• સોમવાર, 23 જૂન, 2025

હર સાખ પર ઉલ્લુ બૈઠા હૈ...

રતીય સેનાએ ગણતરીના દિવસોમાં - ઘડીના છઠ્ઠા ભાગમાં પાકિસ્તાની આતંકી અડ્ડાનો સફાયો કરીને પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી નહીં, ધમકી આપી દીધી છે કે હવે જો એક પણ આતંકી હુમલો થશે તો તે માટે પાકિસ્તાન જવાબદાર ગણાશે અને સજા ભોગવશે. દેશના દુશ્મનને આપણે જવાબ બરાબર આપ્યો છે પણ ઘરમાં બેઠેલા ભારતના જ હિતશત્રુ - ગદ્દાર દેશદ્રોહીઓને સજા ક્યારે થશે? કાયદા અનુસાર સજાની કાર્યવાહીમાં વિલંબ થશે પણ જનતાની અદાલતે આખરી ચુકાદો આપવાનો સમય હવે પાકી ગયો છે.

આતંક સામે દેશની જનતાએ - ભાષા અથવા જાત-પાતના ભેદભાવ વિના એકતા બતાવી છે. દુશ્મનના આક્રમણ વખતે મેરા ભારત મહાન - એકતાનું વિરાટ સ્વરૂપ જોવા મળ્યું છે. આ વખતે પણ પહલગામમાં દેશના ખૂણે ખૂણેથી આવેલા પર્યટકોને માત્ર ધર્મ - હિન્દુ પૂછીને હત્યાકાંડ થયો તે પછી માત્ર હિન્દુ નહીં, તમામ હિન્દુસ્તાનીઓ - મુસ્લિમ, શીખ - ઇસાઈ - તમામનું લોહી ઊકળી ઊઠયું. માત્ર હિન્દુ નહીં - હિન્દુસ્તાની લોહી છે. દંભી - નકલી સેક્યુલરવાદીઓને આ જવાબ છે. મઝહબના નામે ભારતમાં કોમી હુલ્લડ અને અશાંતિ સર્જવા માગતા દુશ્મનને અખંડ ભારતનો આ જવાબ છે.

પણ આપણા ઘરમાં બેસીને ઘોર ખોદતા કેટલાક રાજકીય નેતાઓને ભારતની એકતા આંખમાં કણાની જેમ ખૂંચે છે અને પેટમાં ચૂંક આવે છે! પહલગામમાં હત્યારાઓએ હિન્દુધર્મીઓને નિશાન બનાવ્યા એટલે આ નેતાઓનો નકલી સેક્યુલરવાદ સળવળ્યો : સળગાવ્યો અને હત્યારાઓના બદલે ભારત સરકાર સામે સવાલ ઉઠાવ્યા. ભાજપનો ચૂંટણી વ્યૂહ હોવાના નાદાનિયતભર્યા આક્ષેપ થયા.

આ પછી ભારતે પાકિસ્તાની આતંકી અડ્ડાઓ ઉપર હુમલા શરૂ કર્યા ત્યારે પણ શંકા અને આપણી સેનાની શક્તિ અને કાર્યવાહીમાં શંકા જગાવવાના પ્રયાસ થયા. `કેટલા આતંકી માર્યા? પહલગામના હત્યારાઓને જીવતા પકડીને અમારી સામે હાજર કરો' - એવી મૂર્ખામીભરી માગણી થઈ. આપણા વિદેશપ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી કે આતંક સામેની કાર્યવાહીમાં દખલ કરતા નહીં, ભારતે પાકિસ્તાની સેના ઉપર હુમલા કર્યા નથી. આમ છતાં પાકિસ્તાને ડ્રૉન - મિસાઇલ્સ હુમલા કર્યા. ડ્રૉનનાં ઝુંડનાં ઝુંડ આવ્યાં અને મગતરાં - મચ્છરની જેમ આપણે મસળી નાખ્યાં. પાકિસ્તાનની અંદર ઘૂસીને વીણી વીણીને માર્યા ત્યારે અમેરિકાની સલાહથી પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામની આજીજી કરી અને ભારતે માન્ય રાખી. સાથે સ્પષ્ટતા કરી કે યુદ્ધ સ્થગિત છે - બંધ - સમાપ્ત નથી. આટલી સ્પષ્ટતા હોવા છતાં કૉંગ્રેસે હોબાળો મચાવ્યો કે અમેરિકાના દબાણ હેઠળ ભારત ઝૂકી પડયું છે! ટ્રમ્પને તો યશ ખાટવો હતો પણ કૉંગ્રેસી નેતાના દાંત કેમ ખાટા થઈ ગયા?! પાકિસ્તાને શરણાગતિ માગી એટલે કોની આબરૂ અને શેખી ધૂળમાં મળી?

