• સોમવાર, 04 ડિસેમ્બર, 2023

શ્રીનગર ઍરબેઝ પર મિગ-29 યુદ્ધ વિમાનોની સ્ક્વૉડ્રન તહેનાત

શ્રીનગર, તા. 12 : ભારતીય વાયુદળે શ્રીનગર એરબેઝ પર મિગ-29 યુદ્ધ વિમાનની સ્કવોડ્રન તૈનાત કરી છે. આ યુદ્ધ વિમાન ચીન અને પાકિસ્તાનના પડકારોનો જડબાંતોડ જવાબ દેશે. 

શ્રીનગર એરબેઝ આ બંને દેશોની નજીક છે. અહીં તૈનાત યુદ્ધ વિમાનો આધુનિક ફીચર્સથી સજ્જ છે. જેમાં લાંબા અંતરના હવામાં માર કરી શકે તેવાં મિસાઇલ, નાઇટ વિઝન સહિત સુવિધાઓ છે.

મિગ-29 યુદ્ધ વિમાન મિગ-21નું સ્થાન લેશે.  ભારતીય વાયુદળે 2025 સુધીમાં તમામ મિગ-21 હટાવી તેના સ્થાને મિગ-29 મૂકવાનો ફેંસલો કર્યો છે.

ગલવાન ખીણમાં ચીન સાથે સંઘર્ષ થયા બાદ લદ્દાખમાં પણ મિગ-29 તૈનાત કરાયાં હતાં. આ ક્ષેત્રમાં ચીન હવાઇ સીમામાં ઘૂસશે તો મિગ-29 સૌથી પહેલાં જવાબ આપશે.

અધિકારીઓના જણાવ્યાનુસાર લડાઇ દરમ્યાન મિગ-29માં દુશ્મનનાં વિમાનને જામ કરી દેવાની તાકાત છે.

સ્કવોડ્રન લીડર શિવમ રાણાએ જણાવ્યું હતું કે, અપગ્રેડ કરાયેલાં મિગ-29 યુદ્ધ વિમાન રાત્રે નાઇટ વિઝન ગોગલ્સની મદદથી ઉડાવી શકાશે.

ખાસ તો હવામાં જ બીજાં વિમાન પાસેથી ઇંધણ મેળવી શકતાં હોવાથી મિગ-29 યુદ્ધ વિમાન લાંબાં અંતર સુધી ઉડાન ભરી શકે છે.