• બુધવાર, 08 મે, 2024

અમદાવાદમાં ખતરનાક બને છે શુભમન ગીલ  

2023માં અમદાવાદના મેદાનમાં ફટકારી ચૂક્યો છે ચાર સદી 

અમદાવાદ, તા. 27 : ભારતીય ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલને અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખુબ પસંદ આવવા લાગ્યું છે જ્યારે પણ અમદાવાદના સ્ટેડિયમમાં ગીલ ઉતરે છે ત્યારે રેકોર્ડ બનાવે છે. આ મેદાનમાં ગીલનું બેટ જોરદાર રીતે ચાલે છે. ગીલ ભારતીય ટીમ માટે રમતા આ મેદાનમાં ટેસ્ટ મેચ અને ટી20મા સદી કરી ચૂક્યો છે. 

26મી મેના રોજ આઈપીએલના ક્વોલિફાયર 2 મેચમાં મુંબઈ અને ગુજરાતની ટીમ આમન સામને હતી. આ મુકાબલામાં ગુજરાત તરફથી ઓપનિંગમાં આવેલા ગીલને તબાહી મચાવી હતી અને તોફાની અંદાજમાં સદી કરી હતી. ગીલે માત્ર 49 બોલમાં સદી પૂરી કરી હતી. જેમાં સ્ટ્રાઈક રેટ 212નો રહ્યો હતો. ગીલે મુકાબલામાં 60 બોલમાં 129 રનની ઈનિંગ મી હતી. તેણે ઈનિંગમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગના કારણે ગીલ વર્તમાન આઈપીએલ સીઝનમાં ઓરેન્જ કેપની રેસમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. તેણે ફાફ ડુપ્લેસિસને પાછળ છોડી દીધો છે. ગીલે વર્તમાન સીઝનમાં 16 મેચમાં 851 રન કર્યા છે. જેની સરેરાશ 60.78ની રહી છે. શુભમન ગીલ આ સાથે આઈપીએલ પ્લેઓમાં સદી કરનારો સાતમો ખેલાડી બન્યો છે અને સૌથી યુવા ખેલાડી પણ છે. તેણે 23 વર્ષ 260 દિવસની ઉમરે સદી કરી છે. આ ઉપરાંત પ્લેઓફમાં સૌથી ઝડપી  સદીમાં સંયુક્ત રીતે પહેલા સ્થાને છે. ગીલ ઉપરાંત સાહા અને રજત પાટિદારે 49-49 બોલમાં સદી કરી છે. વર્તમાન આઈપીએલમાં ગીલની આ ત્રીજી સદી હતી. આ પહેલા બન્ને સદી ગ્રુપ સ્ટેજ મેચમાં કરી હતી. ગીલ એક આઈપીએલ સીઝનમાં ત્રણ કે તેથી વધારે સદી કરનારો ત્રીજો ખેલાડી છે. કોહલીએ 2016મા અને જોસ બટલરે 2022મા 4-4 સદી કરી છે.