• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

રાહુલ અને રવીન્દ્રની વાપસી; શ્રેયસ બહાર : આકાશદીપ નવો ચહેરો  

ઇંગ્લૅન્ડ વિરુદ્ધની બાકીની ત્રણ ટેસ્ટ મૅચની ભારતીય ટીમ જાહેર: કોહલી પૂરી શ્રેણી નહીં રમે

મુંબઇ, તા.10: ઇંગ્લેન્ડ વિરુદ્ધના આખરી ત્રણ ટેસ્ટ મેચની ભારતીય ટીમ જાહેર થઇ છે. ઈજાને લીધે બીજો ટેસ્ટ ગુમાવનાર કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની વાપસી થઇ છે. જ્યારે વિરાટ કોહલી પસંદગી માટે ઉપલબ્ધ નથી. આથી તે ઇંગ્લેન્ડ સામેની મેચની પૂરી શ્રેણીની બહાર રહેશે. પીઠની ઇજાને લીધે મીડલ ઓર્ડર બેટર શ્રેયસ અય્યર આખરી ત્રણ ટેસ્ટની બહાર થયો છે. ટીમમાં નવા ચહેરા તરીકે બંગાળના મીડીયમ પેસર આકાશદીપનો સમાવેશ કરાયો છે. બીજા ટેસ્ટમાં સામેલ સ્પિનર સૌરભ કુમાર સ્થાન ટકાવી શકયો નથી. મોહમ્મદ સિરાઝ પણ એક મેચના રેસ્ટ બાદ ટીમમાં પાછો ફર્યો છે. જ્યારે જસપ્રિત બુમરાહ વિશ્રામ લેશે નહીં અને બાકીના ત્રણ મેચની ટીમમાં સામેલ છે.

કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજાની પસંદગી ફિટનેસના આધારે થઇ છે. એનસીએમાંથી ફિટનેસ ટેસ્ટ પાસ કર્યાની લીલી ઝંડી મળ્યા બાદ બન્ને ખેલાડી પ્લેઇંગ ઇલેવનમાં પસંદ થવા માટે ઉપલબ્ધ રહેશે. બાકીના ત્રણ ટેસ્ટમાં રજત પાટીદાર અને સરફરાઝ ખાનને ચાલુ રાખવામાં આવ્યા છે. રણજી ટ્રોફીમાં ભાગ લેનાર વિકેટકીપર ઇશાન કિશનને પસંદગીકારોએ પ્રાધાન્ય આપ્યું નથી.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો ત્રીજો ટેસ્ટ મેચ રાજકોટમાં તા. 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ચોથો મેચ રાંચીમાં 23 ફેબ્રુઆરીથી રમાશે. જ્યારે પાંચમો અને આખરી ટેસ્ટ મેચ 7 માર્ચથી ધર્મશાલા ખાતે રમાશે. 

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (ઉપકપ્તાન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, કેએસ ભરત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદિપ યાદવ, મોહમ્મદ સિરાઝ, મુકેશ કુમાર અને આકાશદીપ.

વિરાટ કોહલીની અનુપસ્થિતિ પર બીસીસીઆઇનો ગોળગોળ જવાબ

વિરાટ કોહલીની પૂરી શ્રેણીમાં અનુપસ્થિતિ પર બીસીસીઆઇ કોઇ સ્પષ્ટ જવાબ આપી શકયું નથી. પ્રેસ વિજ્ઞપ્તિમાં ગોળગોળ રીતે જણાવ્યું છે કે વિરાટ કોહલી અંગત કારણોસર પસંદગી માટે ઉપલબ્ધ નથી. ટીમ તેના નિર્ણયનું પૂરી રીતે સન્માન કરે છે.