• બુધવાર, 22 માર્ચ, 2023
ખ્વાઝા પાંચ રને બેવડી સદી ચૂક્યો : 4/475 રને અૉસિ.નો દાવ ડિક્લેર  
|

આફ્રિકા 326 રન પાછળ: 149 રનમાં છ વિકેટ ગુમાવી

સિડની, તા.7: ટેસ્ટ શ્રેણીના ત્રીજા અને આખરી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રવાસી ટીમ દ. આફ્રિકાને ભીંસમાં લીધી છે. મેચની ચોથા દિવસની રમત બંધ રહી ત્યારે દ. આફ્રિકાએ તેના પહેલા દાવમાં 149 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે હજુ ઓસ્ટ્રેલિયાથી 326 રન પાછળ છે. 

આ પહેલા ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ 4 વિકેટે 475 રને ડિકલેર કર્યો હતો. આથી ઓપનિંગ બેટર ઉસ્માન ખ્વાઝા 5 રને બેવડી સદી ચૂકી ગયો હતો. તે બીજા દિવસની રમતના અંતે 195 રને અણનમ રહ્યો હતો. ત્રીજા દિવસની રમત વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આજે ચોથા દિવસે પણ મેચ લંચ પછી શરૂ થયો હતો અને ઓસિ. કેપ્ટને દાવ આગળ ન વધારવાનો નિર્ણય લઈને 4 વિકેટે 475 રને ડિક્લેર કરી દીધો હતો. આથી ખ્વાઝા પ રને તેની બેવડી સદી ચૂકી ગયો હતો.

આથી દાવ લેવા ઉતરેલી દ. આફ્રિકાની ટીમે નબળો પ્રારંભ કર્યો હતો અને 149 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કપ્તાન ડિન એલ્ગર 15, સારેલ એરવી 18, હેનરિક કલાસેન 3, તેંબા બાવુમા 35, ખયા જોંડો 39 રને આઉટ થયા હતા. માર્કો યાનસન 10 અને સાઇમન હાર્મર 6 રને નોટઆઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી કપ્તાન કમિન્સે 3 અને હેઝલવૂડે 2 વિકેટ લીધી હતી. લિયોનને 1 વિકેટ મળી હતી. મેચના આવતીકાલે આખરી દિવસે ઓસ્ટ્રેલિયા વિજય માટે અને આફ્રિકા ડ્રો માટે પ્રયાસ કરશે.

હેડલાઇન્સ