અૉક્ટોબરમાં નિકાસ 22,873 કરોડ રૂપિયા થઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : જેમ્સ અને જ્વેલરીની નિકાસ અૉક્ટોબર 2023માં 11.50 ટકા ઘટીને રૂા. 22,873.19 કરોડ થઈ છે, જે ગયા વર્ષે આ સમયગાળામાં રૂા. 25,843.84 કરોડની થઈ છે. ડૉલરના મૂલ્યમાં નિકાસ 31,348.50 લાખ ડૉલરથી ઘટીને 27,480.10 લાખ ડૉલર જેટલી થઈ છે.
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિપોર્ટ મુજબ અૉક્ટોબર 2023માં કટ અને પૉલિશ્ડ ડાયમન્ડની નિકાસ 32.70 ટકા ઘટીને રૂા. 10,495.06 કરોડની થઈ છે, જે અૉક્ટોબર 2022માં રૂા. 15,594.49 કરોડની થઈ હતી.
પૉલિશ્ડ લૅબ ગ્રોન ડાયમન્ડ્સ (એલજીડી)ની કુલ નિકાસ રૂા. 1474.38 કરોડથી 23 ટકા ઘટીને રૂા. 1135.16 કરોડ થઈ છે.
યુએસ જેવી મહત્ત્વની માર્કેટ્સની ડિમાન્ડમાં સ્લોડાઉન તેમ જ ડાયમન્ડની સપ્લાયની સમસ્યાને કારણે નિકાસમાં ઘટાડો થયો છે. ક્રિસમસની સિઝનમાં માર્કેટમાં પિક-અપ થવાની આશા છે, એમ કાઉન્સિલના ચૅરમૅન વિપુલ શાહે જણાવ્યું હતું.
જોકે, ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 33.50 ટકાનો વધારો થયો છે. ગોલ્ડ જ્વેલરીની નિકાસ અૉક્ટોબર 2023માં રૂા. 8,619.38 કરોડની થઈ છે, જે અૉક્ટોબર 2022માં રૂા. 6457.48 કરોડની હતી.