• શનિવાર, 27 જુલાઈ, 2024

લોકતંત્રને બદનામ કરવાના પ્રયાસ  

કલ, આજ ઔર કલ

લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો વચ્ચે સંવાદના બદલે વિવાદ થયા, આક્ષેપબાજી થઈ, ભાષા અને ભાષણમાં અભદ્ર માનસિકતાનું પ્રદર્શન થયું, વિજય - પરાજયના સામસામે દાવા થયા, મુદ્દા ખૂટી ગયા તો પોષાક - મોદી દિવસમાં ત્રણ સૂટ બદલે છે - રોજના ત્રણ લાખ તો મહિના અને દસ વર્ષના કુલ ખર્ચની વાતો થઈ. હકીકતમાં ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે આચારસંહિતાનો અમલ શરૂ કરે છે પણ નેતાઓને પરવા છે ખરી? આચાર ઉપરાંત - વિચાર અને ભાષા ઉપર સંયમ નથી. પ્રચારમાં મુદ્દાને બદલે અસત્ય - જુઠ્ઠાણાંની અતિશયોક્તિ રહી છે. હદ વટાવી છે. લોકોના પ્રશ્નો અને વિકાસના બદલે વ્યક્તિગત ટીકાપ્રહાર અને પ્રચાર થયો જાણે દેશ માત્ર નેતાઓની જાગીર હોય. ચૂંટણી પંચ ઉપર પણ આક્ષેપ થયા જાણે તેની ચાલબાજી હોય. સંવિધાન અને ચૂંટણી પંચમાં જનતાનો વિશ્વાસ ઊઠી જાય એવા પ્રયાસ થયા છે. ભારતીય સેનાની શક્તિ અને નિષ્ઠા ઉપર શંકા જગાવનાર દેશભક્ત છે કે દેશદ્રોહી? ચૂંટણીમાં ડફોળશંખની જેમ અપાતાં વચનો ઉપર સુપ્રીમ કોર્ટ પણ નિયંત્રણ મૂકી શકતી નથી. વિકાસના ઓઠાં હેઠળ અર્થતંત્રનું દેવાળું નીકળે તો પણ નેતાઓના પિતાશ્રીની દિવાળી! ભારતનો ચૂંટણી ઉત્સવ જોવા વિદેશોથી પ્રતિનિધિમંડળો અને પ્રવાસીઓ આવે છે - માનવ મહેરામણ જોવા. સદ્ભાગ્યે તેઓ નેતાઓની `ભાષા' સમજી શકતા નહીં હોય - એમ આપણે ઇચ્છીએ.

ચૂંટણીની `કલ આજ ઔર કલ'નો અભ્યાસ કરવો જોઈએ. આક્ષેપબાજી પહેલાં થતી હતી પણ પરિણામ આવ્યાં પછી... હવે તો પરિણામ પલટાવવાની ગણતરીથી આક્ષેપબાજી થાય છે અને મુખ્યત્વે ચૂંટણી પંચ નિશાના ઉપર હોય છે. 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસનો પરાજય સંખ્યાબંધ રાજ્યોમાં થયો. 1969માં સત્તાની શતરંજમાં કૉંગ્રેસમાં ભવ્ય ભંગાણ પડયા પછી 1971માં ઇન્દિરા ગાંધીએ માત્ર લોકસભાની ચૂંટણી કરાવી. સમાજવાદી સૂત્રો અને રશિયાનો સાથ હતો - પરિણામ આવ્યાં પછી તત્કાલીન જનસંઘના વરિષ્ઠ નેતા બલરાજ મધોકે આક્ષેપ કર્યો કે ચૂંટણીમાં રશિયાથી આવેલી સ્પેશિયલ શાહી - ઇંક વાપરીને મતદાનમાં ધોખાધડી થઈ છે પણ જનસંઘના અન્ય નેતાઓ સહમત નહોતા. આખરે બલરાજ મધોક એકલા પડી ગયા.

