• બુધવાર, 12 માર્ચ, 2025

ધર્મકારણ + રાજકારણ + અર્થકારણ

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ

સનાતન ધર્મ વિરોધી રાજકારણને પણ યોગ્ય જવાબ મળી રહ્યો છે. લોકતંત્ર અને ભારતીય સંવિધાનના નામે - અંચળો-નકાબનો ઘોર દુરુપયોગ કરીને લોકતંત્રનું અપહરણ કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા પછી - બેનકાબ થયા પછી પણ સંવિધાન વિષે જનતાને ઊંધાં ચશ્માં પહેરાવવાના પ્રયાસ થઈ રહ્યા છે!

યાગરાજના ત્રિવેણી સંગમમાં મહાકુંભ મહોત્સવ ઊજવાય છે ત્યારે ધર્મકારણ - રાજકારણ અને અર્થકારણનો ત્રિવેણી સંગમ પણ છે! સૌપ્રથમ તો નકલી - દંભી સેક્યુલરવાદના અંચળા હેઠળ સનાતન ધર્મની અવહેલના અને જાણે દુશ્મનાવટ હોય એવા વ્યવહાર અને રાજકારણને મહાકુંભના અવસરે જવાબ મળ્યો છે જે તાજેતરની ચૂંટણીઓમાં મળેલા જનાદેશથી પણ વધુ સચોટ છે. ચૂંટણીમાં મતદાનની ટકાવારી ગમે તેટલી વધુ હોય - તેનાથી મોટી સંખ્યામાં સનાતનીઓએ મહાકુંભમાં હાજરી નોંધાવી છે અને તે મતપેટી કે વોટિંગ મશીનોથી વધુ ચોક્કસ છે. સેક્યુલરવાદીઓ સનાતન - બહુમતી સામે અવિશ્વાસ વ્યક્ત કરશે? મહાકુંભ સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરશે? સનાતન ધર્મને `કૅન્સર' ગણાવનારા હવે આપોઆપ કૅન્સલ થાય છે! મહાકુંભ મહોત્સવ પાંચ વર્ષ પછી નહીં, બાર વર્ષે આવે છે અને `અમર' છે! ચાર - અને બાર વર્ષની મુદત પછી જનાદેશ વધુને વધુ શક્તિમાન - ભારતવર્ષ માટે વધુ શક્તિ-દાતા બને છે. જે ચૂંટણીનાં પરિણામથી વધુ સ્પષ્ટ - જગજાહેર છે.

ભારત જ નહીં, સમસ્ત વિશ્વના સમજદાર લોકો સનાતન ધર્મના મહત્ત્વ અને મહાત્મ્યના સાક્ષી અને સહભાગી બની રહ્યા છે. સનાતન ધર્મ સર્વવ્યાપી અને સર્વસમાવિષ્ટ છે. કોઈ ધર્મનો વિરોધી નથી. સર્વ ધર્મ સાથે સમભાવ છે. સનાતન ધર્મ પ્રતિ ભેદભાવ ધરાવનારાઓને આ જવાબ છે. ધર્માંધ ઝનૂનથી સનાતનીઓને થયેલા અન્યાય અને અત્યાચાર સામે આંખ નહીં, ત્રીજું નેત્ર ખૂલી રહ્યું છે! મહાકુંભ મહોત્સવ પછી હવે વિરોધીઓની આંખ - દૃષ્ટિ સાથે દિલ પણ ખૂલે એવી આશા રાખીએ.

સનાતન ધર્મ વિરોધી રાજકારણને પણ યોગ્ય જવાબ મળી રહ્યો છે. લોકતંત્ર અને ભારતીય સંવિધાનના નામે - અંચળો-નકાબનો ઘોર દુરુપયોગ કરીને લોકતંત્રનું અપહરણ કરવાના પ્રયાસ નિષ્ફળ ગયા પછી - બેનકાબ થયા પછી પણ સંવિધાન વિષે જનતાને ઊંધા ચશ્માં પહેરાવવાના પ્રયાસ થઈ રહ્યા છે! સંવિધાનની વ્યવસ્થા મુજબ ન્યાયતંત્ર, કારોબારી, ચૂંટણી પંચ, આર્થિક ગુનાઓની તપાસ સંસ્થાઓ અને મીડિયાના કાર્યક્ષેત્ર હોવા છતાં કુપ્રચાર થાય છે. હવે ભારતની રાજ્ય વ્યવસ્થા સામે વિરોધ પ્રદર્શિત કરીને લડવાના વિચાર પ્રસારિત થાય છે. ચૂંટણી પ્રચારમાં પણ દેશભરમાં આગ લાગવાની ગર્ભિત ધમકી અપાઈ હતી. જાતિવાદના વિવાદ ચલાવાય છે ત્યારે સનાતન ધર્મમાં જાતિવાદના ભેદભાવ નથી - એમ પ્રયાગરાજમાં સિદ્ધ થયું છે.

