• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

મુંબઈ પાલિકાનો 25 ટકા સ્ટાફ ચૂંટણી કાર્યોમાં વ્યસ્ત  

પાંચ હૉસ્પિટલોનાં કામને અસર

મુંબઈ, તા. 24 : બીએમસીની પાંચ મોટી હૉસ્પિટલો અને જાહેર આરોગ્ય વિભાગના કામને ભારે અસર થઈ રહી છે, કારણ કે તેમનો 25 ટકા સ્ટાફ હાલ ચૂંટણી પહેલાંનાં કાર્યો જેવા કે ચૂંટણી કાર્ડની ઘરે ઘરે જઈને ચકાસણી કરવી વગેરેમાં વ્યસ્ત છે.

715 કર્મચારીઓ સી કેટેગરીના છે, જેમાં નર્સો ક્લર્ક, પેરામેડિકલ અને ટેક્નિશિયનોનો સમાવેશ થાય છે જેઓ દર્દીઓની સારસંભાળ કરતાં હોય છે તેમ કૉમ્પ્યુટર સિસ્ટમનું સંચાલન અને એકાઉન્ટ્સને લગતાં કાર્યો સંભાળતા હોય છે. નાણાકીય વર્ષના અંતનું પેપરવર્ક અને સ્થાનિક ખરીદીનું કામ અટકી ગયું છે.

ચૂંટણીને લગતી ફરજ મરાઠા સર્વે બાદ આવી છે જેમાં મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ રોકાયેલા રહ્યા હતા. ``હાલ અમારી ટીચિંગ હૉસ્પિટલો અને આરોગ્ય વિભાગના કામને અસર થઈ રહી છે. પ્રત્યેક કાર્ય ધીમું પડી ગયું છે,'' એમ સુધરાઈના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

`જે કાર્યને એક સપ્તાહ લાગતો હતો તેને બે સપ્તાહ લાગી રહ્યા છે તેમ રજાની અરજીઓ અને નિવૃત્તિની ફાઈલોને લગતું કામ પાછળ ધકેલાઈ રહ્યું છે. ટેક્નિશિયનો સતત ઉપલબ્ધ નહીં રહેવાથી સ્કૅન અને રિપોર્ટસનો પ્રતીક્ષા સમય પણ લંબાઈ ગયો છે,' એમ એક ડૉક્ટરે જણાવ્યું હતું.

એક હૉસ્પિટલમાં તો અૉપરેશન થિયેટરને સાફ કરવા સ્ટાફ નહીં હોવાથી શત્રક્રિયાનો સમય બદલવો પડયો હતો.`અમે સવારના 8 વાગ્યાથી શત્રક્રિયા માટે રાહ જોતા હતા, પરંતુ અમને બપોરે સાફ અને સ્વચ્છ ઓટી ઉપલબ્ધ થયો હતો,' એમ એક સર્જને જણાવ્યું હતું.જે હૉસ્પિટલોને અસર થઈ છે તે કેઈએમ, સાયન, નાયર, કૂપર અને નાયર ડેન્ટલ છે.

રાજકીય પ્રવાહો
No articles found for this category. આ વિષય પર કોઈ લેખો મળ્યા નથી.