પુલમાં ટોચે રહીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવાની બંને ટીમને તક
ભૂવનેશ્વર, તા. 14 : પહેલી પુલ મૅચમાં સ્પેન સામે જીત મેળવી ભારતીય ટીમે હૉકી વિશ્વ કપનો વિજયી પ્રારંભ કર્યો છે. હવે ભારતની ટીમ રવિવારે ઇંગ્લૅન્ડ સામેની લીગ મૅચ જીતી લેશે તો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત બનશે. સ્પેન સામે જોરદાર જીત બાદ ભારતીય ટીમનો આત્મવિશ્વાસ ભરપૂર છે, પરંતુ ઇંગ્લૅન્ડ સામેની મૅચ પડકારરૂપ રહેશે. નવા બનાવાયેલા બિરસા મુંડા સ્ટેડિયમમાં પૂલ-ડીની પહેલી જ મૅચમાં શુક્રવારે ભારતીય ટીમે સ્પેનને 2-0 ગોલથી મહાત આપી શાનદાર શુભારંભ કર્યો હતો. જોકે, હવે રવિવારે ઇંગ્લૅન્ડ સામેની મૅચ પણ પડકારરૂપ બનવાની ધારણા છે.
શુક્રવારની મૅચમાં ભારતીય ટીમે પહેલા બે રાઉન્ડમાં આક્રમક રમી સ્પેન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસની મદદથી પેનલ્ટી કૉર્નરમા કરાયેલા ગોલથી લીડ મેળવી હતી અને બાદમાં હાર્દિક સિંહે બીજો ગૉલ ફટકારી ટીમને વિજય પંથે દોરી હતી. ભારતીય ટીમના કૅપ્ટન હરમનપ્રીત સિંહ અને વાઇસ કૅપ્ટન રોહિદાસે રક્ષણાત્મક ખેલ દાખવ્યો હતો, એનાથી મુખ્ય કૉચ ગ્રાહમ રીડ પણ પ્રભાવિત થયા હતા.
આવતી કાલે ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમે રક્ષણાત્મક ખેલ દાખવવો પડશે કેમ કે ઇંગ્લૅન્ડની ટીમે વૅલ્સ સામે તમામ ચાર ક્વાર્ટરમાં ગૉલ ફટકારીને ટીમને જોરદાર જીત અપાવી હતી.
ગ્રાહમ રીડે કહ્યું હતું કે સ્પેન સામેની પહેલી મૅચની જીતમાં ભારતની ટીમે જે રક્ષણાત્મક અભિગમ અપનાવ્યો એ જોવા લાયક હતો. ટીમના સંયુક્ત પ્રયાસથી બૉલ પર શરૂઆતથી અંત સુધી નિયંત્રણ રહ્યું હતું અને સ્પેનની ટીમને ગૉલ ફટકારવાની તક મળી જ નહોતી. ઇંગ્લૅન્ડ સામે પણ ટીમની આવી રણનીતિ જીત મેળવી શકે છે.
ભારતીય ટીમના અનુભવી ખેલાડી પી આર શ્રીજેશ અને કૃષ્ણ બહાદુર પાઠકે સારી રમત દાખવી, પરંતુ ઇંગ્લૅન્ડના ગોલકીપર પેનેએ પણ વૅલ્સની ટીમના ગૉલ ફટકારવાના કેટલાય પ્રયાસો નિષ્ફળ કર્યા હતા. સ્પેન સામેની મૅચમાં ભારતની ટીમની એકમાત્ર કમજોરી પેનલ્ટી કોર્નર રહી હતી. પાંચમાંથી એક પણ વાર ટીમ પેનલ્ટી કોર્નરને સીધા ગૉલમાં ફેરવી શકી નહોતી.
રવિવારની મૅચ ભારતની જેમ ઇંગ્લૅન્ડ માટે પણ ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાકું કરવા માટે મહત્ત્વની છે. યજમાન ભારતીય ટીમની જેમ ઇંગ્લૅન્ડની ટીમ પણ પુલમાં ટોચે રહીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશવા થનગની રહી છે. એટલે સાવધાની જરૂરી છે. હૉકી વિશ્વ રેન્કિંગમાં ભારત છઠ્ઠા સ્થાને છે અને ઇંગ્લૅન્ડ પાંચમા નંબરે છે. આમ બંને ટીમ રેન્કિંગની જેમ મેદાનમાં પણ લગભગ લગોલગ ટક્કર આપે છે. આવતી કાલની મૅચ બંને માટે મહત્ત્વની છે અને મુકાબલો રસપ્રદ બની રહેવાની ધારણા છે.