• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

સત્તા માટે ભાષાનું શત્ર

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં હિન્દી ભાષા સામે વિરોધ આંદોલન જગાવીને તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિને રાજકારણનો નવો મોરચો ખોલ્યો છે. સ્ટાલિનના પાટવીકુંવરે સનાતન ધર્મ સામે કુપ્રચારની જેહાદ જગાવીને કૉંગ્રેસના ઇન્ડિ મોરચાને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો, પણ સંજોગવશાત્ મહાકુંભનો મહોત્સવ યોજાયો અને સનાતન ધર્મના વિરોધીઓની બોલતી બંધ થઈ ગઈ. આ પછી મહાશિવરાત્રિ સદ્ગુરુ જગ્ગી વાસુદેવ આયોજિત મહોત્સવમાં લાખો લોકો જોડાયા. ઉત્તર ભારતમાં બાગેશ્વર બાબાની ધૂન અને સંદેશ પછી હોળી ઉત્સવના કારણે વાતાવરણ અને રાજકારણ ધર્મમય બની ગયું છે ત્યારે ડીએમકેના સુપ્રીમો સ્ટાલિને રાષ્ટ્રીય શિક્ષણનીતિ - વિશેષ કરીને હિન્દી ભાષા સામે રાજકીય જેહાદ જગાવવાની શરૂઆત કરી છે! ભાજપવિરોધી અન્ય રાજ્યો અથવા પક્ષોનો સાથ મેળવવા રાજ્યોનાં સીમાંકન - જેના આધારે લોકસભાની રાજ્યવાર બેઠકો નક્કી થાય છે - સામે આંદોલન શરૂ કર્યું છે. તામિલનાડુમાં ડીએમકેનો મૂળ વિરોધ રાજકીય - ભાજપ સામે છે. ભાજપ ભાષાના રાજકારણથી ભારતની એકતા તોડે છે - એવો વાહિયાત આક્ષેપ થાય છે. હકીકતમાં ડીએમકેને ભય છે કે ભાજપ હવે દક્ષિણમાં લોકપ્રિય બને છે તેથી ગમે તે રીતે - ભોગે બ્રેક મારવાની જરૂર છે!

તામિલનાડુ હિન્દીવિરોધી અભિયાન - અથવા આક્રમણમાં દક્ષિણ ભારતનાં કર્ણાટક, કેરળ, તેલંગણા અને આંધ્ર ઉપરાંત ઓડિસા અને પંજાબને સાથે લેવા માગે છે. બાવીસમી માર્ચે ‘એકતા’ માટે આ તમામ રાજ્યોના સિનિયર નેતાઓને આમંત્ર્યા છે! ભાષા ઉપરાંત સીમાંકન - વસતિના આધારે લોકસભાની બેઠકો મળે એ પ્રશ્ન પણ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે, તામિલનાડુની 39 બેઠકો છે તેમાં એક પણ ઓછી નહીં થાય. (વાસ્તવમાં નૂતન સંસદમાં કુલ 800થી વધુ સભ્યોની બેઠકો છે) છતાં સ્ટાલિને નવદંપતીને સલાહ આપી છે કે વધુ બાળકો હોવાં જોઇએ. હવે વસતિ વધારવાનું અભિયાન છે!

રાજકીય સંઘર્ષમાં આ નવી શરૂઆત થાય છે. કેટલાં રાજ્યો અને પક્ષો જોડાશે? સનાતન ધર્મના વિવાદમાં કૉંગ્રેસે છડેચોક મેદાનમાં આવવાને બદલે વિરોધ નહીં કરીને સાથ આપ્યો. હિન્દીભાષાનો વિરોધ કરવાનું સાહસ નહીં કરે. કેરળની બેઠક છોડીને રાયબરેલી આવ્યા છે પણ દહીં - દૂધ બંનેમાં પગ ક્યાં સુધી?

