• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

રણજી ટ્રૉફી : રાજસ્થાન સામે પકડ જમાવતું સૌરાષ્ટ્ર  

સૌરાષ્ટ્રના 328 રનના જવાબમાં રાજસ્થાનના 6/19; શેલ્ડન જેક્સનની સદી 

રાજકોટ, તા.10: રણજી ટ્રોફી એલિટ ગ્રુપના રાજસ્થાન વિરુદ્ધ જયપુર ખાતે રમાઇ રહેલ મેચમાં વર્તમાન ચેમ્પિયન સૌરાષ્ટ્રની ટીમે મજબૂત પકડ જમાવી છે. નોકઆઉટ રાઉન્ડની આશા જીવંત રાખવા માટે સૌરાષ્ટ્રને મેચમાં જીત જરૂરી છે. સૌરાષ્ટ્રના પ્રથમ દાવમાં 328 રનના જવાબમાં આજે બીજા દિવસની રમતના અંતે રાજસ્થાન ટીમના 6 વિકેટે 19 રન થયા હતા. તે સૌરાષ્ટ્રથી હજુ 169 રન પાછળ છે અને 4 વિકેટ હાથમાં છે. 

સૌરાષ્ટ્ર તરફથી પહેલા દાવમાં સ્ટાર ચેતેશ્વર પુજારાની સદી (110) બાદ આજે અનુભવી મીડલ ઓર્ડર બેટર શેલ્ડન જેક્સને પણ સદી ફટકારી હતી. તે 249 દડામાં 8 ચોકકા-4 છક્કાથી 116 રને આઉટ થયો હતો. ધર્મેન્દ્ર જાડેજાએ 34 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી અજય સિંહે અને અનિકેત ચૌધરીએ 4 વિકેટ લીધી હતી.

પછી રાજસ્થાન ટીમ ધર્મેન્દ્ર જાડેજા અને યુવરાજ ડોડિયાની સ્પિન જાળમાં ફસાઇ હતી અને 159 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કપ્તાન દીપક હુડ્ડા 36 રને આઉટ થયો હતો. ધર્મેન્દ્ર અને યુવરાજે 3-3 વિકેટ લીધી હતી.