મતદારોની આંગળીના ટેરવા ઉપર જે શાહીથી ટપકું કરાય છે તેનો ઇતિહાસ જાણવા જેવો છે. રાજમોહન ગાંધીએ વિષયમાં રસપ્રદ માહિતી આપી છે. આઝાદ ભારતમાં સંસદીય લોકશાહીની પ્રથમ ચૂંટણી 1951ના અૉક્ટોબરથી 1952ના ફેબ્રુઆરી સુધી ચાલી હતી. 36 કરોડની વસતિમાંથી એકવીસ વર્ષથી ઉપરની વયના 17 કરોડ નાગરિકો મતાધિકાર ધરાવતા હતા. આનાથી મોટી ચૂંટણી વિશ્વમાં ક્યાંય થઈ નહોતી અને ત્યારે મતદારો બીજી - ત્રીજી વધુ વખત મતદાન કરે નહીં તે માટે - ઓળખપત્રના સ્થાને ડાબા હાથની આંગળી ઉપર નિશાન કરવાનું નક્કી થયું. (અત્યારની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં એક કિશોરે આઠ વખત મત આપ્યાના અહેવાલની તપાસ થઈ રહી છે. પૂર્વ ચૂંટણી કમિશનર ટીએન શેષને મતદાતાના ઓળખપત્ર શરૂ કર્યાં છતાં - ભૂંસાય નહીં એવી શાહીનું ટપકું અનિવાર્ય છે.)

શાહીની શોધનો ઇતિહાસ છે : વર્ષ 1940માં ઇન્ડિયન કાઉન્સિલ ફોર સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચમાં કેમિસ્ટ તરીકે કામ કરતા - સિદ્દીકીભાઈને ડાયરેક્ટર જનરલ શાંતિસ્વરૂપ ભટનાગરે આવી શાહી બનાવવાની જવાબદારી સોંપી - નવી સંવિધાન સભાની ચૂંટણી માટે આવી `ઓળખ શાહી' જરૂરી હતી. શાંતિસ્વરૂપ પણ પ્રખર કેમિસ્ટ હતા. એમણે સિલ્વર ક્લોરાઇડનું સોલ્યુશન મોકલ્યું પણ તે અસરકારક નહીં હોવાથી સિદ્દીકીએ સિલ્વર બ્રોમાઇડનું મિશ્રણ કર્યું - જે 1951-52ની ચૂંટણીમાં વાપરવામાં આવ્યું.

રાજમોહન ગાંધી લખે છે : `હું તો ત્યારે વર્ષનો હતો પણ અમારા દીવાનખાનામાં વડીલો અને મિત્રો શાહીનો ડાઘ આસાનીથી ધોવાઈ જાય તેની ચર્ચા કરતા હતા. દીવાસળીની બે કાંડી પાણીમાં ભીની કરીને ડાઘ ઉપર ઘસી જોઈ - ડાઘ ઝાંખો થયો પણ ભૂંસાયો નહીં!...'

ભારતના ભાગલા પછી પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન નવાબઝાદા લિયાકત અલી ખાને શાહી - વાળા સિદ્દીકીને પાકિસ્તાન આવવા આમંત્રણ આપ્યું. નેહરુએ મંજૂરી પણ આપી દીધી અને સિદ્દીકી પાકિસ્તાનમાં નેશનલ સાયન્સ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા.

ભારતમાં શાહીએ ચૂંટણીની અદબ જાળવી છે જ્યારે પાકિસ્તાનમાં ચૂંટણી થાય છે?

