• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

લોકસભાની ચૂંટણી માટે આપ-કૉંગ્રેસે ચાર રાજ્યોમાં હાથ મિલાવ્યા  

ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં બેઠક વહેંચણીની જાહેરાત

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 24 : કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આજે લોકસભાની આગામી ચૂંટણી માટે દિલ્હી, ગુજરાત, ગોવા અને હરિયાણામાં બેઠક વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી હતી. બંને પાર્ટી તરફથી પત્રકાર પરિષદમાં કરાયેલી બેઠક વહેંચણીની જાહેરાત પ્રમાણે ગુજરાતની કુલ 26 બેઠકમાંથી કૉંગ્રેસ 24 અને આપ બે (ભરૂચ અને ભાવનગર) બેઠક, દિલ્હીની સાત બેઠકમાંથી આપ ચાર અને કૉંગ્રેસ ત્રણ, હરિયાણાની દસમાંથી કૉંગ્રેસ 9 અને આપ એક બેઠક પર ઉમેદવાર ઉતારશે. ગોવાની બંને બેઠક અને ચંડીગઢની બેઠક મળી ત્રણ બેઠક કૉંગ્રેસને ફાળે ગઇ છે. દક્ષિણ ગોવાની સીટ પર આપે જાહેર કરેલા ઉમેદવાર હટી જશે, એમ આપ તરફથી કહેવાયું હતું. 

ગયા અઠવાડિયે ચંડીગઢના મેયરની ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસે મળીને વિજય મેળવ્યો એનાથી પ્રોત્સાહિત બંને પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટે બેઠક વહેંચણી કરી હોવાનું જણાઇ રહ્યું છે. જોકે, પંજાબમાં બંને પાર્ટીઓ અલગ-અલગ લડશે તેમ ગુજરાતની ભરૂચ સીટ પણ કૉંગ્રેસે મન મારીને આપી છે, ત્યાં દિગ્ગજ કૉંગ્રેસી  સ્વ. અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ નારાજ હોવાનું સ્પષ્ટ થયું છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી બાદ હવે આપ સાથે ચાર રાજ્યમાં કૉંગ્રેસે બેઠક વહેંચણીને આખરી ઓપ આપ્યો છે, ત્રણેય પાર્ટી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના ઘટક હોવાથી વિપક્ષના ગઠબંધનમાં ફરીથી પ્રાણ ફૂંકાયો છે. 

સંયુક્ત પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના મુકુલ વાસનિક અને આપના સંદીપ પાઠકે જાહેરાત કરી હતી. મુકુલ વાસનિકે કહ્યું હતું કે ગુજરાતની 26માંથી 24 સીટ પર કૉંગ્રેસ જ્યારે ભરૂચ અને ભાવનગર એમ બે બેઠક પર આપના ઉમેદવાર ચૂંટણી લડશે. હરિયાણાની દસમાંથી નવ બેઠક પર કૉંગ્રેસ જ્યારે કુરુક્ષેત્રની એક બેઠક પર આપના ઉમેદવાર લડશે. દિલ્હીની સાત બેઠકમાંથી નવી દિલ્હી, પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિલ્હી એમ ચાર બેઠક પર આપ જ્યારે ચાંદની ચોક, ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી એમ ત્રણ બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર મેદાનમાં ઉતારાશે. 

આપ તરફથી સાંસદ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં દેશની હાલત ખરાબ થઇ છે, સરકારે તમામ બંધારણીય સંસ્થાઓને નબળી પાડી છે, ચૂંટણીઓમાં ઘાલમેલ કરાય છે, ચૂંટણીમાં જીત મેળવવા વિપક્ષના નેતાઓને જેલમાં ધકેલાઇ રહ્યા છે. ખેડૂતો સાથે અન્યાય, જનતા બેરોજગારી અને મોંઘવારીથી ત્રસ્ત છે. દેશને ઇમાનદાર અને મજબૂત વિકલ્પની જરૂર છે. બેઠક સમજૂતી માટે અમે અમારા અંગત રાજકીય હિત કોરાણે મૂકીને દેશને પ્રાધાન્ય આપ્યું છે. પાર્ટી કરતાં દેશ મહાન છે. વખતે ચૂંટણીમાં આપ અને કૉંગ્રેસ સામસામે નહીં લડે, ઇન્ડિયા અને ભાજપ વચ્ચે ટક્કર થવાની છે. 

જોકે બંને પાર્ટી તરફથી પંજાબ વિશે કોઇ નિવેદન કરાયું નહોતું. વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને પરાસ્ત કરીને આપે પંજાબમાં સરકાર બનાવી છે. તાજેતરમાં આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું હતું કે પંજાબની તમામ 13 બેઠક આપ લડશે.

ભરૂચની બેઠક આપને : સ્વ. અહમદ પટેલનાં પુત્રી નારાજ

દિલ્હીમાં આપ અને કૉંગ્રેસ દ્વારા ગુજરાત સહિત ચાર રાજ્યોમાં બેઠક વહેંચણીની જાહેરાત સાથે સ્વ. અહમદ પટેલનાં પુત્રી મુમતાઝે ટ્વીટર પર નારાજી વ્યક્ત કરી હતી. બંને પાર્ટીના નિર્ણય પ્રમાણે ગુજરાતની ભાવનગર અને ભરૂચની બે બેઠક આપને ફાળવાઇ છે. ભરૂચ અહમદ પટેલનું વતન છે અને ત્યાં કૉંગ્રેસ મજબૂત રહી છે, જે હવે આપના ફાળે ગઇ છે. ટ્વીટર પર મુમતાઝે કહ્યું હતું કે ગઠબંધનમાં ભરૂચની બેઠક કૉંગ્રેસના ફાળે આવી એનો અફસોસ છે, કાર્યકરોની લાગણી દુભાઇ છે બદલ દિલગીરી. આપણે સાથે મળીને કૉંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરીશું. સ્વ. અહમદ પટેલની 45 વર્ષની વિરાસત એળે નહીં જવા દેવાય. ઘણા સમયથી ચર્ચા હતી કે કૉંગ્રેસ ભરૂચની બેઠક પરથી અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ કે પુત્ર ફૈઝલને ઉમેદવારી આપશે. જોકે, હવે સ્પષ્ટ થયું છે કે ભરૂચની બેઠક આપને ફાળવાઇ છે. આપે અગાઉથી ભરૂચની બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધેલા છે. કૉંગ્રેસના કાર્યકરો અને અહમદ પટેલનાં પુત્રી મુમતાઝની નારાજી કેવી રીતે દૂર થાય છે એના પર સૌની નજર રહેશે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.