રાષ્ટ્રીય શિક્ષણનીતિ સામે ડીએમકેનો વિરોધ જૂનો છે પણ ચૂંટણી - સત્તાના રાજકારણમાં ભાષાનું શત્ર અજમાવાય છે. આઝાદી પછી 1948-49માં યુનિવર્સિટી ઍજ્યુકેશન કમિશન નિમાયું હતું અને તેના અધ્યક્ષ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન - પછી ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ કમિશને હિન્દી (ગાંધીજી સૌને સ્વીકૃત હિન્દુસ્તાની કહેતા હતા) ભાષાને રાષ્ટ્રભાષા - વહીવટની ભાષા બનાવવાની તરફેણ કરી હતી. રાજ્યોમાં પ્રાદેશિક ભાષા સ્વીકારવાનું સૂચન હતું. આ સાથે - તાત્કાલિક અંગ્રેજીનો ત્યાગ કરવાનું વ્યવહારુ ગણાય નહીં એવી ભલામણ પણ હતી. આ પંચે શાળાના શિક્ષણ માટે ત્રિભાષાની ભલામણ કરી હતી. પ્રાથમિક શિક્ષણમાં બે ભાષા અને ઉચ્ચ અભ્યાસક્રમમાં ત્રણ ભાષા હોવી જોઇએ. પ્રાદેશિક ભાષા સાથે કેન્દ્રની વહીવટી ભાષા ઇંગ્લિશમાં પુસ્તકો વાંચી શકાય તે જરૂરી ગણવામાં આવ્યું.

આ પછી વર્ષ 1964થી ’66 સુધી રાષ્ટ્રીય શિક્ષણનીતિ પંચ નિમાયું અને 1968માં વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સરકારે પંચની ભલામણો સ્વીકારી. હિન્દીભાષી રાજ્યોમાં દક્ષિણ ભારતની કોઈપણ એક ભાષા ઉપરાંત હિન્દી અને ઇંગ્લિશ માધ્યમિક શિક્ષણમાં જરૂરી અને બિન - હિન્દીભાષી રાજ્યોમાં પ્રાદેશિક ભાષા સાથે હિન્દી - ઇંગ્લિશ શિક્ષણની ભલામણ હતી. 1986માં રાજીવ ગાંધી સરકાર અને 2020માં એનડીએ - મોદી સરકારે આ નીતિ ચાલુ રાખી પણ મોદી સરકારની નીતિમાં હિન્દીભાષાનો ઉલ્લેખ નથી.

હિન્દીભાષા સામે નવેસરથી વિરોધ શરૂ થયો છે. ફરજિયાત બનાવાઈ રહી છે ત્યારે સંસદમાં શિક્ષણપ્રધાને તામિલનાડુ સરકારનો પત્ર - 2020ની રાષ્ટ્રીય શિક્ષણનીતિનો સ્વીકાર - સમર્થન કરતો પત્ર વાંચી સંભળાવ્યો પણ ડીએમકેના સભ્યોએ વિરોધ જારી રાખ્યો છે.

સિનિયર વાચકોને યાદ હશે કે 1966માં તામિલનાડુમાં હિન્દીભાષા વિરોધી હિંસક આંદોલન થયું હતું. રેલવે સ્ટેશનોએ આગ ચાંપવામાં આવી હતી. 1967ની ચૂંટણીમાં કૉંગ્રેસી મુખ્ય પ્રધાન ભક્તવત્સલમનો પરાજય થયો. ડીએમકેને સત્તા મળી અને ત્યારથી કૉંગ્રેસ તામિલનાડુમાં સત્તાભ્રષ્ટ છે. ઇન્દિરા ગાંધીએ ડીએમકેની નેતાગીરી અને કૉંગ્રેસે ભાગીદારી સ્વીકારી છે. ડીએમકેમાં ભંગાણ પડÎા પછી એમ.જી. રામચન્દ્રન અને જયલલિતાએ હિન્દીવિરોધ કરવાને બદલે ભાજપ સાથે ભાગીદારી કરી હતી!