અરાજકતાના રાજકારણમાં માઓવાદી - નક્સલવાદી વ્યૂહ છે. આ સામે જનતાને જાગૃત કરવા અને રાખવાના પ્રયાસ થાય છે. મહાકુંભના મહોત્સવમાં લાભ લેવા આવતા લોકોને સંવિધાનની વ્યવસ્થા સમજાવવા માટે પણ વ્યવસ્થા થઈ છે. સંવિધાનમાં સમાનતા, સશક્તીકરણ અને ન્યાય ત્રણ મુદ્દાનો સંગમ છે તે અને સંવિધાનના ઘડવૈયાઓનો પરિચય અપાય છે. સંવિધાનની  ઈ-આવૃત્તિ પણ જાણકારી માટે છે. વધુ જાણકારી માટે ખાસ વિભાગ રખાયો છે. કોરી નોટબુક હાથમાં હલાવીને સંવિધાનનો હવાલો અપાય છે તેના જવાબમાં જિજ્ઞાસુ લોકોને સંવિધાનના દર્શન અને સમજ આપવામાં આવે છે જેથી લોકોને ભગવદ્ ગીતા જેવા પવિત્ર સંવિધાનનું મહત્ત્વ સમજાય - કે સંવિધાન કોઈ બાળકના હાથનું રમકડું નથી! રાજધર્મની ગીતા છે! મહોત્સવમાં પવિત્ર ધાર્મિક ભાવના સાથે આવતા શ્રદ્ધાળુ - કોઈ નેતાની ચૂંટણી જાહેર સભા કરતાં વધુ સમજદાર અને પ્રામાણિક હોય છે. સભામાં હાજરી આપવા પૈસા - ફી લેનારા નહીં. સ્નાન-દાન કરનારા સનાતનીઓ છે - જે ભારતના પ્રામાણિક નાગરિકો છે - શુદ્ધ રાજકારણની શિક્ષણ પ્રક્રિયા અહીં શરૂ થાય છે.

ત્રિવેણી સંગમમાં ત્રીજી પૂર્તિ અર્થતંત્રની છે. આદિ શંકરાચાર્યે ચારધામની યાત્રાનો પ્રબંધ કરીને ભારતવર્ષની સામાજિક, રાજકીય અને આર્થિક એકતા - જોડવાનું અભિયાન કર્યું હતું. ધર્મસ્થળોના સ્થાનિક અર્થતંત્રનો પણ વિકાસ સાધવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો. મહાકુંભ મહોત્સવના આયોજન માટે સાધન સગવડ અને સલામતી માટે જે ખર્ચ થાય છે તે યાત્રા - પ્રવાસ ઉદ્યોગમાં મૂડીરોકાણ છે: દેશી અને વિદેશી પણ. રોજગારીની નવી દિશાઓ ખૂલી છે.

ગંગા-યમુના અને સરસ્વતીના સંગમ ઉપરાંત ધર્મ-સંસ્કૃતિ સાથે ટેક્નૉલૉજીનો સંગમ છે. ધર્મ સાથે અર્થતંત્ર પણ છે. પૃથ્વીના પટ ઉપર આટલી વિશાળ જનમેદની થાય તે રેકોર્ડ છે. વિશ્વના પચાસથી વધુ દેશોની વસતિ કરતાં એકમાત્ર પ્રયાગરાજ મહાકુંભમાં વધુ લોકો ધર્મલાભ લઈ રહ્યા છે. દેશ-વિદેશની કંપનીઓને આટલી વિશાળ બજાર ક્યાંય મળે નહીં. તેથી વ્યાપારની દૃષ્ટિએ વેચાણ તથા જીવનઉપયોગી ચીજ-વસ્તુની જાણકારી - જાહેરાતનો પણ આ મહા-અવસર છે.

રિલાયન્સ, ડાબર, પેપ્સીકોલા, કોકાકોલાનો ધૂમ પ્રચાર અને વેચાણ થાય છે. વિવિધ કંપનીઓ દ્વારા જાહેરખબર પાછળ $ 3600 કરોડનો ખર્ચ અંદાજાયો છે. શ્રદ્ધાળુઓની યાત્રા માટે રેલવે દ્વારા 13 હજાર વધારાની ટ્રેનોની વ્યવસ્થા થઈ છે. આ ઉપરાંત દેશના ખૂણેખૂણેથી પ્રયાગરાજની યાત્રાએ આવનારા શ્રદ્ધાળઓ ખાનગી - બસ - ટૅક્સી માટે ખર્ચ કરશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનને બજેટ અને મધ્યમ વર્ગને રાહત આપવાની ચિંતામાં રાહત મળશે. કારણ કે અર્થતંત્રમાં મંદીની અસર છે. મધ્યમ વર્ગ દ્વારા ખરીદી ઘટી છે ત્યારે હવે યાત્રામાં ખરીદી વધતાં અર્થતંત્રને પ્રોત્સાહક ધક્કો લાગશે એવી અપેક્ષામાં અતિશયોક્તિ નથી.