ત્રીજા પક્ષની દખલગીરી ભારત કદી નહીં સ્વીકારે. ભૂતકાળમાં આપણે લાલબહાદુર શાત્રી ગુમાવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલના વિરોધ છતાં નેહરુએ કાશ્મીર મામલો યુએનમાં લઈ જવાની ભૂલ કરી જેનું પરિણામ આપણે આજ સુધી ભોગવીએ છીએ. હવે નરેન્દ્ર મોદી ભૂલ કદી નહીં કરે પણ કૉંગ્રેસ હજુ નેહરુના ગુણગાન ગાય છે! સિંધુ નદીનાં જળ 80 ટકા પાકિસ્તાનને આપવાની સમજૂતી નેહરુએ કરી અને ઉપરથી નહેરો બાંધવા પાકિસ્તાનને 83 કરોડ રૂપિયાની સહાય આપી. અત્યારે 83 કરોડની કિંમત 5500 કરોડ થાય છે! ખાતર ઉપર દીવેલ? પાકિસ્તાન પાસેથી `શાંતિ ખરીદવા'ની કિંમત ચૂકવાઈ હોવાનું નેહરુએ જણાવ્યું! શાંતિ ખરીદી, કે આતંક?

આપણા વિદેશપ્રધાન જયશંકરે પાકિસ્તાનને ચેતવણી આપી હતી અને વિદેશ ખાતાએ આ અંગે સ્પષ્ટતા કરીને જણાવ્યું હોવા છતાં શ્રીમાન રાહુલ ગાંધી વારંવાર આક્ષેપ કરે છે કે જયશંકરે પાકિસ્તાનને આગોતરી માહિતી આપી દીધી તેથી આપણાં વિમાનો તોડી પાડવામાં આવ્યાં અને ઘણા આતંકીઓ પણ ભાગી ગયા - કેટલાં વિમાનો પાકિસ્તાને તોડયાં - જાહેર કરો! પાકિસ્તાનને મદદ કરવા માટે આવા આક્ષેપ થાય છે? આનો ઉપયોગ પાકિસ્તાની ટીવી ઉપર ભારતવિરોધી પ્રચારમાં થાય છે.

હદ તો ત્યારે થઈ જ્યારે શિવશંકરને `જયચંદ' કહેવામાં આવ્યા. વાસ્તવમાં અમિત શાહ અને જયશંકર તો મોદીના ડાબા-જમણા હાથ છે. આંતરરાષ્ટ્રીય તખતા ઉપર પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે તેથી જ એમનું રાજીનામું માગીને બદનામ કરવાનો પ્રયાસ છે.

`જયચંદ'ના જવાબમાં ભારતે રાહુલ ગાંધીને `મીર જાફર' ગણાવ્યા છે. મીર જાફર બંગાળની સેનામાં સિરાજ ઉદ્ દૌલ્લાનાં કમાન્ડર હતા પણ પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરીને બંગાળને દગો કર્યો હતો!

