લૉરા (68) અને ગાર્ડનરની (41) આતશબાજી પછી છેલ્લી અૉવરમાં હેમલતા અને હરલીને બાવીસ રન ફટકાર્યા
આશિષ ભીન્ડે તરફથી
મુંબઈ, તા. 18 : પ્લૅઅૉફ્ફમાં સ્થાન બનાવવાની આછી-પાતળી શક્યતા ધરાવતી રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર અને પોતાની છેલ્લી મૅચમાં સ્ટારસ્ટડેડ દિલ્હી કૅપિટલ્સને પરાસ્ત કર્યા બાદ સ્પર્ધાના નૉકઆઉટ તબક્કામાં જગ્યા પાકી કરવાની આશા જીવંત રાખવા માટે રમી રહેલી ગુજરાત જાયન્ટ્સ વચ્ચેનો મુકાબલો અપેક્ષા પ્રમાણે જ રસાકસીભર્યો રહ્યો હતો. બ્રેબોર્ન સ્ટેડિયમ પર ટૉસ જીતીને ગુજરાત જાયન્ટ્સની સુકાની સ્નેહ રાણાએ પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય લઈ ચાર વિકેટે 188નો તાતિંગ સ્કૉર ખડો કર્યો હતો.
આ પહેલાંના મુકાબલામાંથી પ્રેરણા લેતા હોય તેમ ગુજરાતનાં બૅટરોએ શરૂઆતની બે અૉવરમાં અનુક્રમે 11 અને 10 રન લઈ જોરદાર શરૂઆત કરી હતી. અૉપનર સોફિયા ડંકલી અને છેલ્લી મૅચની સ્ટાર પરફૉર્મર લૉરા વૉલ્ડવાર્ડ્ટની જોડી ગૅમને બેંગલોરની પકડથી દૂર લઈ જશે એવું લાગતું હતું ત્યારે ત્રીજી અૉવરમાં સોફી ડિવાઈને સોફિયા ડંકલીને 16 રનના વ્યક્તિગત સ્કૉર પર બૉલ્ડ કરી બેંગલોરને પહેલી સફળતા અપાવી હતી. વન-ડાઉન આવેલી સભ્ભીનેની મેઘના ધીમી શરૂઆત બાદ ફાકડી ફટકાબાજી શરૂ કરી હતી, બીજા છેડે લૉરાએ પણ રન ગતિને જાળવી રાખતાં સંયમિત આક્રમણ સાથે દાવને આગળ વધારતાં સત્તાવન રનની ભાગીદારી કરી હતી. લયમાં આવવા લાગેલી મેઘના પ્રીતિ બોસને આગળ આવી ઊંચો ફટકો મારવાના પ્રયાસમાં સ્ટમ્પ્ડ થઈ હતી, તેણે 32 બૉલમાં ચાર ચોગ્ગા સાથે 31 રન કર્યા હતા. એશ્લે ગાર્ડનરે આવતાવેંત બીજા જ બૉલમાં શોભના આશાને છગ્ગો ફટકારી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. દાવની ચૌદમી અૉવરમાં એલ્સી પૅરીએ નાખેલા નો-બૉલ પછીની ફ્રી હિટમાં છગ્ગો ફટકારી લૉરાએ 35 બૉલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ પહેલાંની મૅચમાં દિલ્હી સામે તેણે 45 બૉલમાં 57 રન કર્યા હતા.
30 બૉલમાં લૉરા અને ગાર્ડનરે 50 રનની ભાગીદારી કરી હતી, જોકે, આ સીમાચિહ્ન પાર કર્યા પછી શ્રેયંકા પાટીલના ફૂલટૉસને મારવાના પ્રયાસમાં મિડવિકેટ પર પ્રીતિ બોસનીને કૅચ આપી દીધો હતો. તેણે 42 બૉલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે 68 રન કર્યા હતા. લૉરાની વિકેટ પછી ગાર્ડનરે દોર હાથમાં લેતાં દાવની 18મી અૉવરમાં આશાને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. એ પછી વધુ એક ચોગ્ગો ફટકારી તે શ્રેયંકાનો બીજો શિકાર બની એલબીડબ્લ્યુ થઈ હતી. 26 બૉલમાં કરેલા 41 રનમાં છ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. છેલ્લી પાંચ અૉવરમાં ગુજરાતે 67 રન કરી 188નો સ્કૉર ખડો કર્યો હતો. છેલ્લી અૉવરમાં હરલીન દેઓલ અને ડી હેમલતાએ બાવીસ રન કર્યા હતા. આ પહેલા મહિલા દિને (આઠમી માર્ચ) આ જ સ્ટેડિયમ પર બેંગલોર સામે રમાયેલી લીગ મૅચમાં ગુજરાતે 201 રન કર્યા હતા.