----

ભારતમાં શેષને ઓળખપત્રો શરૂ કર્યાં ત્યારે ઘણી ટીકા થઈ હતી. પણ સફળ - સિદ્ધ થયા છે. વોટિંગ મશીન આવ્યાં ત્યારે તેમાં ઘાલમેલની ફરિયાદ નહીં, આક્ષેપ થયા હજુ પણ થઈ રહ્યા છે. મશીનની બાજુમાં `િપ્રન્ટર'ની વ્યવસ્થા પણ થઈ છતાં વખતની ચૂંટણીમાં કાગારોળ મચાવાઈ. ફરીથી સુપ્રીમ કોર્ટમાં મશીનો કેવી રીતે વપરાય છે તેનું ડેમો થયું અને ક્લીન ચિટ મળી. મતદાન થયા પછી - કેટલા મતદારોએ મત આપ્યા? ટકાવારી કેટલી થઈ? તરત આંકડા અપાય અને પછી દરેક બૂથના આંકડા આવે ત્યારે - તરત ફાઇનલ ટકાવારી જાહેર થાય. વખતે કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો કે મતદાન પૂરું થયા પછી મત - વોટ ઉમેરવામાં આવે તો ટકાવારી વધુ થાય!

હકીકતમાં ચોરીછૂપીથી મતપત્રક - અથવા મશીનમાં વોટ વધારવા હોય તો પછી ટકાવારી સુધારવાની જરૂર કેમ હોય? ચૂપકીદી સેવાય. આક્ષેપ પાયા વિનાનો હોવાથી ફગાવી દેવાયો. પરિણામ પહેલાં શક્ય પરાજયની પાળ બાંધવાના આવા પ્રયાસ થાય છે!

આચારસંહિતાનો સૌપ્રથમ અવિધિસર અમલ - કેરળમાં વર્ષ 1960માં થયો અને 1974માં મધ્યવર્તી વચગાળાની ચૂંટણી વખતે મૉડેલ કૉડ અૉફ કૉન્ડક્ટનો વિધિસર અમલ શરૂ થયો. 1979માં સુધારા કરીને શાસક પક્ષ સત્તાનો દુરુપયોગ કરે નહીં તે માટે નિયમ ઉમેરવામાં આવ્યા.

1999માં 29 દિવસ, 2019માં 39 અને 2024માં 44 દિવસ ચૂંટણી પ્રક્રિયા ચાલી. કારણ કે કેન્દ્રીય સુરક્ષા દળો દસ લાખ મતદાન કેન્દ્રોની સુરક્ષા માટે ગોઠવવાં પડે, દોઢ કરોડ કર્મચારીઓ મતદાન કેન્દ્રો ઉપર હતા. ચૂંટણી પ્રચાર, ખર્ચ, બ્લૅક મની અને કાયદો વ્યવસ્થા - તમામ કેન્દ્રો ઉપર નજર રાખવાનું આસાન નથી. હવે માત્ર જાહેરસભાઓમાં ભાષણો અને અખબારોમાં અહેવાલો ઉપર ચૂંટણી લડાતી નથી. ટીવી, વેબસાઇટ, સોશિયલ મીડિયા અને અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ થયો છે. હવે પાંચ વર્ષ પછીની ચૂંટણી કેવી હશે? લોકતંત્રની જનની ગણાતી ચૂંટણીમાં બ્લૅક મનીનો પ્રભાવ રોકવા માટે `બૉન્ડ' શરૂ થયાં તો સુપ્રીમ કોર્ટે બ્રેક મારી બ્લૅક મનીને તો જીવનદાન મળ્યું. .ડી.ના દરોડા સામે કાગારોળ શરૂ થઈ - બચાવો બચાવો.

