• શનિવાર, 27 એપ્રિલ, 2024

ડબ્લ્યુટીસી ફાઈનલ માટે ઈશાન કિશન અને કેએસ ભરતના નામની ચર્ચા  

દિનેશ કાર્તિક અને રવિ શાત્રીના મતે કેએસ ભરતની પસંદગી થાય તેવી શક્યતા 

નવી દિલ્હી, તા. 27 : ઓસ્ટ્રેલિયા સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ક્યાં વિકેટકીપરને તક મળવી જોઈએ. તેને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાત્રી અને વિકેટકીપર દિનેશ કાર્તિકે પોતાનો મત વ્યક્ત કર્યો છે. સાતમી જૂનથી લંડનના ઓવલમાં ડબ્લ્યુટીસી ફાઈનલ રમાશે. તેવામાં અટકળો લાગી રહી છે કે ઈશાન કિશનને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. આ તમામ આશંકાઓ વચ્ચે રવિ શાત્રીએ નિવેદન આપ્યું છે. શાત્રીના કહેવા પ્રમાણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ફાઈનલમાં વિકેટકીપરની ભૂમિકામાં કેએસ ભરત ટીમ મેનેજમેન્ટની પસંદગી હોય શકે છે. 

વિકેટકીપર ઋષભ પંત ઈજામાંથી બહાર આવી રહ્યો છે. તેના વિકલ્પ લોકેશ રાહુલની પણ સર્જરી થઈ છે. આ દરમિયાન ટીમ મેનેજમેન્ટ દુવિધામાં છે કે સાતમી જૂનથી શરૂ થનારા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલમાં ઈશાન કિશન અને કેએસ ભરતમાંથી કોને પસંદ કરવામાં આવે? શાત્રીએ કહ્યું હતું કે ભરતે વર્ષની શરૂઆતમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિકેટકીપિંગ કરી હતી. જેને ધ્યાને લઈને આશા છે કેએસ ભરતને પસંદ કરવામાં આવશે. ભરતે ઓસ્ટ્રેલિયા સામેના તમામ ટેસ્ટ મેચ રમ્યા હતા. જેના કારણે ઈશાન કિશનને બદલે ભરતને પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. 

ભારતનું પ્રદર્શન ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં નોંધપાત્ર રહ્યું નથી. તેણે વિકેટકીપિંગ સારી કરી હતી પણ બેટિંગમાં કમાલ કરી શક્યો નહોતો. તે માત્ર 101 રન જ કરી શક્યો હતો. જો કે ભરતે માત્ર ચાર ટેસ્ટ મેચ જ રમ્યા છે. જ્યારે 90 પ્રથમ શ્રેણીના મેચ રમી ચૂક્યો છે. બીજી તરફ ઈશાને હજી સુધી ટેસ્ટમાં પદાર્પણ કર્યું નથી અને 48 પ્રથમશ્રેણીના મેચ રમ્યા છે. ઈશાન કિશનને ઓસ્ટ્રેલિયા સામે તક મળી નથી. આઈપીએલમાં કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયા બાદ ડબલ્યુટીસી ફાઈનલમાં ઈશાન કિશનને સામેલ કરવામાં આવ્યો છે. ઈશાને ગયા વર્ષના અંતમાં ચટગાંવમાં બંગલાદેશ સામે વનડેમાં બેવડી સદી કરી હતી. દિનેશ કાર્તિકના કહેવા પ્રમાણે પણ કેએસ ભરત પહેલી પસંદ હોવો જોઈએ.