દેશદ્રોહીઓનો ઇતિહાસ છે : કારગિલ લડાઈ વખતે પણ કૉંગ્રેસે ભાજપ ઉપર આશંકા અને આક્ષેપો કર્યા હતા. પાકિસ્તાને આક્રમણ કર્યું હોવાનું સ્વીકારવા તૈયાર ન હતા અને પછી જ્યોર્જ ફર્નાન્ડિસ ઉપર આક્ષેપ કર્યો કે શહીદોનાં કફન ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો છે! પુલવામા અને બાલાકોટ વખતે પણ આક્ષેપોના ગપગોળા છોડયા હતા. સૌથી ગંભીર - ફ્રેંચ રાફેલ વિમાનોની ખરીદીના કરાર ભારતના પૂર્વ સંરક્ષણપ્રધાન મનોહર પર્રિકરે કર્યા પછી રાહુલ ગાંધી `ભ્રષ્ટાચાર'ના પુરાવા મેળવવા પેરીસ ગયા અને પછી ભારત આવીને સંસદમાં આક્ષેપ કર્યા. આખરે સુપ્રીમ કોર્ટની તપાસમાં નાક કપાવ્યું પણ રાહુલના પ્રયાસ બોફોર્સનો બદલો લેવા અને ભાજપ ઉપર દાઝ ઉતારવા માટે હતા! આંતરિક રાજકારણમાં - વડા પ્રધાન બનવાની ઉતાવળ - મહેચ્છામાં ભારતનાં હિતનો ભોગ લેવાય નહીં એમ કોણ સમજાવે?

યુદ્ધવિરામ પછી પત્રકારો અને દેશને માહિતી આપવા માટે - બે મહિલા સેના અધિકારીઓની પસંદગી થઈ તે કાબિલે-દાદ હતી. આમાંના એક પ્રવક્તા કર્નલ સોફિયા કુરેશી હતાં. એમના વિષે મધ્યપ્રદેશના એક પ્રધાન કુંવર વિજય શાહે અયોગ્ય - અપમાનજનક ટકોર કરી. `આતંકવાદીઓની બહેન' કહેવાની જરૂર હતી? એમની નિષ્ઠા અને ભારત પ્રતિની વફાદારીમાં શંકા જગાવે તેવી ટિપ્પણી સામે વિરોધ જાગ્યો. હાઈ કોર્ટના હુકમ પછી પોલીસે એફઆઈઆર નોંધી અને ધરપકડ રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ - પણ અદાલતે સાફ કહ્યું કે છટકવા માટે મગરના આંસુની જેમ માફી માગી છે! આ કેસની તપાસ કરવા વિશેષ સમિતિ નીમાઈ છે અને તેનો અહેવાલ સુપ્રીમ કોર્ટને આપવો પડશે.

આપણા વિદેશ ખાતાના સચિવ વિક્રમ મિસરીએ રોજ પત્રકારો અને દેશને માહિતગાર રાખવા શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવા છતાં કેટલાક નેતાઓએ વિવાદ સર્જ્યો!

પાકિસ્તાની આતંકના વિરોધ અને અૉપરેશન સિંદૂરના સમર્થનમાં દેશભરમાં સરઘસ નીકળ્યાં. પાકિસ્તાન ઉપરાંત તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર શરૂ થયો. પર્યટક કંપનીઓએ બુકિંગ કેન્સલ કર્યાં. સર્વત્ર સ્વદેશાભિમાનનો જુવાળ હોય ત્યારે સંજય રાઉત જેવા નેતાઓ વિરોધના આલાપ શરૂ કરે તે કમનસીબી છે.

કૉંગ્રેસની જૂની આદત છે. સત્તા અમારો જન્મસિદ્ધ અધિકાર છે! ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ પણ ફિલ્ડ માર્શલ માણેકશાને યોગ્ય આદર આપ્યો નહોતો. ફિલ્ડ માર્શલ પણ નાછૂટકે બનાવ્યા પણ મરણોત્તર અપમાન થયું. રાષ્ટ્રપતિ ડૉ. કલામ એમને મળવા હૉસ્પિટલમાં ગયા અને પૂછ્યું - કોઈ સમસ્યા, ફરિયાદ તો નથી ને? ત્યારે માણેકશાએ કહ્યું - `જી, મોટી સમસ્યા છે. મારા રાષ્ટ્રપતિ - ત્રણે દળોના સરસેનાધિપતિ આવ્યા છે અને હું ઊભો થઈને સલામ કરી શકતો નથી, તેનો રંજ છે.' આ એક સૈનિકની શિસ્ત હતી.

ફિલ્ડ માર્શલ માણેકશાનું મરણોત્તર અપમાન...

