• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

કબર : બહાદુરીનું પ્રતીક કે અત્યાચારનો ઇતિહાસ?

આ દરમિયાન - આરએસએસના પ્રવક્તા આંબેકરે કહ્યું છે કે ઔરંગઝેબ અત્યારે રીલેવન્ટ - પ્રાસંગિક નથી - અને તેની કબર પણ જરૂરી નથી. આ નિવેદન ઉપર હવે રાજકીય વાદવિવાદ શરૂ થશે

રંગઝેબની કબર સૈકાઓથી મહારાષ્ટ્રની ધરતી ઉપર છે. ઔરંગાબાદ તો છત્રપતિ સંભાજીનગર બન્યું પણ દૌલતાબાદની નજીક ખુલ્દાબાદમાં આ કબર ઉપર ચાદર અને ફૂલ ચઢાવાતાં હોવાનો વિવાદ જૂનો છે. હવે રાજકીય વિવાદ ગંભીર બન્યો છે. વર્ષ 1992 પછી આ પ્રથમ વખત ગંભીર હિંસક દેખાવો- હુલ્લડનાં દૃશ્યો સર્જાંયા છે અને પોલીસ ઉપર પણ હુમલા થયા છે. અચાનક-તાત્કાલિક ભડકો શા માટે થયો? કબર ખોદીને નાબૂદ કરવાની માગણી ઘણી જૂની છે પણ આ વખતે મામલો ગંભીર બન્યો છે.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન કર્યું કે કાયદો-વ્યવસ્થા જળવાશે અને હિંસા-હુમલા કરનારાને કબર ખોદીને (અર્થાત્ પાતાળમાંથી શોધી, પકડીને) સજા થશે. અચાનક વિસ્ફોટક સ્થિતિ માટે પ્રવર્તમાન સંજોગો સ્થિતિનું કારણ આપતાં એમણે તાજેતરમાં મહારાષ્ટ્ર - અને રાષ્ટ્રમાં હાહાકાર જગાવનાર ફિલ્મ-છાવા અર્થાત સિંહ-બાળનો ઉલ્લેખ કર્યો - પણ દોષ નથી આપ્યો. આ  ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજ ઔરંગઝેબ સામે જે બહાદુરીથી ઝઝૂમ્યા અને શરણે ગયા નહીં - અસહ્ય - કલ્પનાતીત શારીરિક યાતનાઓ સહન કરી તે ઈતિહાસ આ ફિલ્મમાં દર્શાવાયો છે.

ઔરંગઝેબના અત્યાચારોથી મોગલ ઈતિહાસ ખરડાયેલો - નામીચો બન્યો છે. શીખ ગુરુના બાળ-પુત્રોએ ઈસ્લામ નહીં સ્વીકારતાં જીવતા દીવાલમાં ચણી દીધા - મહારાણા પ્રતાપની યાતનાઓ અને અકબરે અનારકલીને જીવતી દીવાલમાં ચણી દીધી - મંદિરો- ધર્મસ્થાનો ધ્વસ્ત કર્યાં - પણ તત્કાલીન ઈતિહાસકારો- ભારતીય અને બ્રિટિશરોએ ઈતિહાસની ઘટનાઓને જાણે બદલી નાખી હતી! હવે પુસ્તકોમાં સુધારા થઈ રહ્યા છે અને સત્ય ઈતિહાસનાં પાનાં ખૂલી રહ્યાં છે - પ્રકાશ પડી રહ્યો છે પણ ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રમાં છે. તો નવી દિલ્હીમાં શાહજહાં, અકબર અને ઔરંગઝેબના નામના માર્ગ- રોડ છે!

આવાં સ્થળ અને નામ બદલાય ત્યારે ખરાં - પણ જનમાનસ બદલાયાં છે તે હકીકત છે. વડા પ્રધાને કહ્યું છે કે મહાકુંભ પછી અભૂતપૂર્વ જનજાગૃતિ થઈ છે. સાચી વાત છે એકતાની શક્તિનું ભાન થયું છે. આસ્થામાં - અને શાસનની શક્તિમાં વિશ્વાસ દૃઢ થયો છે છતાં સબકા સાથ-િવશ્વાસ છે. પ્રયાગરાજ અને અન્યત્ર કોમી એકતાને આંચ આવી નથી. ઉત્તર પ્રદેશમાં સંભલમાં પણ હોળીની શાંતિ જળવાઈ. અલબત્ત શાસનની વ્યવસ્થા પૂરતી હતી.

મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબરના મુલાકાતીઓને લીંબુ-પાણી, શરબત પીવડાવનારા સ્થાનિકો કહે છે અમારા ગામમાં આવી હિંસા કદી જોઈ નથી. હિન્દુ ઉત્સવો પણ ઊજવાયા છે અને મુસ્લિમ ભાઈઓએ સ્વાગત કર્યાં છે. અત્યારે સ્થિતિ અને મિજાજ બદલાયાં કારણ કે ઔરંગઝેબના અત્યાચારનાં દૃશ્યો તાજાં થયાં અને તેની સામે તીવ્ર વિરોધ જાગ્યો. આક્રોશ છે - પણ આતંક નથી. ઔરંગઝેબનો વિરોધ છે - સ્થાનિક મુસ્લિમોનો નહીં, છતાં અફવાઓ ફેલાવાઇ, પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બ ફેંકાયા - તેથી પૂર્વ આયોજન હોવાની ખાતરી થાય છે. અપરાધીઓને સજા તો થશે પણ કાનૂનના ડર ઉપરાંત કોમવાદી ભાઈચારાની ભાવના - આવશે ખરી?

