દિલ્હીની ‘આપ-દા’નો અંત
આખરે દિલ્હીની ‘આપ-દા’નો અંત આવ્યો છે. કેજરીવાલને હરાવવા - હઠાવવાનું આસાન નહોતું - તેની ખાતરી ભાજપના નેતાઓને પણ થઈ હશે. અલબત્ત, કેજરીવાલ - શરાબ, શીશમહાલ અને પ્રદૂષણના કારણે યમુનાના જળમાં ડૂબ્યા છે. વડા પ્રધાન મોદીએ ઐતિહાસિક વિજય માટે દિલ્હીનાં ભાઈ-બહેનોની પ્રજા શક્તિને બિરદાવી છે. નોંધપાત્ર બાબત એ છે કે કૉંગ્રેસના ઉમેદવારોના કારણે ભાજપના ઉમેદવારો જીત્યા નથી અને ‘આપ’ના ઉમેદવારો હાર્યા નથી! હાર્યા છે માત્ર કૉંગ્રેસના ઉમેદવારો અને રાહુલ ગાંધી! હવે ઇન્ડિ મોરચાના અન્ય ભાગીદાર પ્રાદેશિક પક્ષો રાહુલ ગાંધી અને કૉંગ્રેસ ઉપર કેવો ભરોસો રાખે છે તે જોવાનું છે.
કેજરીવાલ અને અખિલેશ યાદવ હવે વોટિંગ
મશીનો ઉપર દોષારોપણ અને ચૂંટણી પંચ ઉપર કફન ઓઢાડવાનું બંધ કરે, લોકતંત્રની બદનામી બંધ
કરે. વિનાશના બદલે વિકાસની વાત કરે તો જ એમનો ઉદ્ધાર થઈ શકશે પણ વો દિન કહાં કે...?
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ
મતદાન પછીના અનુમાન મુજબ છે અને અસર રાષ્ટ્રના રાજકારણ ઉપર પડશે એ બાબત બે-મત નથી.
સૌપ્રથમ કેજરીવાલના રાજકીય ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ આવ્યો છે. જામીન ઉપર છૂટÎા પછી એમને
મતદારોની સહાનુભૂતિનો ભરોસો હતો. જનાદેશ-જનતાના આશીર્વાદ મેળવીને ફરીથી - ચોથી વખત
મુખ્ય પ્રધાન બનવાની આશાથી વધુ વિશ્વાસ હતો. પ્લાન તો રાષ્ટ્રીય કક્ષાએ વડા પ્રધાનપદના
દાવેદાર બનવાનો હતો. આ સ્વપ્ન અત્યારે તો રોળાઈ ગયું જણાય છે. આ પછી રાહુલ ગાંધીના
નેતૃત્વ સામે પ્રશ્નાર્થ છે. ભાજપ વિરોધી મોરચો-ઇન્ડિ મોરચાની જાન થનગનવા લાગી ત્યાં
દુલ્હારાજાને હરિયાણા - મહારાષ્ટ્રમાં ‘અપશુકન’ નડયાં. રાહુલ ગાંધીના નેતૃત્વ સામે બગાવત શરૂ થઈ. જાન-વરઘોડો દિલ્હી નહીં
પહોંચે એવી ખાતરી થતાં મમતાદીદી અને કેજરીવાલ દાવેદાર બન્યા. કૉંગ્રેસ અને રાહુલ ગાંધી
દિલ્હીમાં દાવ અજમાવવા માગતા હતા. કેજરીવાલ ગમે તે ભોગે હારવા જોઈએ - તો જ દિલ્હીથી
નવી દિલ્હી પહોંચી શકાય પણ રાજકારણ કેવી પલટી મારી શકે તેનો અંદાજ કોઈને છે? હવે મમતાદીદી
માને છે કે માર્ગમાંથી કાંટો નીકળી ગયો! ત્રીજા ખૂણે ભાજપે વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં
ઝંપલાવ્યું અને વડા પ્રધાન મોદીએ આખરે દિલ્હીને જ નહીં, રાષ્ટ્રના રાજકારણને ‘આપ-દા’માંથી ઉગાર્યું છે! રેવડી - રાજકારણ અને લોકોને ઊંધા ચશ્માં ચડાવતા હિરોબાજીના
નેતાઓ સામે લાલ આંખ અને રેડ સિગ્નલ છે!
અરવિંદ કેજરીવાલે 2013માં નવી દિલ્હીમાં
રેલ ભવનના પ્રાંગણમાં ધરણાં ઉપર બેઠા ત્યારે કહ્યું હતું કે તેઓ અરાજકતામાં માને છે.
સત્તાનો આ સફળ માર્ગ છે. એમના આ શબ્દો આ લખનારના કાનમાં ગૂંજે છે, ખૂંચે છે! મફતિયા
રાજકારણથી કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવી. એમનો વ્યૂહ ગુજરાતમાં પ્રભાવ
બતાવીને નરેન્દ્ર મોદીની સત્તાને પડકારવાનો હતો. કેજરીવાલે વર્ષ 2015 અને 2020માં વિધાનસભાની
અનુક્રમે 60 અને 62 બેઠકો જીતીને કૉંગ્રેસ અને ભાજપને જાણે દિલ્હીથી હદપાર ર્ક્યા.