બાંગ્લાદેશના યુદ્ધ અને વિજય પછી આપણા સેનાપતિ - માણેકશાનું નામ દેશભરમાં - અને વિદેશોમાં ગાજતું થયું અને આપણા - લશ્કરી અને રાજકીય ઇતિહાસમાં અમર થયું. વી. કે. કૃષ્ણમેનન સંરક્ષણ પ્રધાન હતા ત્યારે ભારતીય સેનાના વડા જનરલ કે. એસ. થિમૈયા સાથે મતભેદ હતા અને આ વિવાદ ઘણો ચગ્યો હતો. માણેકશા અને ઇન્દિરા ગાંધી વચ્ચે સંબંધ સારા હતા. `લક્ષ્મણ રેખા'ની મર્યાદા હતી. આમ છતાં બાંગ્લાદેશમાં વિજય પછી ઇન્દિરા ગાંધીને હટાવીને માણેકશા સર્વ-સત્તાધીશ બની જશે એવી જોરદાર હવા હતી અને ત્યાં સુધી કે ઇન્દિરાજીએ જાતે જ માણેકશાને આ બાબત પૂછયું હતું - ત્યારે માણેકશાનો જવાબ હતો : તમારી જેમ મારું નાક પણ લાંબું છે છતાં હું બીજાના કામમાં `ચાંચ' ડુબાવતો નથી!

અગાઉ એમને ફિલ્ડ માર્શલ બનાવવાનો પ્રસ્તાવ હતો ત્યારે સંરક્ષણ પ્રધાન જગજીવનરામે વિરોધ કર્યો હતો. અમલદારશાહીનો પણ વિરોધ હતો. સેનાનો અભિપ્રાય અને સૂચન હતું - ભારતરત્નનો ખિતાબ પણ મળવો જોઇએ પણ અસ્વીકાર થયો માણેકશા જ્યારે નવી દિલ્હીથી કોઇમ્બતુરની વિશેષ ટ્રેનમાં બેઠા ત્યારે એમને વિદાય આપવા માટે કોઈએ જવાની જરૂર નથી - એવા મૌખિક આદેશ અપાયા હતા, એમ કહેવાય છે. આ પછી એમના દફન સ્થળે પુષ્પાંજલિ અર્પવા માટે સંરક્ષણ પ્રધાન ગયા અને સેનાના ઉચ્ચ અફસરો પણ જોડાયા ત્યારે માણેકશાની નાની પુત્રી માજા દારૂવાલાએ એમનો આભાર માન્યો.

વડા પ્રધાન નેહરુ અને સંરક્ષણ પ્રધાન યશવંતરાવ ચવ્હાણને માણેકશા 1962ના `ધબડકા' અંગે માહિતી આપી રહ્યા હતા ત્યાં ઇન્દિરા ગાંધી પણ બેઠકમાં જોડાવા માગતાં હતાં. માણેકશાએ ચોખ્ખી ના પાડી. ગુપ્તતાના શપથ લીધા હોય નહીં એવી વ્યક્તિ માટે દ્વાર બંધ છે... આ માહિતી ચવ્હાણના અંગત સચિવ આર. બી. પ્રધાને એમના પુસ્તકમાં આપી છે. આ ઘટનાનાં સાત વર્ષ પછી ઇન્દિરા ગાંધીએ એમને સેનાના વડા બનાવ્યા... અને ચવ્હાણે માણેકશા સામેના અફવા આધારિત આક્ષેપની તપાસ - સુનાવણી રદ કરી...

બાંગ્લાદેશના યુદ્ધ પહેલાં નિરાશ્રિતોની વણઝાર વધતી ગઈ ત્યારે ઇન્દિરા ગાંધીએ પૂછયું - તમે શું કરો છો? માણેકશાનો જવાબ હતો - કંઈ જ નહીં: તમે બીએસએફ, સીઆરપી અને ગુપ્તચર એજન્સી - રૉને કામે લગાડયા અને પાકિસ્તાનીઓને ભડકાવ્યા ત્યારે મને પૂછ્યું હતું? હવે મુશ્કેલીમાં મને યાદ કર્યો! મારું નાક લાંબું છે અને ક્યાં શું ચાલે છે તે જાણું છું!

