોધથી `બાબરી મસ્જિદ' સુધી. બિહારમાં મતદારયાદીની
ફેર-ઘનિષ્ઠ તપાસ શરૂ થઈ તેનો વિરોધ થયો. રાહુલ ગાંધીએ વોટ-ચોરીના આક્ષેપ કર્યા અને
પત્રકારોને બોલાવીને એટમ બૉમ્બ અને હાઈડ્રોજન બૉમ્બ ફોડયા! સંસદમાં આ ફટાકડા ફોડવાનો
વારો અમિત શાહનો હતો. ધડાકા શરૂ થયા ત્યારે શ્રીમાન રાહુલ ગાંધી બંને કાન ઉપર હાથ દાબીને
ગૃહત્યાગ કરી ગયા! અમિત શાહે ગાંધી પરિવાર અને એમની ચૂંટણીની `પત્રિકા' વાંચી સંભળાવી,
નેહરુ પછી ઇન્દિરા નેહરુ ગાંધી અને સોનિયાજી સુધી. સોનિયાજી મતદાર બન્યાં અને ભારતના
નાગરિક પછી થયાં!
ઇન્દિરાજી અને સંજય ગાંધીની તો વાત જ જુદી
છે. અમિતભાઈ તો જાણતા જ હશે પણ આ લખનારે જાતે જોયું છે : સાક્ષી છે. રાયબરેલીમાં રાજનારાયણની
બોલબાલા હતી - જનતાના ઉમેદવારનો જયજયકાર હતો. ઇન્દિરાજીની હાર નિશ્ચિત હતી જ્યારે મતગણતરી
થઈ રહી હતી ત્યારે કેટલાક કૉંગ્રેસી `કાર્યકરો' મતપેટીઓ ઝૂંટવી લેવા આવ્યા હતા અને
ચૂંટણી પંચના કાર્યકરો મતપેટીઓને વળગી રહ્યા ત્યારે એમના ઉપર લાઠીઓ વરસતી હતી - પણ
લોકતંત્રનો બચાવ કરનારા મક્કમ હતા. હાથમાં સંવિધાનની નકલ નહીં, છાતી સરસી મતપેટીઓ હતી!
રાયબરેલીની ગણતરી પૂરી થયા પછી નવી દિલ્હીમાં
ચૂંટણી કમિશનર સ્વામીનાથન ઉપર દબાણ થયું કે પરિણામ જાહેર કરવાનું નથી. કમિશનરના સરકારી
ફ્લેટના દરવાજા ખખડાવાયા. ધમધમાટ થયો પણ ચૂંટણી કમિશનરે મચક આપી નહીં. આ પછી તેઓ ક્યાં
ગયા તેની જાણ નથી! પરિણામ જાહેર થયા પછી તે ઊલટાવવાના પ્રયાસ સુપ્રીમ કોર્ટમાં થયા
તે જગજાહેર છે! રાહુલ ગાંધીનો આક્ષેપ છે કે
મોદી સરકાર આરએસએસની વિચારધારાના લોકોની નિયુક્તિ કરે છે પણ ઈન્દિરા ગાંધીએ સુપ્રીમ
કોર્ટમાં પણ પાળેલા જસ્ટીસને બઢતી આપી હતી અને નિષ્ઠાવાન, નિષ્પક્ષ ન્યાયમૂતિઓને હાંસિયામાં
ધકેલી દીધા હતા- યાદ છે?
આ પછી એક કમિશનર - ટીએન શેષન આવ્યા એમણે
મતદારનાં ઓળખપત્ર ફરજિયાત બનાવ્યાં ત્યારે પણ અવરોધ હતા.