હવે ડીએમકે ગમે તે બહાને - કારણે કેન્દ્ર સરકારનો વિરોધ કરીને સત્તા પકડી રાખવા માગે છે. મુખ્ય પ્રધાન એમ.કે. સ્ટાલિન કહે છે સંસ્કૃત અને હિન્દીભાષાના કારણે ઉત્તર ભારતની પચીસ ભાષાઓ ખતમ થઈ ગઈ છે. ભોજપુરી, મૈથીલી, અવધી, વ્રજ, બુન્દેલી, ગઢવાલી, કુમાઉની, મારવાડી, સંથાલી, માલવી વગેરે. આ ‘બોલી’ઓ હતી અને છે છતાં સ્ટાલિન કહે છે - ‘માતૃભાષા તો મધપૂડા જેવી હોય છે. છંછેડશો તો ભારે પડશે.’

પણ રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં કોઈની માતૃભાષાને છંછેડવાનો પ્રશ્ન જ નથી. હિન્દીભાષાને ફરજિયાત ઠોકી બેસાડવાનો પણ સવાલ નથી. છતાં રાજકીય ઉદ્દેશથી આવો વિરોધ અને પ્રચાર થાય છે. સ્ટાલિન કદાચ જાણતા નથી કે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં અવધી, ભોજપુરી, બુંદેલી અને વ્રજભાષા સ્વીકારી છે. જે ભાષામાં ભાષણ થાય તેનું ભાષાંતર સાથોસાથ કરવાની વ્યવસ્થા છે. ઇંગ્લિશ પણ સ્વીકાર્ય છે ત્યારે સમાજવાદી પાર્ટી ઇંગ્લિશનો વિરોધ કરે છે!

આજની વાસ્તવિકતા એવી છે કે નેતાઓ અને ધનવાનોનાં બાળકો ઇંગ્લિશ માધ્યમમાં ભણે છે ત્યારે ગરીબ વર્ગનાં બાળકો સરકારી અથવા તો મિશનરી - કોન્વેન્ટમાં ભણે છે - સૌને ઇંગ્લિશમાં ભવિષ્ય દેખાય છે - માતૃભાષાઓને જિવાડવા અભિયાન ચલાવવાં પડે છે.

સ્ટાલિનની ફરિયાદ છે કે હિન્દી દિવસની જેમ તામિળ દિવસ કેમ નહીં? પણ સ્ટાલિનની જવાબદારી છે - કોણે મનાઈ કરી છે? તેઓ કહે છે કે રશિયન ભાષા ફરજિયાત થયા પછી સોવિયેત સંઘ વેરવિખેર થયું અને છૂટા પડેલા પ્રદેશ - દેશોમાં રશિયન ભાષા લઘુમતિમાં છે! પણ સ્ટાલિન જાણતા નથી કે ચીનમાં મંડારીન ફરજિયાત છે. ઇઝરાયલ, જાપાન, જર્મનીમાં ટેકનિકલ પુસ્તકો એમની ભાષામાં છે. ભારતમાં ઇન્ડિયન પીનલ કોડ અને ફોજદારી કાયદા હિન્દીમાં તૈયાર થયા તે કોના પેટમાં દુઃખે છે? અને હવે તો ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઇંગ્લિશને સત્તાવાર ભાષા જાહેર કરી છે.

વર્ષ 2011ની વસતિગણતરીના આંકડા અનુસાર ભારતમાં 26 ટકા લોકો ‘િદ્વભાષી’ અને સાત ટકા ત્રિભાષી છે. શહેરી વિસ્તારોમાં અનુક્રમે 44 અને 15 ટકા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બાવીસ અને પાંચ ટકા છે.

તામિલનાડુમાં લઘુમતીઓની 1500 શાળાઓમાં તમિળ, તેલુગુ, ઉર્દૂ, કન્નડ, મલયાલમ વગેરે ભાષાઓ ઉપરાંત તેમાંની 770 શાળાઓમાં હિન્દી ભણાવાય છે. તમિળભાષા કરતાં ઇંગ્લિશ ભણતા વિદ્યાર્થીઓ વધુ છે.                                   

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં કોઈની માતૃભાષાને છંછેડવાનો પ્રશ્ન જ નથી. હિન્દીભાષાને ફરજિયાત ઠોકી બેસાડવાનો પણ સવાલ નથી. છતાં રાજકીય ઉદ્દેશથી આવો વિરોધ અને પ્રચાર થાય છે