વર્ષ 1973માં પહેલી જાન્યુઆરીએ માણેકશાને ભારતના ફિલ્ડ માર્શલપદથી નવાજવામાં આવ્યા, પણ આ સોનાનું પીંજરું હતું. 

એમને આર્થિક લાભ કોઈ જ નહીં ત્યારે નાની પાલખીવાલાએ એમને સલાહ આપી કે તમે વીસ જેટલી ખાનગી કંપનીઓના બોર્ડમાં સભ્ય બની શકો છો. માણેકશા જે કંપનીઓનાં બોર્ડમાં હતા, તેમાં બ્રિટાનિયા, બૉમ્બે બર્મા, હેરિસન, નાગાર્જુન ફર્ટિલાઇઝર તથા ઓબેરોય ગ્રુપનો સમાવેશ થાય છે. ફિલ્ડ માર્શલ થયા પછી એમના પગાર - ભથ્થાં વગેરે બંધ થયાં હતાં. આખરે એરિયર્સ - ચડેલા પેન્શનનો ચેક રૂા. 1.16 કરોડ આપવા માટે સંરક્ષણ ખાતાના સેક્રેટરી શેખર દત્ત તામિલનાડુના વેલિંગ્ટન ખાતેની આર્મી હૉસ્પિટલમાં ગયા ત્યારે 93 વર્ષના માણેકશાએ પૂછ્યું - આ રકમ ઉપર કોઈ ટૅક્સ છે? શેખર દત્તે જવાબ આપ્યો - જો હશે તો ઓછામાં ઓછો લાગશે... હકીકતમાં ટૅક્સ ફ્રી હોવાની જોગવાઈ અથવા ખાતરી અપાઈ - પણ શું થયું? શરમજનક વાત તો એ છે કે 27મી જૂને માણેકશાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે એમની અંતિમયાત્રામાં કોઈ રાજકીય નેતા જોડાયા નહીં. ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલને ઝોરાષ્ટ્રીયન રીતરસમ પછી 17 તોપોની આખરી સલામી આપવામાં આવી.

અંતિમયાત્રા વખતે સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટની આવ્યા નહીં: ભારતીય સેનાની ત્રણે પાંખોના વડા પણ હાજર રહ્યા નહીં! આપણી સેનાના જવાનો જ નહીં, લોકોને પણ આઘાત લાગ્યો. આક્રોશ ઊઠયો. સંરક્ષણ પ્રધાન એન્ટની - રાજકીય મિટિંગ હોવાથી આવી શક્યા નહીં એવો ખુલાસો થયો! એમણે શોકસંદેશો મોકલી આપ્યો!

આ સંબંધમાં મુંબઈના પરવેઝ જમાસજીનો અનુભવ જાણવા જેવો છે! ભારતીય ઍરફોર્સમાં હેલિકૉપ્ટર પાઇલટ તરીકે એમણે બાંગ્લાદેશ લડાઈમાં ભાગ લીધો હતો. લડાઈ શરૂ થઈ તે પહેલાંથી જ પુરવઠો પૂરો પાડતા હતા. મહારાષ્ટ્ર સરકારે એમને રૂા. 1400નું વર્ષાસન વર્ષ 2003થી શરૂ કર્યું અને પછી વધારીને રૂા. 2670 કરવામાં આવ્યું. આ પછી સરકારનું ધ્યાન ગયું કે 65 વર્ષથી વધુ ઉંમર થઈ હોય તો વર્ષાસન માત્ર 50 ટકા જ મળે અને પરવેઝભાઈની વય 69 છે અને છેલ્લાં બે વર્ષમાં એમને પૂરા 100 ટકા મળ્યા હોવાથી વધારે ચૂકવાયેલા રૂા. 2245 વસૂલ કરવાના છે!

`વીરચક્ર'નો ખિતાબ મેળવેલા પરવેઝભાઈએ મુંબઈની દાદર પારસી કૉલોનીના રહેઠાણેથી ચેક મોકલી આપ્યો: આભાર સહિત!