રાહુલ ગાંધી ચૂંટણી પંચને ધમકાવે છે :
અમારા હાથમાં સત્તા આવે પછી તમારી ખેર નથી. મોદી સરકારે કાયદો સુધારીને - પંચના સભ્યોની
કામગીરી બદલ ભવિષ્યમાં કોઈ પણ અદાલતમાં કાર્યવાહી - ફરિયાદ થઈ શકે નહીં. આ સુધારો ચૂંટણી
પંચની નિષ્પક્ષપાત કામગીરીના રક્ષણ માટે છે. જો આ સુધારો થયો હોત નહીં તો `વોટચોરીની
ભાગીદારી'ના કેસ થયા હોત અને પંચ ચૂંટણી કરાવવાને બદલે ન્યાય મેળવવા અદાલતના પગથિયાં
ઘસતા હોત!
મહત્ત્વની વાત એ છે કે કૉંગ્રેસ શાસનમાં
ચૂંટણી કમિશનર નીમવાની સત્તા માત્ર વડા પ્રધાનને જ હતી - હવે વ્યવસ્થા છે તો પણ નિમણૂક
થયા પછી વિવાદ થાય છે!
વાસ્તવમાં - નેતાઓ કોમવાદ ભડકાવી રહ્યા
છે તે ગંભીર ચિંતાનો વિષય છે. અયોધ્યામાં કાનૂની - ન્યાયતંત્રની મંજૂરી પછી રામમંદિરનું
નિર્માણ થયું છે. મસ્જિદ માટે મંજૂરી અને ભૂમિ ફાળવાઈ છે પણ તે દિશામાં પ્રગતિ ધીમી
છે - અને મુર્શિદાબાદમાં `બાબરી' મસ્જિદનું રાજકારણ શરૂ થઈ રહ્યું છે. મુખ્ય પ્રધાન
મમતાદીદીને બાંગ્લાદેશી ઘૂસણખોરોની હકાલપટ્ટીથી પેટમાં દુ:ખે છે. મતદારયાદીમાંથી લગભગ
એક કરોડ `ખોટાં નામ' નીકળી રહ્યાં છે તેથી હવે ધૂંધવાઈ રહ્યાં છે.
હકીકતમાં આ સેક્યુલરવાદ નથી પણ સેક્યુલરવાદનો
નવો અવતાર, નવું સ્વરૂપ છે. હવે સનાતન ધર્મ વિરોધીઓ એકતા બતાવી રહ્યા છે. સનાતન ધર્મને
કૅન્સર સાથે સરખાવીને ડીએમકેના નેતા - પાટવી કુંવરે ઝેર ઓક્યું હતું તેનું કૉંગ્રેસના
ઈન્ડિ મોરચાએ સ્વાગત કર્યું હતું. હવે તામિલનાડુમાં સનાતન વિરોધ વધી રહ્યો છે. મદુરાઈમાં
સુબ્રહ્મણ્યમ સ્વામી મંદિર છે ત્યાંના `દીપાથૂન' - અર્થાત્ દીપમાળમાં દીપકો પ્રગટાવવાની
મંજૂરી મદ્રાસ હાઈ કોર્ટની મદુરાઈ બેન્ચના જસ્ટીસ જી.આર. સ્વામીનાથને આપી તેનો રાજકીય
વિરોધ શરૂ થયો. મંદિરની બાજુની ટેકરી ઉપર દરગાહ છે અને અહીં દીપક પ્રગટાવાય નહીં તો
મંજૂરી કેમ આપી?! હવે ડીએમકેની આગેવાની હેઠળ કૉંગ્રેસના પ્રિયંકા વડરા ગાંધી અને એકસો
જેટલા સંસદ સભ્યોએ લોકસભાના સ્પીકરને પત્ર આપીને જસ્ટીસ સામે `મહાભિયોગ-ઈમ્પીચમેન્ટ
કરીને બરતરફ કરવાની માગણી કરી છે. ત્યારે 56 નિવૃત્ત ન્યાયાધીશોએ જાહેર નિવેદન બહાર
પાડીને કહ્યું છે કે ન્યાયતંત્રની સ્વતંત્રતા ઉપર આ હુમલો છે.
આમ હવે સેક્યુલરવાદ ન્યાયતંત્રને અભડાવવા
- બદનામ કરીને ડરાવવાના પ્રયાસ કરે છે.