1954થી 2025

ત્રિવેણી સંગમમાં મહાસ્નાનનું વિશેષ મહાત્મ્ય છે: પૂર્ણ અથવા મહાકુંભ મેળો પાંચ હજાર અથવા તેનાથી પણ વધુ વર્ષો પૂર્વે આદિ શંકરાચાર્યે સનાતન ધર્મમાં કુંભમેળાના પર્વનો પ્રારંભ ર્ક્યો તે યુગ અલગ હતો. વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના સ્થાને શ્રદ્ધા હતી. સાધુ-સંત જ્યોતિષના આધારે સંદેશા- કર્ણોપકર્ણ- પ્રસારિત કરતા હતા અને હજારો શ્રદ્ધાળુ અલાહાબાદ - હવે પ્રયાગરાજ - પહોંચતા હતા! નજીકના ભૂતકાળમાં આઝાદી પહેલાં - 1942માં મહાકુંભ હતો. બીજું વિશ્વયુદ્ધ ચાલતું હોવાથી યાત્રાળુઓની સંખ્યા નિયંત્રિત હતી. આ પછી 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા પછીના શોકપર્વમાં સંખ્યા ઘટી હતી. 1954માં અલાહાબાદમાં મહાકુંભના મેળાનું આયોજન 1300 એકર વિસ્તારમાં થયું હતું. આઝાદી પછી આ પ્રથમ મહાકુંભ હતો. 2800 પોલીસકર્મી અને ભારતીય સેનાના 1000 સૈનિકો ફરજ ઉપર હતા પણ ત્યારે કૉલેરાના રોગચાળા સામે સાવધાની ખાતર સરકારનો આદેશ હતો કે રસી મુકાયા વિના લોકોને પ્રવેશબંધી છે. અલાહાબાદ આસપાસ રસી મૂકવાનાં કેન્દ્રો ખોલવામાં આવ્યાં હતાં. પણ લોકોનો ધસારો હોવાથી રસી કેન્દ્રો અચાનક બંધ કરવાં પડયાં. ત્રીજી ફેબ્રુઆરી 1954ના રોજ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, વડા પ્રધાન નેહરુ, ઉત્તર પ્રદેશના ગવર્નર કનૈયાલાલ મુન્શી, મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંત, પ. બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચન્દ્ર રોય, મધ્ય (ભારત) પ્રદેશના મુખ્ય પ્રધાન રવિશંકર શુકલ વગેરેએ સવારે સંગમની મુલાકાત લીધી હતી તે પછી નવ વાગ્યાના સુમારે ભારે ધક્કામુક્કી-ધસારામાં 800 શ્રદ્ધાળુએ જાન ગુમાવ્યા. જોકે આ દુર્ઘટના પછી લોકસભામાં ધમાલ થઈ. નેહરુએ નિવેદન ર્ક્યું. જાન ગુમાવનારાની સંખ્યા 400 હોવાની સરકારી માહિતી હતી!

તાજેતરનાં વર્ષોમાં આતંકવાદના કારણે સલામતીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 1954માં ચાળીસ લાખ શ્રદ્ધાળુઓ પછી હવે 2025માં આ સંખ્યા 40થી 45 કરોડ થવાનો અંદાજ છે તેથી ધસારો - ધક્કામુક્કી થાય નહીં તે માટે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સના આધારે પૂરતી વ્યવસ્થા થઈ છે. શ્રદ્ધા અને સંસ્કૃતિને વિજ્ઞાન - ટેક્નૉલૉજીનો સાથ મળ્યો છે. લોકોને રાતવાસો કરવા ઉપરાંત સ્નાન, ખાદ્ય - જમવાની વ્યવસ્થા અદ્ભુત કરવામાં આવી છે.

સૌથી મહત્ત્વની બાબત - પૃથ્વી ઉપર આટલી વિશાળ સંખ્યાની વ્યવસ્થા અભૂતપૂર્વ છે. ભારતની વ્યવસ્થા શક્તિનો જીવતો જાગતો પુરાવો છે. કોઈ વિદેશી આયોજકોની સલાહ-સહાય નથી છતાં કોઈ હો-હા નથી. વિરોધીઓની હાય-વોય અપવાદ છે. આ પછી સમગ્ર દેશની વ્યવસ્થા અને વિકાસ યાત્રામાં આત્મનિર્ભર - સ્વાવલંબનનો આત્મવિશ્વાસ દૃઢ બનવો જોઈએ. મહાકુંભ મહોત્સવ - મહાવિકાસના અમૃતકાળની દિશા પ્રશસ્ત કરે છે.