સાતમા દીપોત્સવ પર્વે સરયૂ નદીના 51 ઘાટ પર 22 લાખ, 23 હજાર દીપક પ્રગટયા
આઠ ડ્રૉનથી દીવડાની ગણતરી, ગિનિઝ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન
અયોધ્યા, તા. 11 : વનવાસ પુરો થતાં ભગવાન રામનાં અયોધ્યામાં આગમનના આનંદની ઉજવણીના અવસર દીવાળી પર્વની પૂર્વ સંધ્યાએ શનિવારે ઝગાંમગાં અજવાસથી દીપી ઊઠેલી અયોધ્યા નગરીમાં એક સાથે 22 લાખ 23 હજાર દીવડા પ્રગટાવવાનો વિશ્વ વિક્રમ રચાયો હતો. આઠ ડ્રોનની મદદથી દીવડાઓની ગણતરી કરાઇ હતી. અયોધ્યામાં સાતમા દીપોત્સવ પર્વની આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરતાં વિશાળ સંખ્યામાં સરયૂ કાંઠે ઉમટેલો રામભક્ત સમુદાય વિશ્વનું ધ્યાન ખેંચનાર આ વીરલ વિક્રમનો સાક્ષી બન્યો હતો. સરયૂ નદીના કિનારે 51 ઘાટો પર 22 લાખ, 23 હજાર દીવડા પ્રગટાવવાની પવિત્ર પહેલને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ દીવડા પ્રગટાવવાના `િવક્રમ સર્જક' પ્રસંગમાં એક લાખ પાંચ હજાર લિટર સરસવનાં તેલનો ઉપયોગ કરાયો હતો.
સમગ્ર નગરને શણગારરૂપે દીવડાની સાથોસાથ રોશની તેમજ આકાશમાં અનોખી આતશબાજીના અજવાસે ખાસ ઉપસ્થિત રહેલા 54 દેશોના રાજદૂતો સહિત સૌ કોઇની આંખો આંજી નાખી હતી.
અગાઉ, અયોધ્યામાં 15 લાખ 76 હજાર દીવડા પ્રકાશપર્વે પ્રગટાવવાના વિક્રમની નોંધ લઇ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું હતું. હોલોગ્રાફિક લાઇટ દ્વારા મહર્ષિ વાલ્મીકિની રામકથા સંભળાવાઇ હતી. ઝાકઝમાળ ભર્યા માહોલ વચ્ચે લેઝર શો બાદ 84 લાખ રૂપિયાની કિંમતના ગ્રીન ફટાકડાઓથી 23 મિનિટ સુધી આતશબાજી કરાઇ હતી.