ચૂંટણીમાં મુખ્ય મુદ્દા કયા હતા? વિપક્ષો `ઇન્ડિ' મોરચો બનાવીને મંચ ઉપર ઊભા રહ્યા. પૂરા - દેશવ્યાપી પરિવાર દર્શન થયા તેથી મોદીએ પરિવારવાદનો મુદ્દો ઉપાડયો - ભ્રષ્ટાચાર અને પરિવારવાદને છાવરવા વિપક્ષી નેતાઓ એક મંચ ઉપર આવ્યા છે - તેનું પ્રદર્શન થયું પણ વિપક્ષી નેતાઓને શરમ-શેહની સમસ્યા નથી. જોરશોરથી વળતા પ્રહાર થયા કે મોદીને તો પરિવાર નથી - ત્યારે મોદીના સમર્થકોએ `અમે મોદી પરિવાર'નાં સૂત્રો ગજાવ્યાં. મોદીએ કહ્યું મારો વારસો અને વારસદાર - ભારતની જનતા છે! ગાંધી પરિવાર, લાલુ પરિવાર, અખિલેશ - મુલાયમ પરિવાર ઉત્તરથી દક્ષિણ ભારતના રાજકીય પરિવાર મેદાનમાં છે. ઇન્દિરા ગાંધીનો પરિવારવાદ ઇમર્જન્સી વખતે રાજકીય મંચ ઉપર આવ્યો. ત્યાં સુધી સંજય ગાંધી મારુતિ કાર માટે વિવાદમાં હતા - અને ચૂંટણીમાં સૂત્ર હતું : તૂ દેખતે રહિયો... મા સરકાર બનાયેગી ઔર બેટા - કાર. ફિલ્મ `બોબી'ના ગીતનો ઉપયોગ સફળ થયો પણ ઇમર્જન્સી પછી દિલ્હીમાં જયપ્રકાશજીની સભા તોડવા માટે ટી.વી. - ઇન્દિરા દર્શન - ઉપર અચાનક ફિલ્મ બોબી બતાવવાની જાહેરાત થઈ છતાં `બોબી'ના બદલે જે.પી.ને સાંભળવા લોકો ઊમટયા હતા!

ઇન્દિરાજીની હયાતિ અને હત્યા પછી ફિલ્મી અભિનેતાઓ - રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન વગેરે નેતાના રોલમાં હતા. ઇન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીના ચાણક્ય - પિતરાઈ ભાઈ અરુણ નેહરુ હતા - અમિતાભને અલ્હાબાદના ઉમેદવાર બનાવીને હરીફ હેમવતીનંદન બહુગુણાને હરાવ્યા - છોરા ગંગા કિનારે વાલા - ગાજ્યું હતું વખતે અભિનેતાઓ અળગા - દૂર રહ્યા છે.

પરિવારવાદ પછી ભ્રષ્ટાચાર અને `ઈડી'ના દરોડાનાં લાઇવ દૃશ્યો ટીવી ચૅનલો ઉપર આવ્યાં પણ નેતાઓ લાજવાને બદલે ગાજવા લાગ્યા. મુદ્દો બદલી નાખવા માટે મુસ્લિમ આરક્ષણનો વિવાદ શરૂ થયો. અમેરિકામાં બેઠેલા સામભાઈ પિત્રોડાએ સંપત્તિનો વારસો સરકારને પણ મળે અને લઘુમતીને લાભ મળે એવો મુદ્દો શરૂ થયો. અયોધ્યાના રામમંદિર અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના બહિષ્કાર માટે બહાનાં કાઢવામાં આવ્યાં પણ આખરે સેક્યુલરવાદના બદલે કોમવાદી પ્રચાર શરૂ થયો. હિન્દુ-મુસ્લિમ મુદ્દો બન્યો. પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય સેના વિષે અયોગ્ય ટીકા કરી.

ચૂંટણી જંગ - મહાભારતમાં છેલ્લા તબક્કામાં મોદીને બહુમતી નહીં મળે - 150થી 230 બેઠકો મળવાની `આગાહી' વિપક્ષી નેતાઓ કરવા લાગ્યા. મતદારોમાં ભ્રમ ફેલાવવાનો - મહાભારતના નરો - વા કુંજરો - ની નવી આવૃત્તિ!

લોકતંત્ર બચાવવાનો મુદ્દો ક્યાં છે? લોકતંત્ર બચાવવા માટે તો ચૂંટણી થઈ છે ત્યારે વિપક્ષી નેતાઓની નકારાત્મક, તિરસ્કાર-ભર્યા પ્રચારથી સંવિધાન અને લોકતંત્રમાં લોકોનો વિશ્વાસ ઊઠી જાય એવા પ્રયાસ કર્યા છે! જનતાની અદાલતમાં ચોથી જૂને પરિણામ જાહેર થાય ત્યારે લોકતંત્ર વધુ સબળ બનશે એવી આશા રાખીએ.