આ ઘટના - હિંસા પાછળ રાજકીય હાથ અને સાથ હોવાના આક્ષેપ સામ સામે થાય છે. કૉંગ્રેસ કહે છે - આર્થિક મોરચે સરકાર નિષ્ફળ ગઈ હોવાથી લોકમત આવા વિરોધના માર્ગે વાળે છે! લાડલી બહિણ યોજના માટે હવે નાણાં નથી. મુંબઈની જેમ મહારાષ્ટ્રમાં બાંધકામ અટકી પડÎાં છે તેથી ખાનગી ક્ષેત્રને મોકળાં મેદાન અપાયાં છે - વગેરે. આક્ષેપમાં તથ્ય હોય તો પણ શાસક પક્ષો પોતાનાં જ રાજ્યોમાં હિંસાચાર કરાવે અને બદનામ થાય એવી શક્યતા નથી. મુખ્ય પ્રધાને તો કહ્યું છે કે કબરની સલામતીની જવાબદારી સરકારની છે... કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગની માન્યતા અને આદેશ હોવાથી રાજ્ય સરકારની જવાબદારી છે!

આ દરમિયાન - આરએસએસના પ્રવક્તા આંબેકરે કહ્યું છે કે ઔરંગઝેબ અત્યારે રીલેવન્ટ - પ્રાસંગિક નથી - અને તેની કબર પણ જરૂરી નથી. આ નિવેદન ઉપર હવે રાજકીય વાદવિવાદ શરૂ થશે. પણ ત્રણસો વર્ષ પછી ઔરંગઝેબને-કબરમાંથી ઉઠાડવામાં આવે તે તમામ રાજકારણીઓ ઈચ્છે છે! ઉદ્ધવ ઠાકરે કહે છે, હુલ્લડ પૂર્વ આયોજિત હતાં તો સરકારી એજન્સીઓની નિષ્ફળતા છે. ‘ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો અને છત્રપતિ શિવાજી મહારાજના અવસાન પછી ઔરંગઝેબનું આગમન દક્ષિણમાં - મહારાષ્ટ્રમાં થયું તે પછી 27 વર્ષ સુધી છત્રપતિ સંભાજી મહારાજ, રાજારામ મહારાજ અને રાણી તારાબાઈએ ઝીંક ઝીલી અને મહારાષ્ટ્ર જીતવાની ઔરંગઝેબની મુરાદ નિષ્ફળ ગઈ અને મહારાષ્ટ્ર લેતાં દિલ્હી ગુમાવ્યું. કોઈ મહારાષ્ટ્રીને તેના માટે કે અફઝલખાન માટે સહાનુભૂતિ હોય નહીં. પણ તેની કબર શિવાજી મહારાજની બહાદુરીનું પ્રતીક છે - ફડણવીસ અને ભાજપ મરાઠાઓની બહાદુરીનું પ્રતીક નષ્ટ કરવા માગતા હોય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે જઈને કબર તોડી નાખવાની મંજૂરી મેળવે’.

વાસ્તવમાં - આવી રજૂઆત કરવા માટે ઉદ્ધવ ઠાકરે સહિત સર્વસંમતિ કેમ થાય નહીં? મુસ્લિમ સમાજના અગ્રણીઓ સ્પષ્ટતા કરે કે મોગલ ઔરંગઝેબ સાથે અમારે કોઈ લેવા-દેવા નથી - તો ઘણો ફેર પડે કે નહીં?

ઉદ્ધવ ઠાકરેએ ઔરંગઝેબનું જન્મસ્થળ યાદ કરવાની શી જરૂર છે? (નેતાઓ હવે ઈતિહાસના અભ્યાસુ છે!) ગુજરાતમાં શિવાજી મહારાજનાં હાલરડાં ગવાતાં હતાં તેની જાણ છે? પણ આ રાજકારણ છે - કબરને મરાઠા બહાદુરીનું પ્રતીક ગણાવીને એમણે કબર-જાળવી રાખવાનો મુદ્દો મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો  છે! ફડણવીસ -ભાજપની કસોટી - મરાઠા બહાદુરીના નામે થાય - આરક્ષણનો વિવાદ હજુ ચાલે છે તેમાં નવો મુદ્દો?

‘આલમગીરની ક્રૂરતા : ઔરંગઝેબે ભાઈ દારાશિકોહનું ખૂન કરીને સત્તા મેળવી તે પછી ભાઈની ‘પત્ની’ રાના-એ દિલને શાદી માટે સંદેશ મોકલ્યો ત્યારે જવાબ મળ્યો - તમને મારામાં શું પસંદ છે? ઔરંગઝેબે કહ્યું તમારા વાળ એટલે રાના-એ દિલે પોતાના વાળ કાપીને ચાંદીની તાસકમાં મોકલ્યા તો પણ ઔરંગઝેબને શરમ નહીં - સંદેશ મોકલ્યો- તમારો ચહેરો ચમકે છે ત્યારે રાનાએ ચેહરા ઉપર છરી ફેરવીને લોહીથી તરબતર રૂમાલ મોકલ્યો હતો...’