દિલ્હીની સૌથી મોટી લઘુમતી - મુસ્લિમો અને તે પછી દલિત વર્ગના ‘મસીહા’
બન્યા. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન અગ્રણી બન્યા અને મધ્યમવર્ગના મતદારોને
મનાવી લીધા. રાજધાનીમાં આઠ ટકા વસતિની આવક રૂ. 25,000થી 50,000 સુધીની છે. આ મધ્યમવર્ગનું
સમર્થન મેળવ્યું - અન્ય એક સર્વે મુજબ દિલ્હીમાં 45 ટકા વસતિ મધ્યમવર્ગની છે.
આ વખતે ચૂંટણીમાં મધ્યમવર્ગના “આપ વાપસી”
માટે એમણે સાત મુદ્દાનો કાર્યક્રમ જાહેર ર્ક્યો - વચનો નહીં, મધ્યમવર્ગની
માગણીનું ઘોષણાપત્ર! ‘મધ્યમવર્ગ તો બીચ મેં પીસ રહા હૈ’ કહ્યું
પણ મધ્યમવર્ગને વાતોનાં વડાંથી ખુશ કરી શકાય નહીં. કેન્દ્રીય બજેટમાં મોદીએ મધ્યમવર્ગને
મોટી રાહત આપી. વેતન પંચની જાહેરાત કરીને સરકારી કર્મચારીઓને ખુશ ર્ક્યા. કેજરીવાલે
‘આખરી દાવ’ની જેમ યમુનાનાં જળમાં વિષ ભેળવ્યાનો આક્ષેપ ર્ક્યો.
પરાજ્યનું પૂર્વાનુમાન - આગોતરો સ્વીકાર હતો!
હવે કેજરીવાલ મુખ્ય પ્રધાન બનીને શીશમહલમાં
પ્રવેશવાને બદલે ફરીથી ‘જેલ - વાપસી’ કરશે. દિલ્હીવાસીઓને શુદ્ધ હવા-પાણી મળશે અને સુશાસન મળશે.
લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી અને
કેજરીવાલે હાથ પકડયો. સમજૂતી - જુગલબંધી કરી છતાં ભાજપે તમામ સાત બેઠકો જીતી લીધી!
વિધાનસભાની ચૂંટણીમાં દિલ્હી પ્રદેશ કૉંગ્રેસે કેજરીવાલને છોડીને અલગ ચૂંટણી લડવાનો
નિર્ણય લીધો તે એમનો નહીં, પણ રાહુલ ગાંધી અને એમના સલાહકારોનો નિર્ણય હતો. હરિયાણા
- મહારાષ્ટ્રમાં કૉંગ્રેસને પછડાટ મળ્યા પછી રાહુલ ગાંધીના નેતૃત્વ સામે બગાવત કરવામાં
કેજરીવાલ અને મમતા અગ્રેસર હતાં. આ ઉપરાંત તાજેતરનાં વર્ષોમાં દિલ્હી અને પંજાબમાં
સત્તા મેળવનાર ‘આપ’નો પડકાર કૉંગ્રેસ
અને રાહુલ ગાંધી સામે હતો. 2013માં કૉંગ્રેસનો રકાસ થયો તેના કારણમાં કેજરીવાલનું કૉંગ્રેસના
ભ્રષ્ટાચાર સામે અભિયાન હતું અને તેની અસર અન્ય પ્રાદેશિક પક્ષો ઉપર પડી. આંધ્ર, તેલંગણા
અને બિહારમાં પ્રાદેશિક પક્ષો જોરમાં આવ્યા. 2014ની લોકસભા ચૂંટણી કૉંગ્રેસે કેન્દ્રમાં
સત્તા ગુમાવી રાહુલ ગાંધી કેજરીવાલને ઊગતા ડામવા માગતા હતા. દિલ્હીમાં રાહુલ ગાંધી
ભ્રષ્ટાચારી-નાં પોસ્ટર લાગ્યાં. જવાબમાં રાહુલ ગાંધીએ કેજરીવાલને ભારતના સૌથી મોટા
ભ્રષ્ટાચારીનો ખિતાબ આપ્યો!
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસનો
વ્યૂહ ‘આપ’ના ઉમેદવારોએ ચોરેલા કૉંગ્રેસી
વોટ પાછા મેળવવાનો હતો - કારણ કે ભાજપના વોટમાં તો વધારો આપબળે હતો જ્યારે કેજરીવાલ
કૉંગ્રેસના મત ઉઠાવી ગયા હતા! આ મુસ્લિમ - તથા દલિત વોટ કૉંગ્રેસને પાછા મળ્યા કે નહીં
તે મતદાનના વિશ્લેષણમાં જાણવા મળશે. પ્રાથમિક વિશ્લેષણ એવું છે કે મુસ્લિમ મતદારોના
વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારો જીત્યા છે. મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરીને ભડકાવનારા
નેતાઓ માટે આ સબક છે. સબ કા વિશ્વાસ - સબ કા વિકાસ સત્ય છે!