અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસમાં ભંગાણ અને નાયબ મુખ્ય પ્રધાનપદે અજિત પવારની શપથવિધિના બનાવોને પગલે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને વિધાનસભ્યોને નોટિસ આપીને સાત દિવસમાં ઉત્તર આપવાનું જણાવ્યું છે.
મહારાષ્ટ્રમાં પ્રધાનમંડળનું વિસ્તરણ થવાની અટકળો તેજ છે ત્યારે સ્પીકરે આ નોટિસો મોકલી છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ સરકારમાં સામેલ થઈ તેના કારણે શિવસેના (શિંદે) જૂથમાં ભારે નારાજગી છે. સ્પીકરને શિંદે જૂથના 16 વિધાનસભ્યોની પાત્રતા અંગે નિર્ણય લેવાનો છે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના વિધાનગૃહોનું ચોમાસું સત્ર 17મી જુલાઈથી ચોથી અૉગસ્ટની વચ્ચે યોજાવાનું છે. વિધાનગૃહોનાં કામકાજ અંગેની સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય પ્રધાન શિંદે, નાયબ મુખ્ય પ્રધાન ફડણવીસ અને અજિત પવાર તેમ જ કૅબિનેટ પ્રધાન છગન ભુજબળ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિધાનગૃહોના ચોમાસું સત્ર પહેલાં પ્રધાનમંડળના વિસ્તરણની સંભાવના નથી. આમ છતાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના પ્રધાનોને ખાતાઓની ફાળવણી થવાની શક્યતા છે.
ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે પ્રધાનમંડળમાં માત્ર કૅબિનેટ પ્રધાન જ હશે. તેમાં કોઈ રાજ્યકક્ષાના પ્રધાનનો સમાવેશ નહીં કરાય, જ્યારે શિવસેના (શિંદે)ના નેતાએ કહ્યું હતું કે આગામી બે દિવસમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરાશે. તેમાં ભાજપ અને શિવસેનાના નેતાઓને સ્થાન અપાશે.