• મંગળવાર, 26 સપ્ટેમ્બર, 2023

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હિંસક : 15ની હત્યા

ગ્રામ પંચાયત ચૂંટણીમાં ઠેર ઠેર હિંસા, બૂથ લૂંટાયું

ગોળીબાર-આગજની, બૉમ્બમારો : રાષ્ટ્રપતિ શાસનની માગ : અમિત શાહે રિપોર્ટ માગ્યો

કોલકાતા, તા.8 : પશ્ચિમ બંગાળમાં સ્થાનિક ચૂંટણીમાં `ગન તંત્ર' જોવા મળ્યું છે. વિવિધ હિંસક ઘટનાઓમાં છેલ્લી સ્થિતિએ 24 કલાકમાં કુલ 15 લોકોની હત્યા કરાઈ ચૂકી છે. કૂચ બિહારમાં એક શખસ બેલેટ બોક્સ લઈને ભાગી ગયો હતો. સાઉથ 24 પરગણામાં ડરાવી ધમકાવી, જાહેરમાં દેશી કટ્ટો બતાવી, દેશી બોંબ ફેંકી મતદાન કરાવાયાનો આરોપ લાગ્યો છે. ભાજપના ધારાસભ્ય શુભેંદુ અધિકારીએ માગ કરી કે બંગાળ સળગી રહ્યું છે, રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે. બીજીતરફ હિંસક ઘટનાઓને ધ્યાને લઈ ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે.

બંગાળની 73,887 ગ્રામ પંચાયત બેઠકોમાંથી 64,874 બેઠકો પર શનિવારે સવારે 7 વાગ્યાથી મતદાન યોજાયું હતું. બાકી બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આવા ઉમેદવારોમાં સૌથી વધુ સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 51.6 ટકા મતદાન નોંધાયું હતું. 11 જૂલાઈએ પરિણામ જાહેર થશે.

બંગાળની ચૂંટણીમાં હિંસાની સંભાવનાને પગલે કેન્દ્રીય દળોની તૈનાતી કરવામાં આવી હોવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. ઠેર ઠેર હિંસા થઈ છે, બૂથ લૂંટવા, બેલેટ પેપર ફાળવા, આગજનીના બનાવો સામે આવ્યા છે. રાજકીય હરીફોના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. આરોપ છે કે ટીએમસીના કાર્યકરો થેલામાં દેશી બોમ્બ ભરીને આવ્યા હતા અને ગ્રામીણોને ધમકાવ્યા હતા. 24 પરગણામાં હિંસાને પગલે એક બૂથ પર મતદાન રોકી દેવું પડયું હતું. હિંસક ઘટનામાં મૃતકોમાં તૃણમૂલના 8, કોંગ્રેસનો એક, સીપીઆઇએમનો એક, ભાજપનો એક કાર્યકર સામેલ છે. આ સિવાય એક આઇએસએફ કાર્યકર અને એક અપક્ષ ઉમેદવારના પોલિંગ એજન્ટનું મૃત્યું થયું છે. ગોળીબારની અન્ય ઘટનામાં એક પોલીસ કમાન્ડોને માથામાં ગોળી વાગતાં મૃત્યુ થયું હતું. 9 જૂનથી શરૂ થયેલી હિંસક ઘટનાઓમાં અત્યાર સુધીમાં 28 લોકોનાં મૃત્યુ થયાં છે.